પોતે તકલીફમાં હોવા છતાં પણ બિનવારસી વોર્ડના દર્દીઓને જમાડીને નવું જીવન આપે છે ગુરમિતસિંહ!

0

એમ કહેવાય છે કે જન્મ આપનારા કરતાં પાલન કરનાર મોટો હોય છે. પાલન કરનારો ત્યારે વધારે મોટો થઈ જાય છે કે જ્યારે તે એ વાતની ચિંતા નથી કરતો કે તે કોનું પાલન કરી રહ્યો છે અને તમામ લોકો માટે એક જ સરખા પ્રેમ, ભાવના, લાગણી અને તત્પરતાથી દિવસ-રાત જોયા વિના સેવા કરે છે. આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ એટલે સરદાર ગુરમિત સિંહ. મૂળ રૂપે પાકિસ્તાની પરિવારની ત્રીજી પેઢી સરદાર ગુરમિત સિંહ પટના ગીચ વિસ્તાર ધરાવતા વિસ્તાર ચિરૈયાટાંડમાં કપડાંની દુકાન ધરાવે છે. ગુરમિતસિંહ છેલ્લાં 25 વર્ષથી સતત વિવિધ વિસ્તારોમાં નિરાધાર છોડી દેવામાં આવેલા લોકોને જમાડે છે અને નિઃસ્વાર્થ ભાવે તેમની સેવા કરે છે.

સરદાર ગુરમિતસિંહની પહોંચ એવા લોકો સુધી છે કે જેઓ પીડિત, લાચાર, અશક્ત અને અન્નના દાણા માટે વલખાં મારે છે. એ તો ઠીક ગુરમિત સિંહ પટના મેડિકલ કોલેજની હોસ્પિટલમાં આવેલા કુખ્યાત બિનવારસી વોર્ડ ખાતે મરવા છોડી દીધેલા લોકોને ભોજન પીરસતાં જોવા મળે છે. અહીં કોઈ સામાન્ય માણસ ઊભો પણ રહી શકતો નથી. ગુરમિત સિંહ આ વોર્ડના લોકોને ભોજન આપે છે એટલું જ નહીં, પરંતુ દર્દીઓ પણ માણસ છે તેવો તેમને અનુભવ કરાવે છે.

સરદાર ગુરમિતસિંહનાં આ સેવાકાર્ય પાછળ એક હૃદયસ્પર્શી કથા રહેલી છે. ગુરમિતસિંહે યોરસ્ટોરીને જણાવ્યું,

"ખરેખર તો અમારાં જીવનમાં એક અજાણ્યા મદદગારે મહત્વની ભૂમિકા ભજવી હતી. એ અજાણ્યા દેવદૂતે અમારા પરિવારને એવી સ્થિતિમાં મદદ કરી હતી કે જ્યારે અમારો પરિવાર ગંભીર રીતે બીમાર પડેલી મારી બેનની સારવાર માટે રઝળ્યા કરતો હતો. તે દરમિયાન આખો પરિવાર આર્થિક તંગીમાં સપડાયેલો હતો. મને લાગ્યું હતું કે પૈસા ન હોય તો માણસ કટલો લાચાર અને વિવશ થઈ જાય છે. તે વખતે તે અજાણ્યા દેવદૂતે મારી મદદ કરી એટલું નહીં પરંતુ એમ કહો કે મારી બેનને જીવતદાન આપ્યું. અને પછી કાયમ માટે આ દુનિયાની ભીડમાં ખોવાઈ ગયો."

તે દિવસ અને આજની ઘડી સરદારજીએ પોતાનું જીવન માનવ સેવા માટે સમર્પિત કરી દીધું. આંધી આવે કે તોફાન, આગ વરસે કે પાણી તમામ પરિસ્થિતિઓમાં ગુરમિત સિંહ પીએમસીએચના બિનવારસી વોર્ડના દર્દીઓને ખાવાનું આપવા માટે જરૂરથી જાય છે. તેમની સેવા કરે છે. માનવસેવામાં લાગેલા સરદારજીએ અત્યાર સુધી કોઈની પણ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના પોતાની કમાણીથી છેલ્લાં 25 વર્ષમાં 100 લોકોને સંપૂર્ણ રીતે સાજા કરીને તેમને તેમના પરિવાર સાથે મેળવી આપ્યા છે. 100 તો માત્ર આંકડાકીય સંખ્યા છે પરંતુ તેમનો જુસ્સો તો લાખો કરતાં પણ વધારેનો છે.

શરૂઆતના તબક્કામાં જ્યારે ગુરમિતસિંહે પોતાની મર્યાદિત આવક થકી લોકોને ભોજન આપવાનું શરૂ કર્યું તો આર્થિક તંગીને કારણે તે કામમાં ઘણી મુશ્કેલીઓ આવી. તે દરમિયાન પરિવારજનોએ પણ મદદ કરી પરંતુ પોતાની લગન અને ધૂનના પાક્કા આ માણસે તમામ મજબૂરીઓ અને વિરોધને અવગણીને આ કામને પોતાની દિનચર્યાનો ભાગ બનાવીને તેને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું. ઘણી વખત તો એવું પણ બન્યું કે ઘરમાં જ ખાવાનું ન હોય તેમ છતાં પણ પૈસા આઘાપાછા કરીને શાકભાજી લઈ આવ્યા. ઘરમાં જ ખાવાનું બનાવ્યું અને પછી હોસ્પિટલમાં લઈને લોકોને ભોજન કરાવવા માટે ગયા. આ વોર્ડમાં ઘણા દર્દીઓ એવા હોય છે કે જેઓ પોતાની જાતે ખાઈ નથી શકતા. ખાવાનું ખવડાવ્યા બાદ ગુરમિતસિંહ દર્દીઓની પથારી અને તેમનાં કપડાં પણ સાફ કરે છે. તેમની સાથે કલાકો વીતાવે છે. તહેવાર પણ તેમની સાથે ઉજવે છે. જોકે, ગુરમિતસિંહનો પોતાનો પણ પરિવાર છે. તેમને પાંચ દીકરા છે. જે દિવસે મોટા દીકરાનાં લગ્ન હતાં ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ હતું. પરિવારજનો અને મિત્રો આનંદ કરી રહ્યા હતા ત્યારે સરદારજી હંમેશની જેમ પોતાના નિત્યક્રમને પૂરો કરવા માટે હોસ્પિટલ પહોંચી ગયા. વોર્ડમાં રહેલા તમામ દર્દીઓને ભોજન આપ્યું. બધા લોકો સાથે પોતાની ખુશી વહેંચી. બધાને મીઠાઈ ખવડાવી. પછી લગ્નમાં હાજરી આપવા માટે ઘરે આવી ગયા હતા.

ગુરમિતસિંહ જણાવે છે,

"જો હું વધારે પડતો વ્યસ્ત હોઉં અને હોસ્પિટલ જવાની સ્થિતિમાં ન હોઉં તો મારો મોટો દીકરો હરદિપસિંહ ફરજ નિભાવે છે. ગુરુ નાનકજીના ઉપદેશોમાં મને સંપૂર્ણ આસ્થા છે. નાનકજીની સાચી શિક્ષા પણ માનવસેવાને પ્રોત્સાહન આપે છે. મારા માટે તો હેરાન થતાં દર્દીને ભોજન આપવું તે જ મારી આસ્થા છે અને તે જ મારું કર્મ છે."

સામાન્ય માણસના ગુપ્ત દેવદૂત જેવા સરદારજી કોઈ બિનવારસી અંગેની માહિતી મળે તો તરત જ ત્યાં પહોંચી જાય છે. તેનો ઇલાજ કરાવે છે, તેની સેવા કરે છે અને સ્વસ્થ થાય કે તેમને તેમના ઘરે પહોંચાડે છે.

સરદાર ગુરમિતસિંહ એવા તમામ લોકો માટે પ્રેરણાસ્રોત છે કે જેઓ સમાજ માટે કંઇક કરવા માગે છે. સમાજસેવા માટે દૃઢ ઇચ્છાશક્તિ અને નિઃસ્વાર્થભાવ ખૂબ જ જરૂરી છે. પરેશાન હોય તેવા લોકોના ચહેરા ઉપર ખુશી જોઇને ગુરમિત સિંહને જે ખુશી થાય છે તે જ જીવનની ખરેખર સૌથી મોટી ખુશી છે.


લેખક – કુલદિપ ભારદ્વાજ

અનુવાદ – અંશુ જોશી