27 વર્ષના યુવાનની 'ડિલિવરી બૉય'માંથી ઉદ્યોગસાહસિક બનવાની સંઘર્ષમય સફર

1

ઇજનેરીનો અભ્યાસ છોડીને ઉદ્યોગસાહસિક બનેલો યુવાનના હાથ નીચે અત્યારે ઑનલાઇન 20થી વધારે જ્યોતિષીઓ કામ કરે છે!

30 દિવસો પસાર થઈ ગયા હતા. કેશ રજિસ્ટરમાં એક આંકડો પડ્યો નહોતો. સહ-સ્થાપક મૂંઝાઈ ગયા હતા. ઓફિસ સ્પેસ ખાલી કરવાની હતી, કારણ કે લાંબા સમય સુધી ભાડું ચુકવવું શક્ય નહોતું. ઉદ્યોગસાહસિકતાની શરૂઆતમાં આવી મુશ્કેલીઓ પડશે તેની કલ્પના દિનુપ કાલેરિલે કરી નહોતી. વર્ષ 2013ના શરૂઆતના દિવસો હતા. કદાચ તેમના માતાપિતા સાચા હતા. તેમણે દિનુપને એન્જિનિયરિંગ ડિગ્રી મેળવીને નોકરી શોધવાની ભલામણ કરી હતી. તેમણે શરૂ કરેલી ઑનલાઇન ટી-શર્ટ કંપની કામ કરતી નહોતી અને રૂ.25,000ના રોકાણનો ધુમાડો થઈ ગયો હતો.

દિનુપ તેમના કુટુંબમાં કોલેજની ડિગ્રી મેળવનાર પ્રથમ હશે તેવું તેમના માતાપિતા વિચારતા હતા. દિનુપના પ્લમ્બર પિતા પોતાના પુત્રને એન્જિનિયરિંગ પૂર્ણ કરાવીને વિદેશમાં મોકલીને સ્થાયી કરવા ઇચ્છતાં હતાં. પણ દિનુપના મનમાં બીજો જ વિચાર હતો. તેમણે ઉદ્યોગસાહસિક બનવાનું નક્કી કર્યું. તેમણે શરૂઆત ઑનલાઇન ટી-શર્ટ કંપની સાથે કરી, પણ તેમાં નિષ્ફળતા મળતા તેને વેચીને વધુ એક સ્ટાર્ટઅપ – 'મોન્કવ્યાસ' શરૂ કર્યું, જે ઓનલાઇન એસ્ટ્રોલોજી કન્સલ્ટેશન પ્લેટફોર્મ છે. તેમનો દાવો છે કે ચાલુ વર્ષની શરૂઆતમાં સ્થાપિત આ પ્લેટફોર્મ પર દરરોજ રૂ. 75,000થી રૂ. 1,00,000ના વ્યવહારો થાય છે. પણ વર્ષ 2013ની શરૂઆતમાં તેમની પાસે એક જ વિકલ્પ હતો – તેમણે 'ડિલિવરી બૉય' તરીકે નોકરી શરૂ કરી હતી.

પ્રથમ પ્રયાસે નિષ્ફળતા

કોલેજના દિવસો દરમિયાન
કોલેજના દિવસો દરમિયાન

27 વર્ષીય દિનુપ કહે છે, “સચિન તેંડુલકર મારો હીરો હતો. એટલે મારું વેકેશન ક્રિકેટ રમવામાં કે નજીકના તળાવમાં તરવામાં પસાર થતું હતું. મને ખબર નહોતી કે હું શું કરવા કે બનવા માંગતો નહોતો, પણ સવારે 9થી 5ની નોકરી મને પસંદ નહોતી.” તેમ છતાં અન્ય સહાભ્યાસીઓની જેમ તેમણે ઇજનેરી કોલેજમાં પ્રવેશ કર્યો હતો, પણ આ મોટી ભૂલ હોય તેવું તેમને લાગતું હતું.

“કોલેજના બીજા વર્ષમાં મેં ઉદ્યોગસાહસિક બનવાનો નિર્ણય લીધો હતો. મને ઘણા વિચારો આવતા હતા અને મારા મિત્રો સાથે ચર્ચા કરતો હતો. મેં સિમ કાર્ડ વેચ્યાં, એજન્સીઓ માટે પ્રવાસ કર્યો. જે કમાણી કરી તેમાંથી વર્ષ 2008માં કમ્પ્યુટર ખરીદ્યું.” 

તેમ દિનુપ કહે છે.

ઇન્ટરનેટ અને કમ્પ્યુટર શબ્દ દિનુપને રોમાંચિત કરે છે અને તેઓ જાણતા હતા કે તેઓ તેમાંથી કશું મેળવી શકશે. એટલે એ વર્ષે તેમણે ઇજનેરીનો અભ્યાસ છોડીને નવું સાહસ શરૂ કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું. પણ તેમાં તેઓ નિષ્ફળ નિવડ્યાં. જ્યાં સુધી તેઓ ફરી કોલેજમાં નહીં જાય ત્યાં સુધી તેમના પિતાએ તેમની સાથે અબોલા લીધા. આ પ્રકારના વાતાવરણથી તંગ દિનુપે ચેન્નાઈ જવાનો નિર્ણય કર્યો. બે મહિના ચેન્નાઈમાં સેલ્સમેન તરીકે નોકરી કરી. અહીં તેમને ટી-શર્ટ માટે ઑનલાઇન શોપિંગ પોર્ટલ શરૂ કરવાનો વિચાર આવ્યો અને તેઓ વર્ષ 2012માં ચેન્નાઈથી પરત ફર્યા. તે સમયે કેરળમાં ઑનલાઇન શોપિંગ બહુ લોકપ્રિય નહોતું. એટલે તેમની અપેક્ષા મુજબ પ્રતિસાદ મળ્યો નહીં અને તેઓ ખર્ચને પહોંચી વળવામાં નિષ્ફળ નિવડ્યાં. મોટાભાગના વ્યવહારો કેશ-ઓન-ડિલિવરી દ્વારા થતા હતા, જેમાં રૂપિયા મળવામાં મહિનાનો સમય લાગતો હતો. આ સમયે દિનુપે પોતાના અને અન્ય ડિલિવરી કંપનીઓ માટે ડિલિવરી બૉય બનવાનો નિર્ણય કર્યો.

“મેં કોચીમાં છ મહિના સુધી ઉત્પાદનોની ડિલિવરી કરી હતી. ઘણા કોચીવાસીઓ માટે હું જાણીતો ડિલિવરી બૉય હતો,” તેવું તેઓ ઉમેરે છે.

દિનુપ માટે પડકારો ઝીલવા નવી વાત નહોતી. તેમનો જન્મ કોચીથી 25 કિમી દૂર પટ્ટિમત્તોમમાં થયો હતો અને તેઓ સાધારણ પરિવારમાંથી આવે છે. તેમણે પ્રાથમિક અભ્યાસ મલયાલમમાં કર્યો, જ્યારે ઇજનેરીનો અભ્યાસ અંગ્રેજીમાં કરવાનો હતો. તેમણે અભ્યાસ કરવાની સાથે પોકેટ મની માટે નાની-મોટી નોકરી પણ કરી હતી. દિનુપે પછી તેમની ઓનલાઇન ટી-શર્ટ કંપની કોચીમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટને વેચી દીધી. ઉદ્યોગસાહસિક બનવાનો તેમનો પ્રથમ પ્રયાસ આ રીતે નિષ્ફળ નિવડ્યો હતો, પણ તેમની અંદર ઉદ્યોગસાહસિકનો જીવ સતત કશું નવું કરવા ઝંખતો હતો. તેમણે ઓનલાઇન સેવા શરૂ કરવા નજર દોડાવી.

સહ-સ્થાપકની શોધ

દિનુપ જાણતા હતા કે તેમને મજબૂત ટેક્નિકલ ટીમની જરૂર છે. ચાર મહિના સતત શોધ કર્યા પછી એક સાંજે કોચી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની નજીક ચાની કિટલી પર તેમનો ભેટો તેમના કોલેજના મિત્ર સરથ કે એસ સાથે થયો, જે સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરતો હતો. દિનુપ આ મુલાકાત વિશે કહે છે, 

“જ્યારે મેં એસ્ટ્રોલોજર્સ માટે બજારમાં વેબસાઇટનો વિચાર મૂક્યો ત્યારે તેને રસ પડ્યો. પછી અમે કિટલી પર જ અમારા વિચારો અને યોજનાની ચર્ચા કરવા મળતા હતા. ટૂંક સમયમાં તેણે નોકરી છોડી દીધી અને મોન્કવ્યાસના સહ-સ્થાપક તરીકે મારી સાથે જોડાઈ ગયો.”

વધુ એક કસોટી

દિનુપ કાલેરિલ
દિનુપ કાલેરિલ

બંનેએ બે મહિના યોજના બનાવી અને કોડિંગ પર કામ કરતા અગાઉ યુઆઇ બનાવ્યું છે. પછી એસ્ટ્રોલોજર્સને બોર્ડ પર લેવાનો પડકાર હતા, જેમાં મોટા ભાગના ઇન્ટરનેટસેવી નહોતા. તેમને આ પ્લેટફોર્મ પર આવવા માટે તૈયાર કરવામાં અને તાલીમ આપવામાં સારો એવો સમય પસાર થયો. જોકે ટેક્નિકલ અવરોધો તેમને ડ્રોઇંગ બોર્ડ પર પરત લઈ ગયા હતા. તેમણે વીડિયો કન્સલ્ટેશન પ્લેટફોર્મ બનાવ્યું હતું, જેણે 10 એસ્ટ્રોલોજર્સ સાથે બીટા ટેસ્ટિંગ દરમિયાન સારી રીતે કામ કર્યું હતું. પણ પેમેન્ટ ગેટવે સંકલન અને વીડિયો કન્સલ્ટેશન એકસાથે કામ કરતા નહોતા. તેમણે વેબસાઇટ પર કામગીરી બંધ કરી અને એપ્રિલ, 2015માં ફરી શરૂ કરી. ત્યાં સુધીમાં દિનુપ ટીઆઇએ કેરળનો સભ્ય બની ગયો અને ટૂંક સમયમાં કોચી આધારિત સ્ટાર્ટઅપ પ્રેરક સંસ્થા સ્ટાર્ટઅપ વિલેજના ચેરમેન સંજય વિજયકુમાર પાસેથી ફંડિંગ મળ્યું.

બિઝનેસ મોડલ

એપ્રિલ, 2015માં મોન્કવ્યાસ પાસે 15 એસ્ટ્રોલોજર્સ હતા અને મહિનામાં 22 કન્સલ્ટેશન સાથે શરૂઆત કરી હતી અત્યારે તે બોર્ડ પર 25 એસ્ટ્રોલોજર્સ ધરાવે છે અને દરરોજ 22 કન્સલ્ટેશન આપે છે. જ્યારે ટીમને એસ્ટ્રોલોજર્સ માટે 500 ઇન્ક્વાયરીઅને 200 ઑનલાઇન ઇન્ક્વાયરી મળે છે, ત્યારે એકસાથે ઘણી બધી કામગીરી કરે છે. દિનુપ કહે છે કે, “અમે કોઈ પણ એસ્ટ્રોલોજર્સને બોર્ડ પર લેતા અગાઉ તેની વિશ્વસનિયતા ચકાસીએ છીએ.”

ટીમ દરેક ટ્રાન્ઝેક્શન માટે એસ્ટ્રોલોજર પાસેથી 15 ટકા કમિશન લે છે. કન્સલ્ટેશનની જરૂરિયાત અનુભવતા યુઝર્સ ઓનલાઇન વીડિયો ચેટ અને ઓફલાઇન ફોન કોલમાંથી કોઈ વિકલ્પની પસંદગી કરી શકે છે. પેમેન્ટ ઓનલાઇન થાય છે અને દરેક વ્યવહાર સરેરાશ રૂ. 500નો હોય છે. ભારતમાં શ્રેષ્ઠ એસ્ટ્રોલોજર્સને એક પ્લેટફોર્મ પર લાવવાના સ્વપ્ન વિશે દિનુપ કહે છે કે, કંપની ત્રણ વર્ષમાં 200 એસ્ટ્રોલોજર્સને બોર્ડ પર લેશે અને 200 મિલિયન ડોલરના વ્યવહાર કરશે. દીનુપ કહે છે,

"ઉદ્યોગસાહસિકતાએ મને મુશ્કેલ સમયમાં પણ સ્વતંત્રતા આપી છે. તમામ સંઘર્ષ હોવા છતાં હું તેના સિવાય બીજું કશું વિચારી શકતો નથી."

મોન્કવ્યાસ સાથે નવી શરૂઆત

ડિસેમ્બર, 2013માં જ્યારે તેના મિત્રના ઘરે દિનુપે જોયું કે તેના મિત્રના પિતા એસ્ટ્રોલોજરને કન્સલ્ટ કરવાના છે. દિનુપે તાત્કાલિક તેમને કહ્યું હતું કે તેમણે ઑનલાઇન એસ્ટ્રોલોજરની સલાહ લેવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. દિનુપ કહે છે, "મેં મારા મિત્રનું લેપટોપ લીધું અને ઑનલાઇન એસ્ટ્રોલોજર કન્સલ્ટેશન માટે શોધ કરી, પણ મને કોઈ વેબસાઇટ ન મળી.” એસ્ટ્રોલોજી સાથે સંબંધિત કેટલીક વેબસાઇટ જોયા પછી તેમણે ઓટોમેટિક હોરોસ્કોપ રિપોર્ટ મેળવ્યો હતો, જેમાં ટેકનોલોજી ઑનલાઇન હોરોસ્કોપ મેળવ્યો હતો, જેમાં જન્મતારીખ, સમય અને જન્મસમય પર આધારિત હતો.

દિનુપ કહે છે, "મારા નવા સાહસ માટે તેણે પ્રેરણા આપી હતી. મને અહેસાસ થયો હતો કે એસ્ટ્રોલોજી મોટા ભાગના ભારતીયો માટે નિર્ણય લેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”

લેખક- સિંધુ કશ્યપ

અનુવાદકઃ કેયૂર કોટક

Related Stories