હિપ્નોથેરાપિસ્ટમાંથી બેકર બનેલી ઉજ્જ્વલા પટેલની સાફલ્યગાથા

હિપ્નોથેરાપિસ્ટમાંથી બેકર બનેલી ઉજ્જ્વલા પટેલની સાફલ્યગાથા

Saturday December 12, 2015,

4 min Read

નાનાં બાળકોનાં ઘણાં માતા-પિતાની એવી ફરીયાદ હોય છે કે મારું બાળક લીલા શાકભાજી ખાવાની ના પાડી દે છે. મારે તેનો સમાવેશ તેમના ખોરાકમાં કેવી રીતે કરવો? ઉજ્જ્વલા પટેલ પણ આવી જ મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યાં હતાં કે તેમની દીકરીના રોજિંદા ખોરાકમાં લીલા શાકભાજીનો સમાવેશ કેવી રીતે કરવો. તેવામાં તેમના મનમાં એક વિચાર ઝબક્યો કે આ બધી વસ્તુમાંથી જો કેક અને કૂકિઝ બનાવવામાં આવે તો તેના ખોરાકમાં જરૂરી એવા પોષક તત્વોનો ડૉઝ તેની દીકરીને મળી શકે છે. ઉજ્જ્વલાએ જ્યારે બેકરીનાં ક્ષેત્રે ડગલાં માંડ્યાં અને પોતાની બેકરી 'કપકેક્સ એન્ડ મોર' શરૂ કરી તે વખતનાં સંસ્મરણો તેણે વાગોળ્યાં હતાં.

image


આ માટેનું સમાધાન લાવવા તેણે શાકભાજી આધારિત આખા ઘઉંના કૂકિઝ અને કેક બનાવવાનું શરૂ કર્યું. તેની રેસિપીમાં શું હોય છે તે જાણો – દૂધી, બિટ, પાલક, કોળું, મેથી, વટાણા, શક્કરીયાં, મકાઈ અને મરી આ ઉપરાંત અન્ય પોષણયુક્ત વસ્તુઓ તો ખરી જ.

આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને તે બે પ્રકારની વસ્તુઓ બનાવે છે. એક તો કેક (મફિન્સ સહિતની) અને કૂકિઝ.

આ તમામ પ્રકારનો જરૂરી અને પોષણયુક્ત આહાર બનાવવા માટે કોઈ જ પ્રકારના અકુદરતી સ્વાદ કે રસાયણોનો ઉપયોગ કરવામાં નથી આવતો બેકિંગ પાઉડરનો પણ નહીં. હવે તો ઉજ્જ્વલાના કેક અને કૂકિઝ કેટલા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે તેનો ખ્યાલ ઘણી માતાઓને આવી ગયો હોવાને કારણે તેઓ પોતાના બાળકો માટે તે ખરીદવાનો આગ્રહ રાખે છે.

ઉજ્જ્વલાને ખ્યાલ આવી ગયો કે તેના રસોડામાં બની રહેલાં 'ગ્રીન મોન્સ્ટર્સ અને પિન્ક ફેરિઝ' તેની દીકરીને ખૂબ જ ભાવે છે અને તેના રોજિંદા ખોરાકમાં શાકભાજીને સામેલ કરવાનો આ એક માત્ર ઉપાય છે.

image


ગ્રીન મોન્સ્ટર્સ પાલકમાંથી બનાવેલાં કૂકિઝ અને કેક છે. જ્યારે પિન્ક ફેરિઝ બિટમાંથી બનાવવામાં આવેલાં કૂકિઝ અને કેક છે. આ બંને વાનગીઓ ઉજ્જ્વલાની ખાસિયત છે. તેની દીકરીને આ બંનેનો સ્વાદ દાઢે વળગ્યો અને તે નાસ્તામાં તેને ખાવા લાગી તેમજ તેણે ઉજ્જ્વલા પાસે માગણી કરી કે મમ્મીનાં ઘરની બેકરીમાંથી તે આના સ્વાદ સિવાયની અન્ય કેક અને કૂકિઝ પણ તે બનાવે.

હિપ્નોથેરાપિસ્ટમાંથી બેકરના માર્ગ પર

વર્ષ 2013માં જ્યારે ઉજ્જ્વલાએ બીજા બાળકને જન્મ આપ્યો ત્યાં સુધી તે એક શોખના ભાગરૂપે બેકિંગ કરતી હતી. પરંતુ ત્યારબાદ તેની જવાબદારીઓમાં વધારો થતાં તેણે હિપ્નોથેરાપિસ્ટની કારકિર્દી છોડીને સંપૂર્ણ ધ્યાન બેકિંગ ઉપર આપવાનું શરૂ કર્યું.

તેણે ચંદીગઢ ખાતેથી પંજાબ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. ઉપરાંત તેણે કેલિફોર્નિયા હિપ્નોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી પ્રમાણપત્ર અભ્યાસક્રમ કર્યો હતો અને તે રેકી નિષ્ણાત તરીકે કામ કરતી હતી. આ એક પ્રકારની ચિકિત્સા છે કે જેમાં લોકો પોતાની શારીરિક સમસ્યાઓ લઈને તેની પાસે આવતા હતા અને ઉજ્જ્વલા તેમને હિપ્નોથેરાપીના માધ્યમથી રેકીની સારવાર આપીને તેનું નિરાકરણ કરતી હતી. આ કારકિર્દી તેને ગમતી હતી પરંતુ ઘરમાં નાના બાળક સાથે તેમને આ કામ કરવામાં તકલીફ પડી રહી હતી. તેમ ઉજ્જ્વલાએ જણાવ્યું હતું.

તેણે જણાવ્યું હતું કે હિપ્નોથોરાપિસ્ટની કારકિર્દી છોડવી તેના માટે અઘરું નહોતું કારણ કે તેને બેકિંગ કરવાનું પસંદ હતું અને તે દસમા ધોરણમાં હતી ત્યારે તેણે આ અંગેનો કોર્સ પણ કર્યો હતો. 

"બેકિંગમાં મારી હથોટી હતી જ અને જ્યારે પણ હું મારી બનાવેલી બેક્ડ વસ્તુઓ મારા બાળકો, પરિવારજનો અને મિત્રોને ખવડાવતી ત્યારે તેઓ તેને ખૂબ જ પસંદ કરતાં હતાં. તેમણે મને આ વેપાર કરવા માટેનું પ્રોત્સાહન આપ્યું હતું."
image


તે વિચારને અમલમાં મૂકવામાં આવ્યો અને 15 ઓગસ્ટ, 2015ના રોજ 'કપકેક્સ એન્ડ મોર'નો જન્મ થયો. ઉજ્જ્વલા કહે છે કે આ દિવસ તેના માટે આઝાદીનો દિવસ હતો.

વેજિટેબલ કેક્સ અને કૂકિઝ

વેજિટેબલ કેક્સ પણ અન્ય કેક્સની જેમ જ બનાવવામાં આવે છે. તેમાં માત્ર પોષણયુક્ત આહારનો ઉમેરો કરવામાં આવે છે તેના કારણે તે અન્ય કેક કરતાં જુદી પડે છે. તે વિવિધ પ્રકારનાં શાકભાજીમાંથી પૂરી પણ બનાવે છે તેમાં તે કેટલીક વસ્તુઓ છીણીને અને લોટમાં ભેળવે છે. બિટને કારણે કેકનો રંગ ગુલાબી (પિંક) બને છે અને કોળાંને કારણે તેને પીળો રંગ મળે છે. આ રંગોને કારણે બાળકો તેને ખાવા માટે આકર્ષાય છે.

ઉજ્જ્વલા દિવસમાં સરેરાશ 10થી 15 ખાસ પ્રકારની વાનગીઓ બનાવે છે. હાલમાં તેનો વ્યવસાય બેંગલુરુ પૂરતો જ મર્યાદિત છે કારણ કે તે ત્યાં રહે છે. ઉજ્જ્વલાનું ઘર અગાઉ બોકારોમાં હતું અને ત્યારબાદ તે અભ્યાસ માટે ચંદીગઢ આવી હતી.

ઉજ્જ્વલા કમસે કમ અડધો કિલો કેકનો ઓર્ડર લે છે અને તે આપતાં પહેલાં તેને એક દિવસ અગાઉ જાણ કરવી પડે છે. કોઈ ખાસ પ્રસંગે કેક કે કૂકિઝ આપવાના હોય તો તેને થોડા દિવસો પહેલાં જાણ કરવાની રહે છે.

લેખક – સાસ્વતિ મુખરજી

અનુવાદક – અંશુ જોશી