મહેનત રંગ લાવી, વેલ્ડરના દીકરાને માઈક્રોસોફ્ટે આપ્યું 1.20 કરોડનું પેકેજ!

મહેનત રંગ લાવી, વેલ્ડરના દીકરાને માઈક્રોસોફ્ટે આપ્યું 1.20 કરોડનું પેકેજ!

Monday February 29, 2016,

4 min Read

ઘણા લોકો સફળતાની કેડી કંડારે છે પણ કહેવાય છે કે તેમને તમામ સુવિધાઓ આપવામાં આવી હતી અથવા તો તેમની પાસે તમામ સુવિધાઓ હતી. મોટી સફળતા એ કહેવાય છે જે તમામ મુશ્કેલીઓની વચ્ચે રહીને પોતાનો રસ્તો શોધે છે અને સફળતાની કેડી કંડારી પોતાની વિજય પતાકા લહેરાવે છે. વાત્સલ્યસિંહ ચૌહાણે સફળતાની આવી જ કેડી કંડારી છે, જેના વિશે સામાન્ય લોકો કલ્પના પણ નથી કરી શકતા. માઈક્રોસોફ્ટ રેડમંડ, વોશિંગ્ટને આઈઆઈટી ખડગપુરમાં બીટેક કમ્પ્યૂટર સાયન્સ અંતિમ વર્ષના વિદ્યાર્થી વાત્સલ્ય ચૌહાણને વર્ષે 1.20 કરોડની પેકેજની જોબ ઓફર કરી છે. આઈઆઈટીમાં 1 થી 20 ડિસેમ્બર દરમિયાન થયેલા કેમ્પસ પ્લેસમેન્ટમાં સોફ્ટવેર એન્જિનિયરના પદે તેને સૌથી મોટું પેકેજ મળ્યું હતું.

image


બિહારના ખગડિયા વિસ્તારમાં સામાન્ય પરિવારમાંથી આવનારા વાત્સલ્યએ 12મા ધોરણ સુધીનો સમગ્ર અભ્યાસ હિન્દી માધ્યમમાંથી કર્યો હતો. એક તો સાયન્સ અને તેમાંય હિન્દી માધ્યમ. હિન્દી અને અંગ્રેજી માધ્યમ વચ્ચેનું જે અંતર છે તે કોઈનાથી છૂપું નથી. હિન્દી માધ્યમથી 12મું ધોરણ પાસ કરનાર વાત્સલ્યને પણ તેનો સામનો કરવો પડ્યો. તેણે 75 ટકા માર્ક મેળવ્યા હતા. આજના સમયમાં 75 ટકા લાવનારને કોઈ સારો વિદ્યાર્થી માનતું નથી. કહેવાય છે ને કે, જેને ઉંચે જવું હોય તેને આવી બાબતોથી કોઈ ફક પડતો નથી. વાત્સલ્યએ 12મા ધોરણ સાથે જેઈઈની પરીક્ષા આપી હતી. તેને સફળતા તો મળી પણ સારા અંક ન મળ્યા. આ સમયે વાત્સલ્ય એકાએક બદલાઈ ગયો. તેણે નક્કી કર્યું કે સારો ક્રમ મેળવીને તે આઈઆઈટીમાં એડમિશન લેશે અને આગળની રસ્તો નક્કી કરશે. તેણે પોતાનું લક્ષ્ય નક્કી કરી લીધું અને ત્યાં સુધી પહોંચવાની યોજના બનાવી અને પ્રામાણિકતાથી મહેનત પણ કરી.

વાત્સલ્યએ પોતાની આ મહેનતમાં એલન કેરિયર ઈન્સ્ટિટ્યૂટની મદદ લીધી. કોટાના આ ઈન્સ્ટિટ્યૂટમાં આવીને સખત મહેનત કરી અને આઈઆઈટી-જેઈઈ 2012માં ઓલઈન્ડિયા રેન્ક 382 મેળવીને આઈઆઈટી ખડગપુરમાં બીકેટ કમ્પ્યૂટર સાયન્સમાં પ્રવેશ મેળવી લીધો. વર્ષ પસાર થયું પણ વાત્સલ્યએ પોતાની જાતને વધુ સારી બનાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. ડિસેમ્બર મહિનામાં કેમ્પસ સિલેક્શન માટે યૂએસની મુખ્ય માઈક્રોસોફ્ટ રેડમંડ કંપની ખડગપુર આવી અને સોફ્ટવેર એન્જિનિયર માટે આઈઆઈટી ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો કોડિંગમાં ઓનલાઈન ટેસ્ટ લીધો. ત્યારબાદ લેખિત અને પછી ઈન્ટરવ્યૂ. દરેક પરીક્ષામાં વાત્સલ્યએ પોતાની ક્ષમતા સિદ્ધ કરી તેને પરિણામ જે આવ્યું તે આપણી સામે છે. તેને માઈક્રોસોફ્ટે વાર્ષિક 1.20 કરોડના પગારે જોબ ઓફર કરી.

image


21 વર્ષીય વાત્સલ્યના પિતા ચન્દ્રકાંત સિંહ ખગડિયામાં ગ્રિલ અને શટર બનાવવાનું કામ કરે છે. વાત્સલ્ય સાથે કુલ ત્રણ ભાઈ અને ત્રણ બહેન છે. તેમના પરિવારની આવક એટલી નહોતી કે પરિવારનું ગુજરાન ચાલે. તમામ યોગ્યતા છતાં વાત્સલ્યના પિતા તે સ્થિતિમાં નહોતા કે તેઓ તેને કોચિંગ માટે રાજસ્થાન કોટા મોકલે. કહેવાય છે ને કે એક રસ્તો બંધ થાય ત્યાં બીજો આપોઆપ ખુલી જાય છે. વાત્સલ્યની પ્રતિભા જોતા એલન નિર્દેશન શ્રી રાજેશ માહેશ્વરીએ કોટામાં તેને મફતમાં અભ્યાસ અને હોસ્ટેલની સુવિધા આપી. અહીંયા વાત્સલ્યને ઘર જેવું વાતાવરણ મળ્યું. અહીંયા ઓપન સેશનમાં તેને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું.

બીમારી છતાં સફળતા

વાત્સલયએ કોટામાં પોતાનો અભ્યાસ શરૂ કર્યો. જ્યારે પરીક્ષાનો સમય નજીક આવ્યો ત્યારે તેને અત્યંત વિપરિત સ્થિતિમાંથી પસાર થવું પડ્યું. વાત્સલ્યએ યોરસ્ટોરીને જણાવ્યું,

"આઈઆઈટી-જેઈઈના ચાર જ દિવસ પહેલાં અચાનક મારી તબિયત વધારે ખરાબ થઈ ગઈ. સખત ગરમીમાં પરીક્ષા આપવા પહોંચ્યો. પેપર-1 સરળ હતું પણ બીમારીના કારણે થોડું ખરાબ ગયું. હિંમત રાખીને મેં પેપર-2 આપ્યું જે કઠિન હોવા છતાં સારા માર્ક મેળવ્યા. તે સમયે મને લાગ્યું કે આ વખતે પરિણામ સારું આવવું જોઈએ."

આ પહેલાં તે એઆઈઈ ઈઈઈમાં બિહાર અને ઝારખંડમાં સ્ટેટ ટોપર રહ્યો હતો. આઈએએસ અને આઈઆઈએસઈમાં પણ તે ક્વોલિફાય થયો હતો પણ તેણે બીટેક માટે આઈઆઈટી પસંદ કરી.

ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવાની ધગશ

વાત્સલ્ય જણાવે છે,

"વેકેશન દરમિયાન ઘરે જઈને ગરીબ બાળકોને ભણાવવાનું મને ગમે છે. આઈઆઈટી કેમ્પસમાં પણ હું રિક્ષાચાલકોના બાળકોને ભણાવું છું. હું અને મારા ત્રણ આઈઆઈટીના મિત્રોએ નક્કી કર્યું છે કે અમે ભવિષ્યમાં બિહારમાં એક અલગ જ મોડલ સ્કૂલ શરૂ કરીશું. તેમાં આઈઆઈટી વિદ્યાર્થીઓ રજાઓમાં સ્કૂલ આવીને 4 મહિના સુધી બાળકોને ભણાવી શકશે. બાકીનો સમય અન્ય શિક્ષકો અભ્યાસ કરાવશે. સામાન્ય બાળકોને ઓછામાં ઓછી ફી લઈને તથા ગરીબ બાળકોને મફતમાં અભ્યાસ કરાવવાની યોજના છે."

વાત્સલ્ય બિહારમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નવી પેઢીને શિક્ષણ સાથે જોડવા માગે છે.

ભવિષ્યમાં સ્ટાર્ટઅપની યોજના

વાત્સલ્ય જણાવે છે કે, ભવિષ્યમાં તે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માગે છે. આઈઆઈટીના પોતાના બેચમેટ સાથે જોડાઈને તેણે સ્ટાર્ટઅપ ડિઝાઈન પણ કર્યું છે. હાથની વિંટીમાં લાગી શકે તેવું એક સ્માર્ટ ડિવાઈસ તૈયાર કર્યું છએ જેને ઈન્ટરનેટ દ્વારા એક્સેસ કરી શકાશે. વાત્સલ્ય ભવિષ્યમાં અમેરિકા જઈને માઈક્રોસોફ્ટ રેડમંડ સાથે કંઈક નવું જ કરવાનું વિચારી રહ્યો છએ. રિસર્ચમાં રસ હોવાના કારણે તેને એડવાન્સ ટેક્નોલોજી પર આધારિત ઈનોવેટિવ પ્રોજેક્ટ કરવાનો વિચાર છે.

લેખક- રિમ્પી કુમારી

અનુવાદક- એકતા રવિ ભટ્ટ