પહેલા નોકરી.. પછી ગૃહિણી અને હવે ‘બિઝનેસવૂમન’, વાંચો મોનિકા અરૂણની કહાની

0

જીવનમાં સફળતા મેળવવી જેટલી જટીલ છે તેટલી સરળ પણ છે. બસ જરૂર છે તે માટે ધગસ, મહેનત અને નિષ્ઠાની. સફળતાને ઘણા લોકો પ્રસિદ્ધિ સાથે સરખાવે છે. જે તદ્દન ખોટીવાત છે. જરૂરી નથી કે જે પ્રસિદ્ધ છે તે સફળ પણ હોય, અને જેની ઉપેક્ષાઓ થાય છે તે વ્યક્તિ નિષ્ફળ હોય. સફળતાની સરખામણી પૈસા સાથે કરવી પણ યોગ્ય નથી. ખરેખરમાં સફળતા તે વ્યક્તિને મળે છે જે પોતાના પ્રયાસોથી લોકોને પ્રેરિત કરે, જેનાં પોતાના કાર્યોથી સમાજમાં કેટલાક સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. જેની મદદથી વ્યક્તિએ પોતાનું ભવિષ્ય તો બનાવ્યું છે પરંતુ તેની સાથે ઘણા લોકોનાં જીવન પણ તેમણે ઉગાર્યા હોય. આજે આપણે આવી જ એક સફળ મહિલાની વાત લઇને આવ્યાં છીએ. જે છે મોનિકા અરુણ. મોનિકા આજે સફળતાપૂર્વક પોતાની એક ટ્રાવેલ એજન્સી ‘ગ્લોબટ્રોટર ટ્રાવેલ ક્લબ એલએલપી’ ને ચલાવી રહી છે. મોનિકા તે મહિલાઓ માટે આદર્શ છે જે મહિલાઓ લગ્ન અને બાળકોના કારણે પોતાની નોકરી છોડી દે છે અને પોતાનું જીવન ચાર દિવાલોની અંદર સિમીત કરી દે છે.


મોનિકા માટે પોતાની રીતે કાર્ય કરવાનું ઘણું મુશ્કેલ હતું, કારણ કે તેમની પાસે પણ તમામ ગૃહીણીઓની જેમ ઘણી જવાબદારીઓ હતી. તેમ છતાં તેની મહેનત, લગન અને યોગ્ય વિચારે આજે મોનિકાને આ સ્થાન પર પહોંચાડી દીધી છે. જ્યાં તેઓ પોતાની જવાબદારીઓની સાથે સાથે પોતાનું કામ પણ સફળતાપૂર્વક કરી રહી છે. મોનિકાથી તેમના ક્લાઇન્ટસ પણ ઘણા જ ખુશ રહે છે. તેમની કંપનીની એક વખત જેઓ સેવા લે છે તેઓ પછી ક્યારેય અન્ય કોઇ કંપનીની સેવા લેતા નથી.

મોનિકા મુંબઇની છે, મુંબઇમાં જ તેમનો જન્મ થયો હતો અને પોતાનું શિક્ષણ પણ ત્યાંથી જ લીધું હતું. તે બાદ તેમણે નોકરી કરી હતી. મોનિકાએ ટ્રાવેલ અને ટૂરિઝમનો કોર્સ કર્યો હતો અને ઘણી જાણીતી કંપનીઓ થોમસ કુક, કોક્સ એન્ડ કિંગ્સ, એસઓટીસીમાં લગભગ 20 વર્ષ સુધી કાર્ય કર્યું હતું. જ્યારે મોનિકાના પતિની બદલી બેંગલુરુમાં થઇ ત્યારે મોનિકા માટે બેંગલુરુ શહેર નવું હતું અને તેણે ઘણું શિખવાનું હતું. જવાબદારીઓ પણ વધારે હતી અને ત્યારે મોનિકાનું બાળક એક વર્ષનું હતું. આ સમયે મોનિકાએ નક્કી કર્યું કે તે નોકરી નહીં કરે પરંતુ ગૃહસ્થ જીવન પર સંપૂર્ણ ધ્યાન આપશે. ઘણાં વર્ષો સુધી મોનિકાએ ગૃહસ્થ જીવન સારી રીતે સંભાળ્યું પરંતુ મોનિકાની આંતરિક ઇચ્છા તો કંઇક કામ કરવાની હતી. એટલે મોનિકાએ પોતાના જૂના મિત્રોને કહીને એવું કામ શોધવાનું કહ્યું જે ઘરે બેઠા થઇ શકે. લાખ મહેનત છતાં આવું કોઇ કામ મોનિકાને મળ્યું નહીં. મોનિકાના જુના બોસે તેને એક સલાહ આપી કે ‘તારી પાસે સારો અનુભવ છે તો તારે નોકરી કરવા કરતા પોતાનો વ્યવસાય શરૂ કરવો જોઇએ’


આ માટે મોનિકાની તૈયારી ન હતી. તે જાણતી હતી કે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મારે બધું જ જાતે મેનેજ કરવુ પડશે. લોકો સાથે પોતાની રીતે વાત કરવાની હોય છે, જ્યાં નોકરીમાં પોતાનું કામ સિમિત હોય છે. પોતાના વ્યવસાયમાં દરેક કામ પર નજર રાખવાની હોય છે. આ એક પ્રકારની મોટી જવાબદારી ઉઠાવવાથી મોનિકા ડરી રહી હતી, પરંતુ બધાએ જ્યારે મોનિકાને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન પુરું પાડ્યું તો મોનિકાને લાગ્યું કે એક વખતનો પ્રયાસ કરવો જોઇએ. મોનિકાએ પોતાના કાર્યની શરૂઆત કરી. આ શરૂઆત તેણે પોતાના પાર્કિંગ પ્લોટની નજીક એક જગ્યા, જેને સોસાયટીના લોકો ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા તે જગ્યાથી કરી. સોસાયટીના સભ્યો સાથે વાત કરીને ગોડાઉનની જગ્યાનો તેણે ઉપયોગ કર્યો. ઓફિસમાં થોડાક સ્ટાફની જરૂર જણાતાં તેમણે માણસોને પણ નોકરી પર રાખ્યા હતા જેમાં મોટા ભાગે સોસાયટીના સભ્યો હતા. મોનિકાને શરૂઆતનું કામ પણ સોસાયટીમાંથી જ મળતું હતું જે ધીમે ધીમે વધી રહ્યું હતું. મોનિકા પોતાના ગ્રાહકો વિશેની તમામ માહિતી પુછતી અને પછી સારી સલાહ આપી હતી. સામાન્ય રીતે ટ્રાવેલ્સ અને ટૂરિઝમના વ્યવસાય સાથે જોડાયેલા લોકો અમુક ચોક્કસ સ્થળની જ જાણકારી આપે છે જ્યાંથી તેમને વધારે નફો થતો હોય. મોનિકાએ પોતાનો ફાયદો નહીં જોતા લોકોને યોગ્ય સલાહ આપવાની શરૂઆત કરી અને આવું કરવાથી મોનિકા સાથે વધુમાં વધુ લોકો જોડાવા લાગ્યા હતા. મોનિકાએ જણાવ્યું કે તેમનું કાર્ય માટે ગ્રાહકને ટ્રાવેલ ડેસ્ટીનેશન પર પહોંચાડીને પૂર્ણ નથી થઇ જતું, પરંતુ જ્યાં સુધી ગ્રાહક પોતાના ઘરે પહોંચીને એક વખત ફોન ન કરે ત્યાં સુધી તેમને ચેન નથી પડતું. મોનિકાના ગ્રાહકોનું એવું કહેવું છે કે તેઓ જ્યારે ટ્રાવેલ કરે છે ત્યારે તેમને હંમેશા એવું જ લાગે છે કે ટ્રાવેલ એજન્ટ તેમની સાથે જ છે.

લોકોના સકારાત્મક ફીડબેક મોનિકા અને તેમની ટીમને વધુ ઉત્તમ કામ કરવા પ્રત્યે પ્રેરણા આપે છે. મોનિકાએ પોતાની કંપનીના પ્રચાર માટે કોઇ પણ પ્રયાસ કર્યા નહોતા, જ્યારે કોઇએ મોનિકાને સલાહ આપી કે તેઓ પોતાની કંપનીનો પ્રચાર કરે ત્યારે મોનિકાએ કહ્યું કે મારા ગ્રાહકો જ મારો પ્રચાર કરે છે. માનિકાની કંપનીને શરૂ થયે દોઢ વર્ષ જ થયું છે પરંતુ સતત વધતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને મોનિકાને વધુ સ્ટાફની જરૂર પડી રહી છે, જેથી તે પોતાના ગ્રાહકોને ઉત્તમ પ્રકારની સુવિધા આપી શકે. મોનિકા નોકરી માટે અનુભવી લોકોને નહીં પરંતુ ફ્રેશર્સ પર વધારે ભરોસો મૂકે છે અને ફ્રેશર્સને પોતની રીતે ટ્રેઈન કરે છે. મોનિકાની કંપની ‘ પ્રોમિસ લેસ એન્ડ ડિલીવર મોર’ મોટો પર કામ કરે છે. મોનિકાનો ઉદ્દેશ્ય માત્ર રૂપિયા કમાવાનો નથી પરંતુ ગ્રાહકોને ઉત્તમ સુવિધા આપવાનો છે.

Related Stories