"વિદ્યાર્થીઓના સમાજ ઉપયોગી સ્ટાર્ટઅપ્સને રૂ.૧૦ લાખ સુધીની લોન અપાશે"- રાજ્ય શિક્ષણપ્રધાન

0

હવે જ્યારે ગુજરાત સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ મક્કમ ગતિએ વેગ પકડી રહી છે ત્યારે મોદીના ગુજરાતમાં પણ સ્ટાર્ટઅપ્સને પ્રાધાન્ય અપાય તે સ્વાભાવિક છે. એકબાજુ જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ નવી દિલ્હીથી 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા' અભિયાનને લઈને મહત્ત્વની જાહેરાત કરશે ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતના વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ્સને લગતી જરૂરી માહિતી પૂરી પાડી છે.

કહેવાય છે કે વિદ્યાર્થીકાળથી જ જો ઉદ્યોગસાહસિકતાના ગુણો કેળવાય તો તે વિદ્યાર્થી, સમાજ, રાજ્ય અને દેશ માટે ઘણી સારી બાબત સાબિત થઇ શકે. અને તેથી જ ગુજરાતમાં વિદ્યાર્થીઓના સમાજ ઉપયોગી સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સને રૂપિયા ૧૦ લાખ સુધીની લોન અપાશે. તાજેતરમાં જ એલ.ડી.એન્જિનિયરિંગ ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ વિજ્ઞાન પરિષદ -2016માં હાજર રાજ્ય શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતું,

"વિદ્યાર્થીઓના સમાજ ઉપયોગી સ્ટાર્ટઅપ્સને રૂપિયા 50 હજારથી લઈને 10 લાખ સુધીની લોન અપાશે. મુદ્રા બૅંક યોજના હેઠળ આ ૩ પ્રકારની લોન જાત ગેરેંટીથી મળી શકશે. બાળ યોજના હેઠળ રૂ.50 હજાર સુધી, કિશોર યોજના હેઠળ રૂ.50 હજારથી 5 લાખ સુધી અને તરૂણ યોજના હેઠળ રૂ.10 લાખ સુધીની લોન આપવામાં આવે છે."

આ કાર્યક્રમમાં ઉપસ્થિત GTUના વાઈસ ચાન્સેલર ડૉ.અક્ષય અગ્રવાલે જણાવ્યું,

"ભારતની માથાદીઠ આવક ચીનની સરખામણીએ ચોથા ભાગની છે. આમ છતાં માર્કેટમાં ચીનની પ્રોડક્ટ્સ સસ્તી મળે છે. તેનું કારણ બહેતર મેનેજમેન્ટ છે. આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ વ્યક્તિ ભારતમાં રહીને દુનિયાભરમાં જાણીતી બની શકે છે. બસ તેના માટે કંઈ નવું કરવાની ધગશ હોવી જોઈએ. વિદ્યાર્થીઓના સપનાના પ્રોજેક્ટ્સ પ્રોડક્ટના સ્વરૂપમાં સાકાર થાય તેના માટે GTU તરફથી વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપની તાલીમ પણ આપવામાં આવે છે."

એ વાતમાં કોઈ બે મત નથી કે જો ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપતી વિવિધ નીતિઓ ઘડીને તેનું યોગ્ય અમલીકરણ કરાશે તો 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા' અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહેશે.