આ દિવસોમાં લોકોને માનવતાની તાકાતનો પરિચય થયો છે. ગ્રાઉન્ડફ્લોર પર રહેતા પડોશીને આશરો આપતા પડોશીઓને જોયા છે, મંદિરો, મસ્જિદો અને ચર્ચોએ તમામ ભેદભાવ ભૂલાવીને તેમના દ્વાર ખોલી નાંખ્યા છે, લોકો અજાણ્યા લોકો માટે રાંધે છે, બંગ્લાઓમાં રહેતા લોકો નિઃસંકોચ કોઈ પણ વ્યક્તિની મદદ મેળવી રહ્યાં છે!

ઓહ! આજે મારું જીવન સામાન્ય થયું હોય તેવું લાગે છે. લગભગ બધા રસ્તાઓ પરથી પાણી ઓસરી ગયા છે. લાઇટ આવી ગઈ છે અને મારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રમાણમાં સારી એવી છે, વચ્ચે ઓન-ઓફ થયા કરે છે. ગયા અઠવાડિયે તો મારા મોબાઇલ પરનું BSNL કનેક્શન અમારા માટે જીવાદોરી સમાન સાબિત થયું હતું. BSNL કનેક્શન લગભગ બંધ થયું નહોતું, જ્યારે અન્ય તમામ નેટવર્ક સંપૂર્ણપણે ઠપ થઈ ગયા હતા. મારો મોબાઇલ ડેટા કામ કરી રહ્યો હતો અને હું મારા મિત્રો અને સગાસંબંધીઓનો સંપર્ક કરી શકું તેમ હતી.

ચાલો હું તમને મારી, સૉરી, અમારા આખા ચેન્નાઈ શહેરના લોકોએ જે અગ્નિપરીક્ષાનો સામનો કર્યો તેના વિશે જણાવું. તેની શરૂઆત 1 ડિસેમ્બરથી થઈ હતી. તે દિવસે ભારે વરસાદ થયો અને મોટા ભાગના રોડ પર પાણી ફરી વળ્યાં. પણ થોડા સમયમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ. હકીકતમાં અમે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યાથી ટેવાઈ ગયા છીએ અને વરસાદનો અણસાર આવે ત્યારે થોડી જરૂરી ચીજવસ્તુઓ ખરીદીને ઘરમાં રાખીએ છીએ. હું ચેન્નાઇના એક મોકાના એક વિસ્તારમાં રહું છું. હકીકતમાં બુધવારની રાત સુધી સતત વરસાદની વાસ્તવિક અસરનો અમને અનુભવ થયો નહોતો. હું 'તમિલ યોરસ્ટોરી' માટેની વિવિધ સ્ટોરીઝના એડિટિંગ કામ કરી રહી હતી, પણ મારા લેપટોપમાં મોબાઇલ ડેટાના હોટસ્પોટનો ઉપયોગ કરીને.

2જી ડિસેમ્બરે બુધવાર હતો. મેં મારા દિવસનું કામ પૂર્ણ કર્યું અને રોજિંદી ઘટનાઓ જાણવા સમાચાર શરૂ કર્યા. મહાનગરની બહાર તળાવ અને જળાશયના કિનારે બનાવેલા મકાનોમાં લોકો કેવી રીતે રહે છે અને ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી તેમને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેની ચર્ચા સાંભળી. આ ચર્ચા સાંભળીને મને પણ વિચાર આવ્યો કે પહેલાં તળાવો અને જળાશયોને ભરી દઈને લોકો ત્યાં ઘર બનાવે છે અને પછી પાણી ભરાઈ જવાની બૂમાબૂમ. થયું કે લોકો કેમ આવા ઘર કે પ્લોટ બનાવતા કે ખરીદતા અગાઉ વિચાર પણ નથી કરતા. મારા ઘરે જ પરિવાર સાથે આ મુદ્દે ચર્ચા કરી, ટીવી બંધ કરીને હું સૂઈ ગઈ. પણ મને ખબર નહોતી કે સવારે અમારે હજી મોટી મુસીબતનો સામનો કરવાનો છે.

સવારના 6 વાગ્યા હતા. મેં ઊંઘમાં મારા પિતાની બૂમો અને રોડ પરથી પસાર થતી પોલીસની સાયરનનો અવાજ સાંભળ્યો. મારી બાજુના ઘરમાં રહેતી મહિલા 'પાણી .. પાણી..' કરીને ચીસો પાડી રહી હતી. મેં વિચાર્યું કે ગઈકાલે રાત્રે ભારે વરસાદ આવ્યો હોવાથી રોડ પર પાણી આવી ગયું હશે. મને તેની ચીસો સાંભળીને નવાઈ પણ લાગી. તે વહેલી સવારની મારી મીઠી ઊંઘ બગાડી રહી હતી. તેવામાં મારા ડેડીનો અવાજ આવ્યો “આપણા ઘરમાં પાણી ઘૂસી ગયા છે...” હું પથારી પરથી એકાએક ઊભી થઈ અને દરવાજા તરફ દોડીને અમારા રોડ પર ધસી આવતા પાણીને જોયું. મને વિચાર આવ્યો કે, “આ પાણી ક્યાંથી આવે છે? અત્યારે વરસાદ ચાલુ નથી, તો પણ પાણી ક્યાંથી આવી રહ્યું છે? હું રોડ પર દોડી ગઈ. મેં જોયું કે પાણી અમારી તરફ ધસી રહ્યું હતું અને ધીમે ધીમે તેનું સ્તર વધી રહ્યું હતું. અમે અમારા મેદાનની સામે રહેલા કચરાના ઢગલાને અમારા દરવાજામાંથી અમારા મેદાનમાં પ્રવેશતા અટકાવવાના કામે લાગ્યા હતા. તેમાં થોડા કલાક પસાર થયા. પછી લાઇટ જતી રહી અને ફોન સિગ્નલ્સ બંધ થઈ ગયા.

અમારા વિસ્તારમાંથી ઘણા કલાક પછી પાણી ઓસર્યા અને મારા સહિત કેટલાંક ઘરોમાં લાઇટ આવી. મેં ચિંતા સાથે ટીવી ચાલુ કર્યું તો જોયું કે નજીકની નદીમાંથી પાણી ઓવરફ્લો થયું હતું. અમે શહેરની બહારના વિસ્તારમાં રહેતાં હતાં અને આ રીતે પાણી ભરાઈ જશે તેની કલ્પના પણ કરી નહોતી. પછી એકાએક અમે બધા મુશ્કેલીમાં મૂકાઈ ગયા. ચેન્નાઈના તમામ માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અન્ય વિસ્તારોમાં ઘણા ઘરોની સામે 5થી 10 ફૂટ પાણી હતા. મોટા ભાગના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં હતા અને કાર અને બાઇક દેખાતા જ નહોતા. મને ઓછામાં ઓછું નુકસાન થયું હતું અને તે બદલ મેં ભગવાનનો પાડ માન્યો, પણ મને બહાર જે લોકો મુશ્કેલીમાં હતા તેમને મદદ કરવાની પ્રેરણા મળી.

ગુરુવારે મારો મોબાઇલ ડેટા પાછો મળ્યો અને મેં મારા FB પ્રોફાઈલ અને ટ્વિટર પર સેંકડો ફોનકૉલ્સ જોયા. વિદેશમાં રહેતા અનેક છોકરા-છોકરીઓએ તેમના માતાપિતા વિશે જાણવા અને સ્થિતિનો તાગ મેળવવા મને અહીં કૉલ કરી રહ્યાં હતાં. તેઓ જાણવા માગતા હતા કે તેમના માતાપિતા સલામત તો છે ને, કારણ કે મોબાઇલ કનેક્ટિવિટી નહોતી. આ સંદેશા સાંભળી મારી ચિંતા વધી ગઈ. તેમણે મને તેમના સગાસંબંધીઓના સરનામા મોકલ્યા હતા. એટલે મેં મારા કેટલાક મિત્રો અને કોલેજના જૂના ગ્રૂપના લોકોનો વ્હોટ્સએપ પર સંપર્ક સાધ્યો અને સંકલન શરૂ કર્યું. આખો દિવસ લોકોને શોધવા અને તેમના પ્રિયજનોને આપેલા સરનામે પહોંચાડવા સતત સંદેશા, ફોન કૉલ્સ ચાલુ રહ્યાં હતાં. ઘણા લોકો ઘરે પહોંચી ગયા હતા અને કેટલાંકનો સંપર્ક થઈ શક્યો નહોતો. આખો દિવસ થાકી ગયા પછી હું પણ ઘણી થાકી ગઈ હતી, પણ આગળ વધુ મુશ્કેલ દિવસો છે તેનો અંદાજ હતો....

અનેક વ્હોટ્સએપ મેસેજીસ આવતા હું જાગી ગઈ. તેમાં એક મેસેજ પ્રેગનેન્ટ મહિલાનો હતો, જેમને ડૉક્ટરની જરૂર હતી, એક મેસેજ તબીબી કટોકટી ધરાવતા વયોવૃદ્ધ દંપતિનો હતો, એક મેસેજમાં નવજાત બાળકને દૂધની જરૂર હોવાનું કહેવાયું હતું. આવા અનેક સંદેશા હતા. એફબી અને ટ્વિટર મારફતે સ્વયંસેવકોની ઘણી ટીમ બનાવી હતી. પછી અમે જે તે વિસ્તારમાં કાર્યરત ટીમને મેસેજ પાસ કર્યા હતા. પણ એક તબક્કે મને અહેસાસ થયો કે આ રીતે ઘરે કામ કરીને બહુ થોડી સેવા થઈ શકશે એટલે મેં મારી રીતે લોકો સુધી પહોંચવાનો નિર્ણય કર્યો. મેં એક મિત્ર સાથે કારમાં નીકળી ઘણા ઘરો સુધી ગઈ. ત્યાં હું વયોવૃદ્ધ દંપતિઓને મળી, જેમના ઘરે લાઇટ કે પીવાનું પાણી નહોતી. ચોતરફ પાણી હોવાથી તેઓ ઘરની બહાર નીકળી શકે તેમ નહોતા. અમે પીવાનું પાણી અને જીવનજરૂરી કેટલીક ચીજવસ્તુઓ પૂરી પાડી અને તેમની પાસેથી પ્રીસ્ક્રિપ્શન લઈ તેમને દવાઓ પહોંચાડી. અમને અને અમારી સહાય મેળવીને તેઓ રીતસરના રડી પડ્યાં. લગભગ પાંચ દિવસ પછી બહારના લોકોને જોઈને તેમના ચહેરા ખીલી ઊઠ્યાં હતાં. તેમણે તેમના પુત્રો અને પુત્રીઓને FB કે વ્હોટ્સએપમાં તેમની તસવીરો મોકલવા અમારી સાથે પોઝ આપ્યા હતા. પછી તો તેઓ પણ પડોશીની મદદ કરવા નીકળી પડ્યાં. તેમાં કેટલાંક વિકલાંગ હતા તો કેટલાંક એકલા હતા. તેમને મદદની જરૂર હતી. અમે તેમને સહાય કરીને પણ સંતોષ અનુભવ્યો હતો અને તેમાંથી કેટલાંકને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યાં હતા.

હવે મેં આગામી થોડા દિવસ આ કામગીરી જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. શુક્રવાર અને શનિવારે પીવાના પાણી, બિસ્ટિકના પેકેટ, દૂધના પાઉચ સાથે મારા મિત્રો સાથે નીકળી પડી. અમને મદદની જરૂર હતી તે લોકોએ મેસેજ કર્યા હતા અને અમે તેમને તેમના સરનામે પહોંચીને મદદ કરી હતી. અમારી ટીમમાં સભ્યોની સંખ્યા વધીને 4 થઈ ગઈ હતી અને અમે 2 કારમાં અમારા મિશન પર નીકળી જતા હતા. અમે એક ઘરડાઘર હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં 80 વર્ષથી વધુ વયના લોકો રહેતા હતા. જ્યારે મેં તેમને પીવાનું પાણી અને જીવનજરૂરી ચીજવસ્તુઓ આપી ત્યારે તેમની આંખો ભીની થઈ ગઈ હતી. પરત ફરતી વખતે રોડ પર અનેક લોકો ભોજનની શોધમાં ફરતા હતા. અમે 200 ફૂડ પેકેટ્સ વહેંચ્યા, જે મને મારા એક મિત્રએ મોકલ્યા હતા.

હવે ચેન્નાઈને બધી બાજુથી મદદ મળે છે અને તમામ વિસ્તરોમાં જરૂરી પુરવઠો પૂરો પાડવા સ્વયંસેવકો કાર્યરત છે. પણ લોકોને માનવતાની તાકાતનો પરિચય થયો છે. મેં ગ્રાઉન્ડફ્લોર પર રહેતા પડોશીને આશરો આપતા પડોશીઓને જોયા છે, મંદિરો, મસ્જિદો અને ચર્ચોએ તમામ ભેદભાવ ભૂલાવીને તેમના દ્વાર ખોલી નાંખ્યા છે, લોકો અજાણ્યા લોકો માટે રાંધે છે, બંગ્લાઓમાં રહેતા લોકો નિઃસંકોચ કોઈ પણ વ્યક્તિની મદદ મેળવી રહ્યાં છે.

મેં આજથી મારું કામ પાછું શરૂ કર્યું છે અને મારી પોઝિશન સમજનાર કંપનીમાં કામ કરવાની મને ખુશી છે. મને સમજવા બદલ મારી કંપનીનો આભાર અને મારા ચેન્નાઈને મદદ કરવાની મને મોકળાશ આપવા બદલ ધન્યવાદ!

લેખક- ઇન્દુજા રઘુનાથન, ડે.એડિટર, યોરસ્ટોરી તમિલ

અનુવાદકઃ કેયૂર કોટક