મહિલાઓ થકી, મહિલાઓ માટે... ‘ઝુબૈદા’ હંમેશા

0

ભારત સહિત દુનિયાભરના દેશોમાં મહિલા સશક્તિકરણની વાતો ચાલી રહી છે. સરકારી અને બિનસરકારી સંગઠનો ઉત્સાહ સાથે આગળ આવી રહ્યા છે. તેમના આ પ્રયાસોની અસર અને પરિણામ જોઈ શકાય છે, પણ હજીયે એવા ક્ષેત્રો છે જ્યાં પહોંચવાનું અને મહિલાઓની સમસ્યા જાણવાનું બાકી છે. જ્યાં દુનિયાના અનેક લોકો આ પ્રયાસમાં વ્યસ્ત છે ત્યાં ચેન્નાઈના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી ઝુબૈદા પણ આ કામ કરી રહી છે. તે મહિલાઓની એવી સમસ્યા પર કામ કરી રહી છે જેના પર હજી બીજા કોઈની નજર પડી નથી.

ઝુબૈદાની કંપની પ્રસુતિ દરમિયાન મહિલાઓને નડતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને એવી પ્રોડક્ટ કિટ બનાવે છે જે આ સમયમાં ઉપયોગમાં લઈ શકાય જેથી મહિલાઓને કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન ન લાગે. આ કિટ દ્વારા પ્રસુતિની અનિયમિતતાને પણ કાબૂમાં લઈ શકાય છે. તે ઉપરાંત તેમાં હાઈજિનનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ઝુબૈદાના મનમાં બાળપણથી જ મહિલાઓ પ્રત્યે કરુણા હતી. તે બાળપણથી દ્રઢપણે માનતી હતી કે મહિલાઓ સખત મહેનત કરે છે પણ તેમને જે અધિકાર મળવા જોઈએ તે મળતા નથી. ઝુબૈદાએ પોતાની આસપાસ એવું જ વાતાવરણ જોયું હતું જેમાં યુવતીઓને ખાસ અભ્યાસ કરાવવામાં આવતો નહીં. ઝુબૈદાએ આ તમામનો વિરોધ કર્યો અને એન્જિનિયરિંગ કરવા માટે સ્વીડન ગઈ. 24 વર્ષની ઉંમરે તેના લગ્ન થઈ ગયા અને તે કેનેડા જતી રહી. થોડા સમયમાં જ તે ભારત પરત આવી ગઈ. ભારત પરત આવ્યા પછી તે રુલર ઈનોવેટર્સ નેટવર્ક સાથે જોડાઈ અને મહિલાઓ માટે કામ કરવામાં જોડાઈ ગઈ. તે ગામડાની મહિલાઓની સ્થિતિ જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. તે આવી મહિલાઓને મળતી, તેમની સાથે ચર્ચા કરતી અને તેમની સમસ્યાઓને યોગ્ય રીતે જાણ્યા પછી તેનું નિવારણ કરવાનો પ્રયાસ કરતી. મહિલાઓ સાથે વાતચીત દરમિયાન એક વાત બહાર આવી જે ખૂબ જ ગંભીર હતી. મહિલાઓ દ્વારા પ્રસૂતિ દરમિયાન અનિયમિતતા દાખવવામાં આવતી જેના કારણે તેમને ઈન્ફેક્શન થવાનો ભય રહેતો. કેટલાક કિસ્સાઓમાં મહિલાઓ અને બાળકોના મોતની ઘટના પણ સામે આવતી.

ઝુબૈદા એક વાત સમજી ગઈ હતી કે આ વિષય પર અને આ ક્ષેત્રમાં મૂળમાં જઈને કામ કરવાની જરૂર છે. તે એ પણ જાણી ગઈ હતી કે, તેણે આ દિશામાં સુધારો કરવા શું કરવાનું છે. ઝુબૈદાને તેના પતિ અનવરે તમામ પ્રકારે સહાય કરી.

અનવર દરેક તબક્કે ઝુબૈદાની પડખે રહ્યા. ત્યારબાદ ઝુબૈદાએ ‘બાઈઝ’ની શરૂઆત કરી અને મહિલાઓ માટે એક કિટ તૈયાર કરી જેમાં બાળક જન્મે તે દરમિયાન ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેવી કે, કાતર, બાળકને સાફ કરવાનું કપડું, હાથના મોજા, સાબુ, સેનેટાઈઝર વગેરેનો સમાવેશ થતો હતો. આ દરમિયાન ઈન્ફેક્શનનો ભય વધારે હોય છે અને આ વસ્તુઓ દ્વારા તેનાથી બચી શકાય તેમ છે.

વર્ષ 2012માં આ કિટ બનાવવામાં આવી અને તેની સફળતાનો અંદાજ એ રીતે માપી શકાય કે ત્યાર પછીના બે વર્ષમાં કંપનીએ 11 દેશોમાં 60,000થી વધારે કિટનું વેચાણ કર્યું. કિટની કિંમત એટલી ઓછી રાખવામાં આવી હતી કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ તેને સરળતાથી ખરીદી શકે. આ એક ગ્લોબલ પ્રોડક્ટ હતી અને વિશ્વભરમાં તેની ડિમાન્ડ વધવા લાગી. ઝુબૈદા જણાવે છે કે તેમણે હજી તેના વિતરણની દિશામાં ઘણું કામ કરવાનું છે જેથી તેને દરેક જરૂરિયાતમંદ મહિલા સુધી પહોંચાડી શકાય.

હાલમાં ઝુબૈદા એક સફળ ઉદ્યોગસાહસિક છે. તે હવે આવી જ અન્ય પ્રોડક્ટ લાવવા માગે છે. વર્ષ 2015માં કંપનીએ 50,000 પ્રોડક્ટ વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. તે ઉપરાંત 2018 સુધીમાં કંપની 50 લાખ પ્રોડક્ટ માર્કેટમાં લાવવા ઈચ્છી રહી છે જેનાથી 25 લાખ જિંદગીમાં પરિવર્તન લાવી શકાશે.

પોતાની કંપનીના માધ્યમથી ઝુબૈદા લોકોને જાગ્રત કરતી રહી છે. ભારતમાં દર વર્ષે બે કરોડ બાળકોનો જન્મ થાય છે. આ કારણે જ તેમની પ્રોડક્ટની માગ વધી રહી છે તે સ્વાભાવિક છે. તેમની કંપની ફોર પ્રોફિટ કંપની છે જે લોકોની મદદ કરવા માટે દિવસ-રાત તત્પર હોય છે.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories

Stories by Khushbu Majithia