શેઠ-નોકર પરંપરાના દિવસો પૂરાં થયા, હવે લીડર્સ અને મેનેજમેન્ટનો જમાનો

પ્રસિદ્ધ બિઝનેસ લીડર, ઓર્ગેનાઇઝેશન બિલ્ડર, સલાહકાર અને માર્ગદર્શક સંજીવ આગા અહીં પરિવાર સંચાલિત વ્યવસાયને આગળ ધપાવવા પાંચ મહત્ત્વપૂર્ણ ટિપ્સ આપે છે

શેઠ-નોકર પરંપરાના દિવસો પૂરાં થયા, હવે લીડર્સ અને મેનેજમેન્ટનો જમાનો

Friday April 15, 2016,

3 min Read

જે સમાજ બેથી ત્રણ દાયકા અગાઉ જડ અને રૂઢિચુસ્ત હતો, એ જ સમાજ અત્યારે બદલાઈ રહ્યો છે અને આ બાબત આવકારદાયક છે. એક જમાનમાં કુટુંબના જ સભ્યો દ્વારા સંચાલિત વ્યવસાયો અને ઉદ્યોગો સામાન્ય હતા, જ્યારે અત્યારે દરેક પરિવાર ઉદ્યોગસાહસિકતા ખીલવવા પ્રયાસરત છે, જેનું સ્વરૂપ સ્ટાર્ટઅપનું પણ હોઈ શકે છે. એક વાત નક્કી છે કે હવે નવા વિચારોનો, નવા લીડરનો જમાનો છે. વેપારવાણિજ્યની જૂની પરંપરાઓ તૂટી રહી છે અને એકવીસમી સદીમાં મેનેજમેન્ટમાં નવા સૂત્રો સફળતાનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યાં છે. આવા જ એક લીડર,ઉદ્યોગસાહસિક શ્રી સંજીવ આગા છે.

image


બિઝનેસ લીડર, ઓર્ગેનાઇઝેશન બિલ્ડર, સલાહકાર અને માર્ગદર્શક સંજીવ આગા અહીં પરિવાર સંચાલિત વ્યવસાયને કેવી રીતે આગળ ધપાવવો તેના પર પાંચ મહત્ત્વપૂર્ણ ટિપ આપે છે.

સંજીવ આગા કન્ઝ્યુમર એન્ડ સર્વિસ, મનોરંજન, લાઇટ એન્જિનિયરિંગ અને ટેલિકમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં ચાર દાયકાનો અનુભવ ધરાવે છે. તેમણે વીઆઇપી, આદિત્ય બિરલા અને આઇડિયા સેલ્યુલર જેવી અગ્રણી કંપનીઓમાં સીઇઓ, મેનેજિંગ ડિરેક્ટર જેવી મહત્ત્વપૂર્ણ કામગીરી પણ સંભાળી છે. તેઓ અત્યારે વિવિધ કોર્પોરેટ જૂથો અને બિનનફાકારક સંસ્થાઓમાં સલાહકાર છે તેમજ બોર્ડમાં વિવિધ ભૂમિકા સંભાળે છે. અહીં તેમણે પરિવાર આધારિત વ્યવસાયના મેનેજમેન્ટની સફળતા માટે પાંચ રહસ્યો ઉજાગર કર્યા છેઃ

1. શેઠ અને નોકરની પરંપરાના દિવસો ભરાઈ ગયા છે

આપણા દેશમાં હંમેશા ‘શેઠ અને નોકર’ની પરંપરા રહી છે. પણ સમય પલટાઈ રહ્યો છે. નવી પેઢીને કામમાં રસ છે. સક્ષમ લોકો કોઈ ઉદ્દેશ માટે કામ કરે છે, નહીં કે માલિક માટે. કંપનીઓએ આ વાત સમજવી પડશે. જો તેઓ કર્મચારીઓ સાથે નોકર જેવો જ વ્યવહાર રાખશે તો સરવાળે તેને જ નુકસાન થશે. તમે માનવીય વ્યવહારોમાં જેટલી લાગણી દેખાડશો તેટલી જ લાગણી તમને મળશે. તો પછી આ માનવીય વિશેષતાનો ઉપયોગ શા માટે કોઈ શ્રેષ્ઠ કામ માટે ન કરવો! અહમને ઓગાળો અને નાનામાં નાનાં કર્મચારીને મહત્ત્વ આપો.

2. ગ્રૂપમાં વર્તણૂંક

એક વખત મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, ‘કોઈ પણ માણસની ઓળખ તેની સોબતથી થાય છે.’ કહેવાનો અર્થ એ છે કે તમારો સંગ જ તમારી ઓળખ છે. તમે કાર્યસ્થળે જે પ્રકારના લોકો સાથે વધુ કામ કરો છો એ કંપનીમાં તમારા પ્રદાનને નક્કી કરે છે. ગ્રૂપમાં વર્તણૂંક વ્યક્તિગત કામગીરીનો સરવાળો નથી, પણ દરેક વ્યક્તિ ગ્રૂપના અન્ય સભ્યો હકારાત્મક રીતે પ્રોત્સાહિત કરે છે અથવા નકારાત્મક અભિગમ દ્વારા સભ્યોનું મનોબળ નબળું પાડે છે. કોઈ પણ કંપનીમાં કર્મચારીઓ વચ્ચેનું વાતાવરણ જ તેની ભવિષ્યની દિશા નક્કી કરે છે. એટલે કંપનીમાં કર્મચારીઓ વચ્ચે સ્વસ્થ સ્પર્ધાનું અને સમન્વયનું વાતાવરણ ઊભું કરો. કર્મચારીઓને એકબીજા સાથે ગળાકાપ સ્પર્ધા કરવાને બદલે સાથસહકાર આપવા પ્રોત્સાહિત કરો.

3. બધાને વિજેતામાં રસ છે, રનર-અપમાં નહીં

તમે સમાજમાં મોટા ભાગના લોકોનું અવલોકન કરજો. ક્રિકેટ સહિત બધાને વિજેતામાં રસ છે. મોટા ભાગના લોકોને ઉપવિજેતાઓ કે રનર-અપ કોણ છે તેની કોઈ પરવા નથી. આ જ નિયમ બજારને પણ લાગુ પડે છે. બજારમાં પણ લોકો ટોચની કંપનીઓ કે લીડરને જ યાદ રાખે છે. અત્યારે સ્પર્ધા વધી રહી છે એટલે અલગ પડવા અને અસ્તિત્વ ટકાવવા નવા માર્ગો શોધવા આવશ્યક છે. આ અસ્તિત્વની લડાઈ છે અને તેમાં તમારે નવીન, સાહસિક અભિગમ દાખવવો પડશે! એટલે સતત નવો ચીલો ચાતરો.

4. નિષ્ઠાપૂર્વક કામગીરી અદા કરવી

કોઈ કંપનીમાં સારું કામ કરવા માટે તેમાં પોતાનો હિસ્સો હોવો કે માલિકી હોવી જરૂરી નથી. સારો કર્મચારી પોતાની જવાબદારી સમજે છે. દરેક કર્મચારીએ પોતાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે તેવો અહેસાસ કરવો અને તેમને સુપરત કરવામાં આવેલી કામગીરી સપેરે અદા કરવા પ્રેરિત કરો. જ્યારે કર્મચારીઓ કામ પ્રત્યેની જવાબદારી સમજે છે અને તેમના કાર્ય સાથે નિષ્ઠા જોડાઈ જાય છે ત્યારે નાણાકીય લાભ ગૌણ બની જાય છે. દરેક અને તમામ કર્મચારી દ્વારા સંયુક્તપણે મૂલ્ય સંવર્ધન કંપનીને નવી ઊંચાઈએ લઈ જશે.

5. કાર્યસંસ્કૃતિ

કર્મચારીઓને તમારા વિચારમાં વિશ્વાસ બેસે અને તેઓ તમારા લક્ષ્યાંકને સમજે તથા તેને અનુરૂપ કામગીરી કરે તેવી ઇકોસિસ્ટમ ઊભી કરવી અતિ મહત્ત્વપૂર્ણ છે. કોઈ પણ લીડર માટે દાખલો બેસાડીને નેતૃત્વ પ્રદાન કરવું વધારે ઉચિત છે. લાંબા ગાળે હકારાત્મક વાતાવરણ કર્મચારીઓની ઉત્પાદકતા વધારે છે અને પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરે છે.

લેખક પરિચયઃ શ્રુતિ મોહન

ક્લાસિક ડાન્સર અને મ્યુઝિશિયન શ્રુતિ લોકોના આત્મવિશ્વાસમાં શ્રદ્ધા ધરાવે છે. 

અનુવાદકઃ કેયૂર કોટક