ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરનાર અને ચા વેચનાર બન્યો મિસ્ટર દિલ્હી

0

સફળતા મેળવવાનો કોઈ શોર્ટકટ હોતા નથી, તે ઉપરાંત કોઈને રાતોરાત પણ સફળતા મળી જતી નથી. દરેક સફળતા પાછળ સંઘર્ષની એક લાંબી ગાથા હોય છે, જેને પસાર કરીને જ કોઈ વ્યક્તિ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આ બધું ત્યારે જ શક્ય બને છે જ્યારે તે તમામ મુશ્કેલીઓ છતાં પોતાના લક્ષ્ય પ્રત્યે પ્રામાણિક અને વફાદાર રહે છે. આ રીતે સતત સમર્પણ અને સખત મહેનત બાદ મળતી સફળતા હંમેશા ટકાઉ હોય છે અને તે તમામ લોકો માટે પ્રેરણાસમાન હોય છે, જે સમાન લક્ષ્ય માટે પ્રયત્નશીલ હોય છે. આવી જ સફળતાનું એક ઉદાહરણ છે દિલ્હીના બોડી બિલ્ડર વિજય કુમાર. વિજય કુમારને 10 એપ્રિલ, 2016ના રોજ મિસ્ટર દિલ્હી તરીકે પસંદ કરીને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યો હતો. વિજય કુમારની આ સફળતા બીજા દિવસના અખબારો અને ચેનલોમાં ચર્ચામાં રહી. ટૂંક જ સમયમાં વિજય કુમાર દિલ્હીના તમામ બોડી બિલ્ડર્સ માટે આદર્શ બની ગયા જે મિસ્ટર દિલ્હી બનવા અથવા તો તેના જેવું કોઈ સન્માન પામવા માગતા હતા. સફળતાના શિખરે પહોંચેલા વિજયે જે સંઘર્ષ કર્યા છે તેના તરફ કોઈની નજર ગઈ નથી. આ શિખરે પહોંચતા પહેલાં તેણે ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કરી છે તો દૂધ પણ વેચ્યું છે અને ડિફેન્સ કોલોની પાસે ચાની લારી પણ ચલાવીને મજૂરી કરી છે. દિવસ-રાત એક કરીને તેણે પોતાનું લક્ષ્ય સાધ્યું છે. આ સફળતા બાદ પણ તે ખૂબ જ સરળ રીતે રહે છે. તે ક્યારેય પોતાનો ભૂતકાળ ભુલ્યો નથી અને પોતાના જેવા યુવાનોને મફતમાં બોડી બિલ્ડિંગની તાલિમ આપે છે. વિજયે યોરસ્ટોરી સાથે ચર્ચા દરમિયાન પોતાના સત્ય અને ભાવિ યોજનાઓ વિશે જણાવ્યું...

બાળ મજૂરીથી માંડીને દૂધ પણ વેચ્યું

એક ગરીબના માથેથી પિતાની છત્રછાયા જતી રહે તો શું થાય તે વિજય કરતા વધારે સારી રીતે કોઈ નથી જાણતું. જ્યારે વિજય માત્ર 10 વર્ષનો હતો ત્યારે તેના રોજમદાર પિતાનું અવસાન થયું હતું. પિતાના મૃત્યુ બાદ પોતાના પાંચ ભાઈ બહેનોમાં સૌથી મોટા વિજયના માથે દુઃખના પહાડો તૂટી પડ્યા. વિજયે ફરી ક્યારે પાછા વળીને પોતાના બાળપણ સામું જોયું નથી. તે એકાએક ઘરમાં વડીલ જેવો થઈ ગયો. વિજય જણાવે છે,

"ઘરનો ખર્ચો કાઢવા માટે માતાએ મને મારા પિતાના મિત્ર સાથે ઈંટોના ભઠ્ઠામાં મોકલી દીધો. ત્યાં સખત મહેનત કર્યા બાદ રોજના 10 થી 15 રૂપિયા મળતા હતા, જે હું મારી માતાને આપી દેતો. આ ક્રમ ઘણા વર્ષ સુધી ચાલતો રહ્યો. એક સમયે અમે મજૂરી દ્વારા ભેગા કરેલા પૈસાથી ભેંસ ખરીદી અને ત્યારબાદ મજૂરી છોડીને પોતાની ભેંસનું અને કેટલા ખેડૂતો પાસેથી ખરીદેલું દૂધ શહેરમાં જઈને વેચતો હતો."

જિંદગીના તમામ ઉતાર-ચઢાવ છતાં તેના મનમાં એક સ્વપ્ન હતું. તે હંમેશા પોતાના ગામના પહેલવાનોને કુસ્તી કરતા જોતો હતો. પહેલવાનોની બોડી તેને આકર્ષતી હતી. તે પણ આ પહેલવાનોની જેમ અખાડામાં ઉતરવા માગતો હતો પણ તે સમયે પરિસ્થિતિથી મજબૂર વિજયે પોતાના આ શોખને મનમાં જ રાખ્યો. પોતાના સ્વપ્નોને મનમાં જીવતા રાખ્યા.

દિલ્હીમાં મળ્યો લક્ષ્ય તરફનો રસ્તો

લગભગ પાંચ છ વર્ષ સુધી ઉત્તર પ્રદેશના મેરઠના કેહાવી ગામમાં સંઘર્ષ કર્યા બાદ વિજય 15 વર્ષ પહેલાં રોજગારીની શોધમાં દિલ્હી આવ્યો હતો. અહીંયા તેણે ડિફેન્સ કોલોની પાસે ચાની લારી શરૂ કરી. આ નવા વ્યવસાયને સંભાળવાની સાથે તેણે પોતાના મનમાં પાંગરેલા સ્વપ્નને સાકાર કરવા મહેનત શરૂ કરી. બોડી બિલ્ડિંગ માટે તેનું નવું સરનામું હતું લાજપત નગરમાં આવેલું અશોકભાઈનું જીમ. વિજય જણાવે છે,

"અહીંયાના જિમ માલિક સુભાષ ભડાનાને લાગ્યું કે હું સારી રીતે બોડી બિલ્ડિંગ કરી શકું છું. તેમણે મારી પ્રતિભાને જાણી અને તેને બહાર લાવવાની પહેલ કરી. સુભાષ ભડાના જ મારા ગુરુ છે. સુભાષ ભડાના પોતે બોડી બિલ્ડિંગમાં ચેમ્પિયન રહેલા છે. તે યુવાનોને બોડી બિલ્ડિંગ માટે પ્રોત્સાહિત કરતા હોય છે."

વિજયે બોડી બનાવવા માટે જીમમાં સખત મહેનત કરી છે. તે દિવસે કામ અને રાત્રે બોડી બિલ્ડિંગ કરતો હતો. બોડી બિલ્ડિંગ માટે જરૂરી ડાયેટ તેને ક્યારેય મળ્યો નથી. તેમ છતાં તે કલાકો સુધી પરસેવો પાડીને પોતાની બોડીને આકાર આપતો રહ્યો. આ કામમાં સુભાષ ભડાનાએ તેને પૂરતો સહયોગ આપ્યો. વિજય પોતાની સફળતાનો શ્રેય પોતાના ગુરુને આપે છે.

જ્યારે યુપીને છોરો મિસ્ટર દિલ્હી બન્યો

વિજય કુમારની વર્ષોની મહેનત રંગ લાવી જ્યારે 10 એપ્રિલ 2016ના રોજ દિલ્હીમાં વર્લ્ડ બોડી બિલ્ડિંગ ફેડરેશન અને દિલ્હી બોડી બિલ્ડિંગ ફેડરેશન દ્વારા આયોજિત કોમ્પિટિશનમાં દિલ્હી સહિત ઘણા રાજ્યોથી આવેલા બોડી બિલ્ડરોને પછાડીને તેણે ગોલ્ડ મેડલ જીત્યો. આ વિજય સાથે જ તેને મિસ્ટર દિલ્હી જાહેર કરવામાં આવ્યો. વિજયનો આ કોઈ પહેલો વિજય નહોતો. આ પહેલાં પણ તેણે ઘણી સ્પર્ધામાં ભાગ લઈને ટોચનો ક્રમ મેળવ્યો હતો. તે દિલ્હીમાં મિસ્ટર વાયએમસી પણ રહી ચૂક્યો છે. વર્ષ 2011માં મિસ્ટર કોલકાતાના મુકાબલામાં પાંચમા ક્રમે આવ્યો હતો. તે મિસ્ટર એશિયાની સ્પર્ધામાં પણ ભાગ લઈ ચૂક્યો છે. તે આ સ્પર્ધામાં મેડલ મેળવી શક્યો નહોતો. આ માટે તે પૈસાને જવાબદાર ગણાવે છે કે, કારણ કે બોડી બિલ્ડરને જે સુવિધાઓ મળવી જોઈએ તે તેને મળતી નથી. હવે વિજયનું આગામી લક્ષ્ય મિસ્ટર ઈન્ડિયા, મિસ્ટર એશિયા અને મિસ્ટર યુનિવર્સનું છે. તે દેશ માટે આગામી સ્પર્ધાઓમાં ભાગ લઈને વિજયી બનવા માગે છે. હાલમાં મેરઠ જિલ્લાના એક નાનકડા ગામના છોરાએ આ સફળતા મેળવતા દિલ્હી અને મેરઠમાં ઉત્સાહનું વાતાવરણ છે. બોડી બિલ્ડિંગમાં જોડાયેલા મેરઠના લોકો માટે પણ વિજય પ્રેરણા સમાન છે.

ગામમાં જિમ ખોલીને ઋણ ચુકવવા માગે છે

દિલ્હી સાથે જોડાયેલા નોઈડાના સેક્ટર 93માં આજે હેલ્થ ક્લબના નામે વિજયનું પોતાનું જીમ છે. અહીંયા તે લોકોને સામાન્ય ફિટનેસથી માંડીને પ્રોફેશનલ બોડી બિલ્ડિંગ સુધીની તાલિમ આપે છે. એક સમયે મિત્રો પાસેથી ઉધાર પૈસા લઈને આ જીમ શરૂ કર્યું હતું પણ હવે આ જીમ ખૂબ જ સરસ ચાલે છે. તેમાં ઘણા લોકો ટ્રેઈનિંગ લેવા આવે જેમની પાસે સુવિધાનો અભાવ હોય છે. ઘણા લોકો તો પૈસા પણ આપી શકતા નથી. વિજય એવા લોકોને મફતમાં તાલિમ આપે છે. વિજય અત્યારે વિપિન ત્યાગી, કુલદીપ ત્યાગી, અમિત પાલ, કંચન લોહિયા, સુરજીત ચૌધરી અને પ્રશાંત ચોધરી સહિત કુલ છ લોકોને મિસ્ટર ઈન્ડિયાની સ્પર્ધામાં ભાગ લેવા માટે તાલિમ આપી રહ્યો છે. તેનું અન્ય એક સ્વપ્ન છે. વિજય જણાવે છે,

"મારું એક સ્વપ્ન છે. હું મારા પૈતૃક ગામમાં પણ એવી પ્રતિભાઓને કોચિંગ આપીને આગળ વધારવા માગું છું, જેમની પાસે પૈસાનો અભાવ છે પણ ટેલેન્ટની ભરમાર છે. હું આવા લોકો માટે ગામમાં એક જીમ ખોલવા માગું છું. ગામની માટીનું મારા પર ઋણ છે, જેને હું ઉતારવા માગું છું."

આખરે જિંદગીના કપરાકાળમાં ગામમાં જ તેને રહેવા માટે આધાર મળ્યો હતો. તેની માતા આજે પણ ગામમાં જ રહે છે અને આજે પણ તેમના ઘરે એક ભેંસ છે. વિજયને માત્ર એક જ દુઃખ છે કે જિંદગીના પડકારોમાં તેનો અભ્યાસ અધૂરો રહી ગયો.

લેખક- હુસૈન તબિશ

અનુવાદક- મેઘા નિલય શાહ

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

રેત, ઇંટ અને સિમેન્ટ ઊંચકનાર મજૂર અત્યારે 20 કંપનીઓના માલિક છે!

બાળપણમાં માતા સાથે રસ્તા પર બંગડીઓ વેચનાર કેવી રીતે બન્યા IAS ઓફિસર...

એક રેસ્ટોરાંમાં કચરા-પોતા કરનારે બનાવ્યું સરવણા ભવન, આજે છે 80 રેસ્ટોરાંના માલિક
Related Stories