એક એવો ગાર્ડન જે વર્ષમાં માત્ર 1 મહિનો જ મુલાકાતીઓ માટે ખુલ્લો રહે છે!

0

વિશ્વના એવા ઘણાં ગાર્ડન્સ (બગીચાઓ) તેની સુંદરતાના કારણે લોકપ્રિયતા પામ્યા છે. ત્યારે આપણા દેશનો 'મુઘલ ગાર્ડન' પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આ ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મુઘલ ગાર્ડનનો સમાવેશ એશિયાના શ્રેષ્ઠ ગાર્ડન્સમાં થાય છે. જેનું નિર્માણ ઇસ્મ્લામિક સ્થાપત્ય શૈલીમાં મુઘલ શાસનના સ્થાપક ઝહીર-ઉદ્દ-દીન મહંમદ બાબર દ્વારા કરવામાં આવ્યું હતું. 

મુઘલ ગાર્ડન રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલો છે. આ ગાર્ડનની ઘણી એવી વિશેષતાઓ છે જે દૂર દૂરથી વિદેશી પ્રવાસીઓને પણ અહીં ખેંચી લાવે છે. જોકે જો તમારે પણ આ ગાર્ડનની મુલાકાત લેવી હોય તો વર્ષમાં માત્ર 1 મહિનો જ એ મોકો મળે. 

હાલ વર્ષ 2016માં 'ઉદ્યાનોત્સવ'ની ઉજવણીના ભાગરૂપે તે 12 ફેબ્રુઆરીથી 19 માર્ચ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાયો છે. સામાન્ય રીતે દર વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ સુધીના સમયગાળામાં જ ત્યાં મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવે છે. 

15 એકરમાં ફેલાયેલી લૉનમાં આશરે 400 જેટલા માળીઓ કાર્યરત રહે છે. તેમાં 70 જેટલા સીઝનલ ફ્લાવર્સની વેરાઈટીઝ જોવા મળે છે. આ ગાર્ડન આડી અને ઉભી પાણીની કેનાલથી 6 ભાગોમાં વહેંચાયેલો છે. તો દરેક ચોકમાં ફુવારા પણ છે. આ બગીચામાં લહેરાતું ઘાંસ દર વર્ષે નવું લાવવામાં આવે છે. તો વળી, મોર, બતક પણ અહીના સૌંદર્યમાં વધારો કરે છે. તો કેટલાંયે વિદેશી વૃક્ષો પણ જોવા મળે. 

ભાગ્યે જ જોવા મળે તેવા ગુલાબો પણ અહીં જોવા મળે, આશરે ૨૫૦ જાતના ગુલાબો જોવાનો દુર્લભ નજારો તમે અહીં માણી શકો છો. તો આ ગુલાબોને પણ મધર ટેરેસા, અર્જુન, ભીમ, ક્વીન એલિઝાબેથ જેવા રસપ્રદ નામો આપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ મુઘલ ગાર્ડનમાં મોર્નિંગ વૉક પર જવું ખૂબ પસંદ છે.

મુઘલ ગાર્ડન ઉપરાંત પણ તમે અહીં હર્બલ ગાર્ડન, બોન્સાઈ ગાર્ડન, કેક્ટસ ગાર્ડન તેમજ મ્યુઝિકલ ગાર્ડનની મુલાકાત પણ લઇ શકો છો.

મુલાકાત

આ વર્ષે જો મુઘલ ગાર્ડનની મુલાકાત લેવાની ઈચ્છા હોય તો ખૂબ ઓછા દિવસો હવે બાકી છે. 19 માર્ચ, 2016 સુધી- સવારે 9.30 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી (સોમવાર સિવાય) તમે મુઘલ ગાર્ડનના ફૂલોને નજીકથી નિહાળી શકશો. સામાન્ય રીતે મુઘલ ગાર્ડનની મુલાકાત લેતા 1 કલાકથી 3 કલાક સુધીનો સમય લાગે છે. 

Pictures Source- Twitter Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories

Stories by Khushbu Majithia