દિલ્હીના યુવાનોએ 'સ્ટાર્ટઅપ' દ્વારા 'મહિલા સુરક્ષા'ની સમસ્યાનો 'સુંદર' ઉકેલ શોધ્યો

દિલ્હીના યુવાનોએ 'સ્ટાર્ટઅપ' દ્વારા 'મહિલા સુરક્ષા'ની સમસ્યાનો 'સુંદર' ઉકેલ શોધ્યો

Sunday October 18, 2015,

4 min Read

image


કૉલેજમાં અભ્યાસ કરતાં કેટલાક મિત્રોએ ભેગાં મળીને, ટેક્નોલોજીની મદદથી એવું સુંદર પૅન્ડેન્ટ બનાવ્યું છે જે તમારી સુંદરતા તો વધારશે જ પણ સૌથી મહત્ત્વનું એ છે કે તે પૅન્ડેન્ટ તમારી રક્ષા પણ કરશે.

વર્ષ 2014, જુલાઈ મહીનાની વાત, મુનીરકામાં રહેતા પારસ બત્રાને અહેસાસ થયો કે 'નિર્ભયા કાંડ' જેવાં ઘાતકી બનાવના લીધે કુખ્યાત થયેલો આ વિસ્તાર, આજે પણ એટલો જ ભયપૂર્ણ જેટલો વર્ષ 2012માં હતો.

તેઓ આ વિસ્તારની વિલક્ષણતાને ભલે ના બદલી શકતાં હોય, પણ આ વિસ્તારમાંથી પસાર થતી સ્ત્રીઓને સશક્ત તો બનાવી જ શક્તાં હતાં.

પારસ જણાવે છે, "સ્ત્રીઓ હાલ વિવિધ સેફટી એપ્સનો ઉપયોગ કરે છે. તે તમામ સાધનોનું અમે ઉંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. 'પૅપર સ્પ્રે' એટલો સારો વિકલ્પ નથી કારણ કે, મુસીબતના સમયમાં, તેનો ઉપયોગ તે મહિલા પર પણ થઇ શકે છે. જ્યારે અન્ય સેફ્ટી ઍપ્લિકેશન્સ પણ એટલી યોગ્ય નહોતી કારણ કે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય કે મુસીબતના સમયે સ્ત્રીઓ પર્સમાંથી પોતાનો મોબાઈલ ફોન બહાર કાઢે, તેને અનલૉક કરે અને પછી તે ઍપનો ઉપયોગ કરે."

એવી સેફટી પ્રોડક્ટ્સ કે જેને મહિલાઓ પહેરી પણ શકે, તેનો પણ તેમણે અભ્યાસ કર્યો. અને એ વાત સમજી ગયા કે લોકોને કંઈક વધારાનું પહેરાવવાનો ફંડા પણ કામમાં નહીં આવે તેથી જ તેમણે 'સ્માર્ટ જ્વેલરી' પર મહોર મારી.

દિલ્હીનાં પાંચ આઈ.આઈ.ટી સ્નાતકો, અવિનાશ બન્સલ, આયુષ બંકા, ચિરાગ કપિલ, મનિક મેહતા અને પારસ બત્રા, જ્યારે તેમના અભ્યાસના છેલ્લા વર્ષમાં હતાં ત્યારે 'લીફ વેયરેબલ્સ'ની શરૂઆત કરી. તેમણે 'સેફર' બનાવી, જે એક જ્વેલરી જડિત ઍપ છે, તે SOS સિગ્નલ ટ્રાન્સમિટરની જેમ કામ કરે છે, જે તેના પ્રિ-રજીસ્ટર્ડ પેરેન્ટ્સ તથા તે વિસ્તારમાં આ ઍપનો ઉપયોગ કરનારા અન્ય લોકોને સિગ્નલ મોકલે છે.


પ્રોડક્ટ- સુંદરતા તથા ચતુરાઈનું મિશ્રણ

'સેફર' પૅન્ડૅન્ટ

'સેફર' પૅન્ડૅન્ટ


સેફર પૅન્ડૅન્ટ

સેફર ઉપકરણ (પૅન્ડૅન્ટ તથા ચેઈન)ને બ્લુટૂથ લૉ એનર્જી દ્વારા મોબાઈલ ફોનમાં સેફર ઍપ સાથે જોડી દેવામાં આવે છે. આ ઍપ, સેલ્યુલર નેટવર્કના ઉપયોગ દ્વારા, પરિવારજનો તથા મિત્રોને એલર્ટ સંદેશા તથા સ્થાનની માહિતી મોકલે છે. સંપર્ક કરવા માટે એસ.એમ.એસ તથા ઈન્ટરનેટ બન્નેનો ઉપયોગ કરી શકાય છે.

જ્વેલરીમાં એમની પાસે ઘણાં વિકલ્પો ઉપલબ્ધ હતાં, છતાંય તેમણે કેટલાંક ચોક્કસ કારણોસર પૅન્ડૅન્ટને પસંદ કર્યું છે.

ગળામાં પહેરેલાં પૅન્ડૅન્ટ સુધી સરળતાથી પહોંચી શકાય છે. તમે ક્યારેક પૅન્ડૅન્ટ બતાવવાં ન ઈચ્છતા હોવ, તો તેને સંતાડી પણ શકો છો. પૅન્ડૅન્ટ પર પસંદગી ઉતારતા પહેલાં તેના પર ઘણું રીસર્ચ કરવામાં આવ્યું હતું.”

આ પૅન્ડૅન્ટને વિમેન પ્રોડક્ટ ડિઝાનર્સ દ્વારા જ ડિઝાઈન કરવામાં આવ્યું છે, અને તેમાં બહુ સરસ રીતે ડાયમંડ આકારનો ક્રિસ્ટલ ફિટ કરવામાં આવ્યો છે જેની પાછળ એક બટન આપવામાં આવ્યું છે. બટનને બે વાર દબાવવાથી તે ઍપને સિગ્નલ પહોંચાડે છે અને ત્યારબાદ તે ઍપ વાલીઓને લોકેશન સાથેના એલર્ટ સંદેશ મોકલે છે.

'સેફર' ઍપ

'સેફર' ઍપ


દિલ્હી સ્થિત આ ઉદ્યોગસાહસિકોએ, આ ઍપમાં વધુ એક ફીચર ઉમેર્યું છે જે છે 'ધ સેફર વૉક', જેના દ્વારા વાલીઓ પૅન્ડૅન્ટ પહેરનારની હિલચાલ પર કોઈ પણ સમયે નજર રાખી શકે છે.

બ્લ્યૂ, ગ્રીન અને બ્લેક કલર્સમાં ઉપલબ્ધ આ પૅન્ડૅન્ટની કિંમત રૂ.3,500 છે. આ ઉદ્યાગે ‘કેટ્ટો’ પર પ્રિ-ઑર્ડર્સ દ્વારા લગભગ પાંચ લાખ રૂપિયા ભેગા કરી લીધા છે. 'કેટ્ટો' એક ભારતીય ક્રાઉડફંડિગ પ્લેટફોર્મ છે, જ્યાં તેમણે પોતાની પ્રોડ્કટ ઓછી કિંમતે વેચી.

લીફની ટીમને, વિવિધ બિઝનેસ પ્લાન અને પ્રોડક્ટ આઈડિયા કૉન્ટેસ્ટ્સમાં ઘણાં ઈનામ પણ મળ્યાં છે, જેમાં GITEX, દૂબઈ એરિક્સન ઈનોવેશન અવૉર્ડ, ફિલિપ્સ બ્લૂપ્રિંટ 2014 અને આઈ.આઈ.ટી બોમ્બેમાં યુરેકાનો સમાવેશ થાય છે.

ઈન્ડિયા ઈનોવેશન ગ્રોથ પ્રોગ્રામ (IIGP)માં ભાગ લેવા માટે પણ તેમની પસંદગી કરાઈ હતી. જ્યાં તેઓ સૅન ફ્રાન્સિસકોમાં યોજાયેલા એક સ્ટાર્ટઅપ કનેક્ટ ઈવેન્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળ્યાં હતાં.

વૅલીનો અનુભવ- આંખ ઉઘાડનારો

સિલિકૉન વૅલીમાં ‘લીફ’ નું કોણે પ્રતિનિધિત્વ કર્યું હતું, અને એવી કઈ વસ્તુ છે જે સિલિકૉન વૅલીને ભારતથી જુદી પાડે છે એ વિશે મનિકનું કહેવું છે, “એમાં ઘણો ફરક છે, પણ સૌથી મોટો ફરક છે કે ત્યાં નિષ્ફળતાને પણ સકારાત્મક રીતે જ જોવામાં આવે છે. હું એક એવી વ્યક્તિને મળ્યો જેમણે ઘણાં સ્ટાર્ટઅપ્સ કર્યા પણ દર વખતે તેમાં નિષ્ફળ રહ્યાં. પણ તેઓ તેમના સાતેય સ્ટાર્ટઅપ્સ વિશે ગર્વ અનુભવે છે. તેમના માટે નિષ્ફળ સ્ટાર્ટઅપ્સ, સન્માનનાં મૅડલ જેવાં હોય છે. જોકે, ભારતમાં કંઈક શરૂ કરવામાં આવે અને તે વ્યક્તિ નિષ્ફળ જાય તો જે-તે વ્યક્તિના સાથીદારો તથા સમાજ તેના પ્રત્યે નકારાત્મક વલણ અપનાવે છે”.

'સેફર'નું ભવિષ્ય અને તક

ટ્રૈન્સ્પેરન્સી માર્કેટ રિસર્ચના એક રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે વર્ષ 2018માં પહેરી શકાય એવી વસ્તુઓની ગ્લોબલ ટેક્નોલોજી US $5.8 બિલિયન સુધી પહોંચી જશે કે જેનું મૂલ્ય વર્ષ 2012માં US $750 આંકવામાં આવ્યું હતું. તેનો મતલબ છે કે વર્ષ 2012 થી 2018 સુધી 40.8% નો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR).

મનિક કહે છે કે, “અમે માનીએ છીએ કે જ્વેલરીથી સ્માર્ટ જ્વેલરીનો આ બદલાવ એટલો જ ક્રાંતિકારી નિવડશે જેટલો ફિચર ફોન્સથી સ્માર્ટ ફોન સુધીનો બદલાવ રહ્યો હતો”. મનિક વધુમાં જણાવે છે કે સેફ્ટી વેયરેબલ્સના ક્ષેત્રમાં તેઓ વધુ ડિઝાઈન્સ લૉન્ચ કરવાનો વિચાર પણ કરી રહ્યાં છે અને બહુ જલ્દી બાળકો તથા વરિષ્ઠ નાગરીકો માટે પણ માર્કેટમાં કંઈક ખાસ લઈને આવશે.

તેમના વિઝન વિશે વાત કરતાં મનિક કહે છે, “વર્ષ 2017 સુધીમાં અમે એક મિલિયન પરિવારોને સુરક્ષિત બનાવવા ઈચ્છીએ છીએ”.