એક અભણ આદિવાસી અન્ય આદિવાસી બાળકોને ભણાવે છે!

એક અભણ આદિવાસી અન્ય આદિવાસી બાળકોને ભણાવે છે!

Monday December 21, 2015,

4 min Read

એક દિવસ ભીલ વિચાનભાઈ બસમાં બેસીને ક્યાંક જતા હતા. તેમણે કન્ડક્ટરને આઠ રૂપિયાની ટિકિટ આપવા કહ્યું અને દસની નોટ આપી. કન્ડક્ટરે તેમને ટિકિટ આઠની આપી પણ બે રૂપિયા પાછા ન આપ્યા. આવું તેણે માત્ર તેમની સાથે જ નહીં, બસમાં બેઠેલા ઘણા લોકો સાથે કર્યું. વિચાનભાઈ ભણ્યા નથી પણ તેમને થોડો ઘણો હિસાબ આવડે છે તેથી તેમને કન્ડક્ટર પાસે બે રૂપિયા પાછા માગ્યા. તેમની માગણી બાદ અન્ય લોકોએ પણ રૂપિયા પાછા માગ્યા. આ ઘટના બાદ વિચાનભાઈએ વિચાર્યું કે આ લોકો શિક્ષિત હોત તો તેમની સાથે કોઈ છેતરપીંડી ન કરી શકત. ત્યારબાદ તેમણે પોતાના વિસ્તારમાં સ્કૂલ શરૂ કરવાનું નક્કી કર્યું જ્યાં બાળકોને અભ્યાસ કરાવી શકાય જેથી આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

image


વિચાનભાઈ ગુજરાતના વડોદરા જિલ્લાના એક આદિવાસી ગામ પિસ્તિયામાં રહે છે. કેટલાક વર્ષો પહેલાં તેમના ગામમાં મોટાભાગના લોકો અભણ હતા અને આસપાસ કોઈ સ્કૂલ નહોતી કે જ્યાં જઈને બાળકો અભ્યાસ કરી શકે. તેથી ગામના બાળકો નદીમાં માછલી પકડતા અને આખો દિવસ રખડ્યા કરતા. ત્યારે વિચાનભાઈએ વિચાર્યું કે જો સ્કૂલ હોય તો બાળકો સમય બરબાદ નહીં કરે અને અભ્યાસ કરીને કંઈક બનશે. બીજું કે મોટાભાગના લોકો મજૂરી કરવા સૌરાષ્ટ્રમાં જતાં રહ્યાં હતાં જ્યાં તે છ થી આઠ મહિના રહેતા હતા. તેના કારણે બાળકો પણ પોતાના માતા-પિતા સાથે મજૂરી કરવા જતા રહેતા.

image


વિચાનભાઈ જણાવે છે, 

"મેં વિચાર્યું કે જો મજૂરી કરનારા લોકોના બાળકો અહીંયા મારી સાથે રહીને અભ્યાસ કરશે તો તેમના માતા-પિતા મજૂરી કરીને તેમને રોજગાર સારી રીતે ચલાવી શકશે. ત્યાર પછી મેં 2005માં એક હોસ્ટેલ શરૂ કરી અને હું લોકોને સમજાવવા લાગ્યો કે તેમના બાળકોને હું અહીંયા રાખીશ, જ્યાં તે અભ્યાસ કરશે, હરશે ફરશે અને કંઈક નવું શીખશે."

તેમણે એવો પણ વિશ્વાસ આપ્યો કે બાળકની તબિયત ખરાબ થશે તો પણ ફોન દ્વારા તેમના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવશે. આ રીતે તેમણે શરૂઆતમાં 17 બાળકો પોતાની પાસે રાખ્યા. તેમના રહેવા-ખાવાની તમામ વ્યવસ્થા વિચાનભાઈએ જાતે કરી.

image


ધીમે ધીમે લોકોને તેમના પર વિશ્વાસ વધવા લાગ્યો અને આજે તેઓ 111 બાળકોની સંભાળ રાખે છે અને તેમને અભ્યાસ કરાવીને એક જવાબદાર વ્યક્તિ બનાવે છે. આ બાળકોમાં 35 છોકરીઓ અને 75 છોકરા છે. તે ઉપરાંત એવા પણ આદિવાસી બાળકો છે જે અનાથ હોય અને તેમની પાસે ખેતીલાયક જમીન પણ ન હોય. તેમણે શરૂઆતમાં આ બાળકોના રહેવાની અને ખાવાની વ્યવસ્થા સાથે તેમના પ્રાથમિક સ્કૂલમાં એડમિશન પણ કરાવ્યા. તેમના પરિવારની પણ સ્થિતિ સારી નહોતી કારણ કે તેઓ પણ ખેત મજૂરી કરીને જીવન પસાર કરતા હતા. તેઓ લોકો પાસેથી માગીને બાળકોને ભોજન કરાવતા. કોઈ તેમને મકાઈ આપતું તો કોઈ દાળ આપતું અને આ રીતે તેઓ બાળકોને ભોજન કરાવતા.

image


ખાસ વાત એ હતી કે શરૂઆતમાં તેમણે પોતાના જ મકાનમાં આ કામ શરૂ કર્યું હતું. ધીમે ધીમે તેમણે બાળકોની સુવિધા માટે એક સ્કૂલની પણ શરૂઆત કરી. આજે આ સ્કૂલમાં પહેલા ધોરણથી માંડીને આઠ ધોરણ સુધી અભ્યાસ કરાવાય છે. અહીંયા અભ્યાસ કરવા અને રહેવા માટે બે વિભાગ છે. તેમણે આ મકાનને શ્રી રામલીલા છાત્રાલય નામ આપ્યું છે. એક બિલ્ડિંગમાં છોકરાઓ અને બીજા બિલ્ડિંગમાં છોકરીઓ રહે છે. જ્યારે અભ્યાસ માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત જ્યારે કોઈ બાળક બિમાર પડે તો તેની સારવાર માટે તેને સરકારી દવાખાને લઈ જવાય છે. તેમની સ્કૂલ સવારે 10 વાગ્યે શરૂ થયા અને સાંજે 5 વાગ્યે પૂરી થાય છે.

image


વિચાનભાઈના મતે તેઓ આ સ્કૂલ લોકોના દાનની મદદથી ચલાવે છે અને ઘણી વખત આર્થિક સંકળામણનો પણ સામનો કરવો પડે છે. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની અને બે છોકરા છે. તે તમામ લોકો વિચાનભાઈને મદદ કરે છે. તેમનો મોટો દીકરો મુકેશ પોતાના પિતાને મદદ કરે છે. મુકેશે બીએડનો અભ્યાસ કર્યો છે તેથી તે સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરાવે છે. મુકેશ જણાવે છે, 

"મારા પિતાનું સ્વપ્ન છે કે આદિવાસી બાળકોની સંભાળ રાખી અને હું તે સ્વપ્ન પૂરું કરવા પ્રયાસ કરું છું. મારા ઘરનું જ કામ હું નહીં કરું તો બીજું કોણ કરશે. તેમનો બીજી દીકરો દસમા ધોરણમાં છે."

image


શ્રી રામલીલા છાત્રાલયમાં કમ્પ્યૂટર અને લાઈબ્રેરીની પણ ખાસ વ્યવસ્થા છે. તેમની સ્કૂલ અને હોસ્ટેલનું વાતાવરણ બાળકોને એટલું પસંદ છે કે જ્યારે માતા-પિતા મજૂરી કરીને પરત આવે છે ત્યારે પણ તેઓ તેમની પાસે જવાના બદલે અહીંયા જ રહેવાનું પસંદ કરે છે. બીજી તરફ અહીંયાના આદિવાસી લોકો પણ સમજુ થઈ ગયા છે અને તેઓ એ પણ જાણે છે કે બાળકો હોસ્ટેલમાં રહીને સારી રીતે અભ્યાસ કરી શકે છે. અહીં અભ્યાસ કરનારા બાળકોને મફતમાં શિક્ષણ આપવાની સાથે સાથે તેમને યુનિફોર્મ અને પુસ્તકો પણ મફતમાં અપાય છે. વિચાનભાઈ જણાવે છે, 

"આ કામ હું એટલા માટે કરું છું, કારણ કે મને લાગે છે કે આ કામ કોઈ બહારની વ્યક્તિ કરે તેના કરતા મારે જાતે જ કરવું જોઈએ."


લેખક – હરિશ બિશ્ત

અનુવાદ- એકતા રવિ ભટ્ટ