1009 વખત ‘ના’ સાંભળી છતાં હાર ન માની અને ‘KFC’ દ્વારા દુનિયાનું દિલ જીતી લીધું કર્નલ સાંડર્સે...

2

જો તમારા મનમાં કંઈ પણ કરી બતાવવાની દ્રઢ ઈચ્છા હોય તો તમે ગમે તેવા સંકટો અને વિઘ્નો આવે તો પણ તમારા ધ્યેયનને સિદ્ધ કરીને સફળતાના શિખરો સર કરી શકો છો. કર્નલ હેરાલ્ડ સાંડર્સની કથની પણ આપણને આવો જ કંઈક બોધપાઠ આપે છે. તમે ભલે વિશ્વવિખ્યાત ફૂડ ચેઈન કેએફસીના ચાહક ન હોવ પણ તેના સ્થાપક કર્નલ સાંડર્સના સંઘર્ષ વિશે જાણશો તો તેમના ચાહક ચોક્કસ થઈ જશો. કર્નલ સાંડર્સ તેમની દ્રઢ માન્યતા, નિષ્ઠા અને મહત્વાકાંક્ષાને કારણે આજના યુવાનોના રોલ મૉડલ સાબિત થઈ રહ્યા છે. સાંડર્સના સંઘર્ષની વાત જાણ્યા પછી બધા જ તેમની મહેનત અને દ્રઢતાના ચાહક થઈ જાય છે. દુનિયામાં ભાગ્યે જ એવા લોકો હશે જે ખાવાના શોખીન હોય પણ સાંડર્સના 'આંગળીઓ પણ ચાટતા રહી જશો' એટલે કે 'ફિંગર લિકિન ગૂડ' એવા કેન્ટકી ફ્રાઈડ ચિકન વિશે નહીં જાણતા હોય.

આંખો પર ચશ્મા પહેરેલા સાંડર્સ તેમના સ્વચ્છ સફેદ સૂટ, કાળી ટાઈ અને હાથમાં પકડેલી લાકડી દ્વારા સરળતાથી ઓળખાઈ જાય છે. કેએફસીના દરેક આઉટલેટ પર તેમને આ સ્વરૂપે જોઈ શકાય છે.

કર્નલ સાંડર્સ જીવનનો સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે 65 વર્ષની ઉંમરે પોતાની રેસ્ટોરાં બંધ કરી. આખી જિંદગી મહેનત કર્યા પછી ઉંમરના આ પડાવમાં તેમણે જોયું કે તેમની પાસે કોઈ બચત નથી અને તેઓ સાવ કંગાળ છે.

65 વર્ષની ઉંમરે તેમણે રેસ્ટોરાં બંધ કરીને નિવૃત્ત જીવન જીવવાનો નિર્ણય કર્યો. તે સમયે તેમને સામાજિક સુરક્ષા હેઠળ પહેલો ચેક મળ્યો જેણે તેમનું જીવન પરિવર્તિત કરી નાખ્યું.

તેમની તકદીરમાં કંઈક અલગ જ લખાયું હતું. પેન્શનમાં મળેલી 105 ડોલરની રકમથી તેમની પ્રસિદ્ધિ અને સમૃદ્ધિની એક નવી જ ઈમારત ઉભી થવાની હતી. આ રકમે તેમનું જીવન બદલી નાખ્યું અને તેમણે એવું કંઈક કરવાનું નક્કી કર્યું જેણે તેમને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કરી નાખ્યા.

કર્નલ સાંડર્સને ભોજન કરાવવાનો ખૂબ જ શોખ હતો અને તેઓ એક ઉત્તમકક્ષાના યજમાન પણ હતા. તેઓ ખૂબ જ સ્વાદિષ્ટ ફ્રાઈડ ચિકન બનાવતા હતા અને તેમના તમામ સંબંધીઓ અને ઓળખીતા આ ચિકનના ચાહક હતા.

સામાન્ય રીતે જીવનની 65 દિવાળીઓ જોયા બાદ વ્યક્તિ ઉંમરના આ તબક્કે પહોંચીને આરામ કરવાનું વિચારે ત્યારે સાંડર્સે કંઈક નવું જ કરવાનું નક્કી કર્યું. તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાના સ્વાદિષ્ટ ફ્રાઈડ ચિકનને ગ્રાહકો સુધી પહોંચાડશે.

ખાવાના શોખીનો સુધી પોતાનું ફ્રાઈડ ચિકન પહોંચાડવાનું કામ સાંડર્સ માટે સહેજપણ સરળ નહોતું. તેમણે દિવસ-રાત એક કરી નાખ્યા. શરૂઆતમાં સાંડર્સે પોતાના વિસ્તારના તમામ ઘર અને રેસ્ટોરાંમાં જઈને પોતાના દ્વારા તૈયાર કરાયેલા ચિકન વિશે જણાવ્યું. તેમને આશા હતી કે ક્યારેક એવો કોઈ સાથી મળશે જે તેમના ચિકનના સ્વાદને પારખીને તેને બીજા સુધી પહોંચાડવામાં મદદ કરશે પણ તેમની આશા ઠગારી નિવડી.

સ્વભાવમાં જ હઠાગ્રહ હોવાના કારણે સાંડર્સે પણ શરૂઆતમાં સાંપડેલી નિષ્ફળતાથી નાસીપાસ થવાના બદલે તેમના ચિકનને લોકો સુધી પહોંચાડવાનો બીજો રસ્તો શોધી કાઢ્યો. તેઓ પોતાના ઘરેથી નીકળતા અને આસપાસના વિસ્તારોમાં આવેલી વિવિધ રેસ્ટોરાં અને હોટેલ્સમાં જઈને ચિકન બનાવતા. હોટેલના માલિકોને ચિકન પસંદ પડે તો તેને મેન્યુમાં સ્થાન આપવામાં આવતું. તેમને ઓળખતા લોકો એ વાત સારી રીતે જાણે છે કે, તેમને એક હોટેલના માલિકે ‘હા’ પાડી પણ તે પહેલાં તેમને 1009 લોકોએ ના પાડી દીધી હતી.

તેઓ હિંમત હાર્યા નહોતા. એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે 1009 લોકોએ તેમને નકાર્યા બાદ જે વ્યક્તિએ હા પાડી તેણે કેએફસીની શરૂઆતનો પાયો નાખ્યો.

કર્નલ અને હોટેલના માલિક વચ્ચે નક્કી થયું હતું કે, તેઓ જે ચિકન બનાવશે તેના બદલે તેમને પ્રત્યેક ડિશ દિઠ પાંચ સેન્ટ આપવામાં આવશે. આ રીતે કર્નલ પોતાનું ફ્રાઈડ ચિકન માર્કેટ સુધી પહોંચાડવામાં સફળ થયા. આ તો માત્ર શરૂઆત હતી.

આ ચિકન કેવી રીતે બને છે તેનું રહસ્ય અકબંધ રાખવા માટે કર્નલે રેસ્ટોરાંમાં મસાલાના પેકેટ મોકલવાનું શરૂ કરી દીધું. આ રીતે તેમનું ચિકન બની જતું અને બીજાને તેમની ગુપ્ત રેસિપીની જાણકારી પણ મળતી નહીં.

સમયચક્ર ફરતું ગયું અને લગભગ વર્ષ 1964 આવતા સુધીમાં તો સાંડર્સનું ચિકન એટલું પ્રસિદ્ધ થઈ ગયું કે તે 600થી વધારે સ્થળોએ વેચાવા લાગ્યું. આ વર્ષે જ કર્નલ સાંડર્સે તેમની કંપની કેએફસી 20 લાખ ડોલરમાં બીજી કંપનીને વેચી દીધી પણ તેના પ્રવક્તા પદે તેઓ યથાવત્ રહ્યા.

સાંડર્સે જણાવ્યું કે, ચિકને તેમને એટલી પ્રસિદ્ધિ અપાવી કે 1976માં તેમને દુનિયાના સૌથી જાણીતા લોકોમાં બીજો ક્રમ પ્રાપ્ત થયો હતો.

આ રીતે કર્નલ સાંડર્સે દુનિયાને સિદ્ધ કરી આપ્યું કે, 65 વર્ષની ઉંમરે જ્યારે મોટાભાગના લોકો નિવૃત્ત થઈને ઘરમાં આરામ કરવાની તૈયારી કરે છે ત્યારે પણ જો તમે દ્રઢ નિશ્ચય કરીને કોઈ કામ શરૂ કરો તો સફળતા તમને મળે જ છે.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories

Stories by Khushbu Majithia