રાઇફલથી સર્વાઇવલ સુધીની વડોદરાની પુષ્પાની સંઘર્ષયાત્રા! આવો, આ શક્તિને બિરદાવીએ!

રાઇફલથી સર્વાઇવલ સુધીની વડોદરાની પુષ્પાની સંઘર્ષયાત્રા! આવો, આ શક્તિને બિરદાવીએ!

Tuesday March 08, 2016,

3 min Read

વિશ્વના અમુક ધનાઢ્ય તેમજ નામચીન ખેલાડીઓ ભારતનાં છે, ત્યારે બીજી તરફ વડોદરા સ્થિત, એક મહિલા ચેમ્પિયન કે જે પોતાનું સપનું સાકાર કરવા ચાઈનીઝની લારી ચલાવે છે.

આ એક ૨૧ વર્ષીય પુષ્પા ગુપ્તા, નેશનલ શૂટિંગ ચેમ્પિયનની કહાની છે. જેને શૂટિંગ ક્ષેત્રમાં પ્રખર સ્થાને છે. પરંતુ અપૂરતા ફંડને કારણે તેને મજબૂરીથી આ રમત છોડી, ચાઈનીઝ વાનગીઓ બનાવી અને વેચી પરિવારને આર્થિક રીતે સહાય કરે છે. તેમજ ગ્રાહકોને આકર્ષવા માટે તેની લારી પર તેને જીતેલા મેડલ્સ પણ લટકાવ્યા છે. જે એક હૃદયસ્પર્શી ઘટના છે.

image


પુષ્પાએ વર્ષ ૨૦૧૩માં કોલેજ શરૂ કરી હતી. ત્યાં તેને ખબર પડી કે તેની આવડત શૂટિંગમાં છે. થોડાક સમયમાં પુષ્પાએ નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)માં જોડાઇ. તેનાથી તેને થોડી આર્થિક સહાય પણ મળતી રહી. ધીરે ધીરે તેની આવડત અને કુશળતા સમગ્ર ગુજરાતમાં ચમકી ઉઠી અને ગુજરાત તરફથી શૂટિંગ ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું. દિવસે-દિવસે તેની આ ખેલમાં રૂચી પણ વધતી ગઈ.

પરંતુ કુદરતને કંઇક બીજું જ મંજૂર હતું. પુષ્પાનો NCCનો અભ્યાસ પૂર્ણ થતાની સાથે, તે રમત સાથે સંકળાયેલી રહી ન શકી. કારણકે આ રમત તેના માટે ખૂબ જ ખર્ચાળ અને મોંઘી હતી. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે તેને શૂટિંગ પણ છોડવું પડ્યું. ઉપરાંત NCCથી મળતો સપોર્ટ પણ બંધ થવાને કારણે તેના પિતાએ ગુજરાન ચલાવવા તેને કોઈ બિઝનેસ શરૂ કરવાની સલાહ આપી. બસ પછી શું? સમયની મજબૂરીને કારણે તે એક શૂટરમાંથી બિઝનેસવુમન બની. પણ પુષ્પાને તેનું સપનું દૂર દેખાતું હતું. 

તેણે રાઈફલ પકડી હોય તેને લગભગ ૬-૮ મહિના થઇ ગયા! અને દરેક ગેમ્સમાં જીતેલ મેડલ તેને પોતાની લારી પર મૂક્યા છે, કે જેથી લોકો તેની કાબેલિયત અને સિદ્ધિને ઓળખી શકે અને તેની મદદ કરી શકે.

image


કોઈ પણ માતા-પિતા પોતાના દીકરા કે દીકરીની આવડતને દુનિયા સમક્ષ લાવવા લોકો સામે લડી જાણે છે. તેવી જ રીતે પુષ્પાના પિતા દિનેશકુમાર ગુપ્તાનું કહેવું છે, "આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા સ્ત્રી શક્તિ (વુમન એમપાવરમેન્ટ)ની વાતો કરે છે. પરંતુ તે ફક્ત ટીવી તેમજ ન્યૂઝપેપરમાંજ શક્ય લાગે છે. અસલ જિંદગીમાં નહીં. જ્યારથી મોદીજી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રીશક્તિને મહત્વ આપવાનો છે. પરંતુ અમને આજ સુધી કોઈ પણ સહાય મળી નથી."

તેમને એવી આશા હતી કે પુષ્પાને કોઈ પણ પ્રકારની સહાય કે વળતર સરકાર તેમજ અન્ય સંસ્થા તરફથી મળી હોત તો તે અત્યારે નુડલ્સની લારી ન ચલાવતી હોત. અને સમાજ તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું હોત.

જોકે પુષ્પાની આ પરિસ્થિતિનો અહેવાલ મીડિયામાં આવ્યા બાદ સાંસદે તેની સાથે મુલાકાત કરી મદદની ખાતરી આપી હતી તો કેટલાંક અધિકારીઓએ પણ પુષ્પાને નોકરીની ઓફર કરી હતી. 

આપણે દર વર્ષે વિશ્વ મહિલા દિવસ તો ઉજવીએ જ છે. પરંતુ આપણે વિશ્વ મહિલા દિવસ સાચા અર્થમાં ત્યારે જ ઉજવ્યો ગણાય જયારે મહિલાને તેના સપના તેમજ પેશનને પરિપૂર્ણ કરવા આપણાથી બનતી બધી જ મદદ કરીએ અને નારી શક્તિ (વુમન એમપાવરમેન્ટ)ને સાચા અર્થમાં દુનિયા સમક્ષ રજૂ કરીએ.

લેખક- જીગર શાહ

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા અમારું Facebook Page લાઈક કરો.