બળદ વેચીને અભ્યાસ કર્યો, આજે ઉપાડે છે 200 બાળકોના અભ્યાસનો ખર્ચ!

0

'પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા' જેવા સૂત્રો પોકારાય છે. આવા સૂત્રો આપનારા, લખાવનારા આગળ શું સ્થિતિ આવશે તે ભૂલી જાય છે. જે વિપરિત સ્થિતિમાં અભ્યાસ કરે છે તેમના માટે શું કરવામાં આવે તેની ચિંતા તે પોતે અથવા તો તેના પરિવારજનો જ કરે છે. આવા સંજોગોમાં અભ્યાસને સર્વસ્વ માનનારા માતા-પિતા પોતાનું બધું જ દાવ પર લગાવી દે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, માતાપિતા નથી ઈચ્છતા કે તેમના સંતાનોને પણ તેમના જેવા જ થવું પડે. કદાચ આ જ કારણે સંતાનો પોતાના માતા-પિતાના ત્યાગને ભૂલી શકતા નથી અને જીવનમાં કંઈક કરી બતાવે છે. આવી જ વાત છે મહારાષ્ટ્રના જાલના જિલ્લાના શ્યામ વાડેકરની.

ખેડૂત પરિવાર સાથે સંબંધ રાખનારા શ્યામ વાડેકર આજે ભલે મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે પણ એક સમય એવો પણ હતો જ્યારે તેમની કોલેજની ફી ભરવા માટે તેમના પિતાને બળદ વેચવા પડ્યા હતા. આ જ શ્યામ આજે મહારાષ્ટ્રના 200 જેટલા ગરીબ બાળકોના અભ્યાસનો ખર્છ ઉપાડે છે. કર્તવ્ય ફાઉન્ડેશન નામની સંસ્થા આજે મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં કામ કરે છે. તે માત્ર શિક્ષણ જ નહીં, સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ લોકોની મદદ કરે છે. તેઓ એવા ખેડૂત પરિવારોની પણ મદદ કરે છે જે દેવાતળે દબાઈ ગયા છે અને તેના ભારથી ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હોય છે.

શ્યામ વાડેકર મહારાષ્ટ્રના જાલના જિલ્લાના દોલારા ગામના રહેવાસી છે. શ્યામના પિતા ભલે ખેડૂત હતા પણ તે જાણતા હતા કે શિક્ષણ જ જીવન બદલી શકે છે. આ કારણે જ તેમણે પોતાના બાળકોના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. આ જ કારણે શ્યામ પૂણેમાં ટીસીએસમાં સોફ્ટવેર એન્જિનિયર છે તો તેમની મોટી બહેન ડૉક્ટર અને ભાઈ મિકેનિકલ એન્જિનિયર છે. શ્યામ વાડેકર પોતાના કામ અંતર્ગત સિંગાપોર, લંડન જેવા શહેરો પણ ફરી આવ્યા છે.

શ્યામ વાડેકરે યોરસ્ટોરીને જણાવ્યું,

"હું ગામડામાં ઉછર્યો તેથી મને ત્યાંની તમામ સારી-નરસી બાબતોની જાણ છે. મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. હું જ્યારે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો ત્યારે મારા પિતા પાસે કોલેજની ફી જમા કરાવવા માટે દસ હજાર રૂપિયા નહોતા ત્યારે તેમણે બળદની જોડી વેચી દીધી હતી જે ખેતરમાં હળ ચલાવવાના કામમાં આવતી હતી. આ બાબતની ઘણા સમય સુધી મારા પિતાએ મને જાણ પણ નહોતી થવા દીધી. ઘણા સમય પછી મને જાણવા મળ્યું કે તેમણે મારા અભ્યાસ માટે આ બધું કર્યું હતું."

આ ઘટનાએ શ્યામને મનમાં જ હચમચાવી નાખ્યો હતો.

શ્યામ વાડેકરે જોયું કે આ માત્ર તેની એકલાની જ સ્થિતિ નથી પણ સમાજના ઘણા બાળકો એવા છે જેમના માતા-પિતા તેમની જરૂરિયાત પૂરી નથી કરી શકતા અને આ બાળકોને નાનામાં નાની વસ્તુ માટે પણ સંઘર્ષ કરવો પડે છે. શ્યામ જણાવે છે,

"સમાજમાં એવા ઘણા માતા-પિતા છે જે પોતાના ખેતર માટે ખાતર અને બિયારણ પણ લાવી શકે તેમ નથી હોતા તેઓ બાળકોની સ્કૂલ ફી હોય કે યુનિફોર્મ કે પછી પુસ્તકોનો ખર્ચ કેવી રીતે ઉઠાવી શકે. આવા સંજોગોમાં બાળકોએ અભ્યાસ કરવાનું છોડી દેવું પડે છે. ઘણી વખત બાળકોએ મજબૂરીમાં પણ પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવો પડે છે."

આ સમસ્યાઓને જોતાં જ શ્યામ વાડેકરે પોતાના અભ્યાસ દરમિયાન પોતાના મિત્રો સંદીપ, વિશ્વાસ અને વિનિત સાથે ચર્ચા કરીને તેના ઉપાયો શોધવા લાગ્યા હતા. તેમણે ત્યારે નક્કી કર્યું હતું કે જ્યારે તેમને નોકરી મળશે ત્યારે તેઓ આવા બાળકોની મદદ કરશે પછી ભલેને બે જ બાળકોથી શરૂઆત કેમ ન કરવી પડે.

આ રીતે વર્ષ 2007માં શ્યામ વાડેકર અને તેમના મિત્રોએ જોડાઈને કર્તવ્ય ફાઉન્ડેશનની શરૂઆત કરી. તેના દ્વારા તેઓ ચાર ગામના 12 બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવતા હતા. ધીમે ધીમે શ્યામ અને તેના મિત્રોને ખ્યાલ આવતો ગયો કે બાળકોને પેન, પેન્સિલ કે પુસ્તકોની જરૂર નથી પણ તેમની સમસ્યાઓ તેનાથી કંઈક જૂદી અને મોટી છે. તેમણે ત્યારબાદ સ્કોલરશીપ માટે પણ બાળકોને પુસ્તકો આપવાનું શરૂ કર્યું જેથી બાળકો અવિતર અભ્યાસ કરતા રહે. સમય જતાં બાળકોની સંખ્યા 12 થી વધીને 50 થઈ ત્યારબાદ 150 થઈ અને આજે તેઓ મહારાષ્ટ્રના 8 જિલ્લાના લગભગ 200 બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે.

બાળકોના અભ્યાસ માટે શ્યામ અને તેમની ટીમ ખેડૂત પરિવારોને પણ મળતા રહેતા. તેમને આ દરમિયાન ખ્યાલ આવ્યો કે દેવાના બોજથી દબાયેલા ખેડૂતો આત્મહત્યા કરી લે છે. આ માટે શ્યામ વાડેકરે ‘મિશન સેવ ફાર્મર’ નામની યોજના શરૂ કરી. તેના અંતર્ગત તેઓ આઠ જિલ્લાના 60 પરિવારો સાથે જોડાણ સાધી ચૂક્યા છે. આ વિસ્તારોમાં દુકાળના કારણે ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. શ્યામ આવા પરિવારોને આર્થિક અને અન્ય પ્રકારની મદદ કરવાનો પ્રયાસ કરતા રહે છે. શ્યામ વાડેકર જણાવે છે,

"કોઈપણ ખેડૂત જ્યારે જીવતો હોય ત્યારે તેના ખેતરમાં ખેડાણ કરવું, બિયારણની વ્યવસ્થા કરવી, ખાતર લાવવું વગેરે કામ તે પોતે કરતો હોય છે પણ ખેડૂત આત્મહત્યા કરી લે ત્યારે આ જવાબદારી તેની પત્ની પર આવી જાય છે જેને આ વિશે કઈં જ ખબર હોતી નથી અને અમે સતત એ પ્રયાસ કરીએ છીએ કે આવી મહિલાઓને સમજ આપવામાં આવે અને કાબેલ બનાવવામાં આવે જેથી તે પોતાના પતિની અધૂરી જવાબદારીઓનો ભાર ઉઠાવી શકે."

શ્યામ અને તેની ટીમ આવા ખેડૂત પરિવારના બાળકોનો અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવે છે.

શ્યામ વાડેકર જણાવે છે,

"આજે લોકો અમારી સામે આશાભરી નજરે જૂએ છે, તેઓ માને છે કે તેમની દરેક સમસ્યાનું સમાધાન અમારી પાસે છે, છતાં અમે એવા જ લોકોની મદદ કરીએ છીએ જેમને ખરેખર મદદની જરૂર છે."

શરૂઆતમાં આ લોકોએ તેમના કામની શરૂઆત શિક્ષણ અને અભ્યાસથી કરી હતી, પણ ધીમે ધીમે આ લોકોને ખ્યાલ આવ્યો કે તેમની પાસે ઘણા લોકો આશા રાખીને આવે છે અને તેમની મદદ કરવી જોઈએ. આ કારણે જ તેઓ જરૂરિયાતમંદની શક્ય એટલી મદદ કરે છે. આજે તેઓ નાના બાળકોથી માંડીને મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનો ખર્ચ ઉપાડે છે. આજે કર્તવ્ય ફાઉન્ડેશન મહારાષ્ટ્રના જાલના, પરભની, નાંદે, બીડ, ઉસ્માનાબાદ, ઔરંગાબાદ અને અન્ય જિલ્લાઓમાં કામ કરે છે.

બાળકોના અભ્યાસ ઉપરાંત તેમણે સ્ટડી સેન્ટર પણ શરૂ કર્યા છે. ત્યાં આવીને વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી શકે છે. અહીંયા તેમને આ માટેના પુસ્તકો મફત આપવાની સાથે સાથે તૈયારી કેવી રીતે કરવી તેની પણ માહિતી આપવામાં આવે છે. શ્યામ અને તેના મિત્રોની મદદથી આજે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે તેને શ્યામ માત્ર એક જ વાત કહે છે,

"તમે અભ્યાસના બદલે અમને કશું જ ન આપતા પણ એવું કંઈક કામ કરજો જેના કારણે બીજાના ચહેરા પર ખુશી દેખાય."

લેખક- હરિશ

અનુવાદક- એકતા રવિ ભટ્ટ

વધુ હકારાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ, સ્ટાર્ટઅપ્સથી માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.

Related Stories