લખનઉથી ‘ઈનમોબી’ સુધી, એડ ટેક વર્લ્ડના મહારથી ‘મોહિત’

લખનઉથી ‘ઈનમોબી’ સુધી, એડ ટેક વર્લ્ડના મહારથી ‘મોહિત’

Tuesday October 13, 2015,

5 min Read

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં જન્મેલા અને ઉછરેલા મોહિતે 80ના દાયકામાં તેના બાળપણમાં ક્રિકેટ અને લખોટીની રમત ખૂબ જ રમી હતી. મોહિતને પતંગ ચગાવવાનો ખૂબ જ શોખ હતો અને તેમાં તેની માસ્ટરી પણ હતી. તેણે આ માટેની કેટલીક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને વિજેતા પણ થયો હતો. મોહિતના પિતા ઉત્તર પ્રદેશ સરકારના સ્વાસ્થ્ય વિભાગમાં કામ કરતા હતા. નોકરીના કારણે તેમને મોટાભાગે બહારગામ ફરવાનું વધારે થતું હતું. આ કરાણે મોહિતે મોટાભાગનો સમય તેની માતાના સાનિધ્યમાં જ પસાર કર્યો હતો અને તેમના વિચારોએ મોહિતના માનસ પર ઊંડી અસર કરી હતી. મોહિતને બાળપણથી જ એન્જિનિયર બનવાનો શોખ હતો પણ કયા ક્ષેત્રમાં જવું તે વિશે હંમેશા દ્વિધામાં રહેતો હતો.

image


તેણે પોતાના એન્જિનિયરિંગ પ્રત્યેના આકર્ષણને રજૂ કરતો બાળપણનો એક કિસ્સો જણાવ્યો. મોહિતે કહ્યું કે સાઈકલ કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે તેણે આખી સાઈકલ ખોલી નાખી પણ પછી તેને જોડતા ન આવડ્યું. માતાના ડરથી તે તાત્કાલિક સાઈકલના તમામ ભાગ ચાદરમાં પોટલું વાળીને મિકેનિક પાસે લઈ ગયો અને ફરીથી જોડાવી દીધા. સદભાગ્યે તેની માતાને આ વિશે કોઈ માહિતી મળી નહીં.

image


જેઈઈની પરીક્ષા પાસ કર્યા પછી તેને રૂરકી અને બીએચયુ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માટે પસંદ કરવામાં આવ્યો. મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ તથા કમ્પ્યૂટર કે આઈટી જેવા ક્ષેત્રમાં તેને એડમિશન મળ્યું નહીં. તેણે તે સમયે આઈઆઈટી રૂરકીમાં શરૂ થયેલી ધાતુ અને સામગ્રી વિજ્ઞાન એન્જિનિયરિંગ (મેટાલર્ઝિકલ એન્ડ મટિરિયલ સાયન્સ એન્જિનિયરિંગ)માં પ્રવેશ મેળવી લીધો. પહેલું વર્ષ તો સામાન્ય રીતે પસાર થઈ ગયું પણ ધીમે ધીમે પરિવર્તન શરૂ થયું. તેના મોટાભાગના મિત્રો કમ્પ્યૂટર સાયન્સ અને આઈટીમાં હતા તેથી તેમની સાથે જોડાવા મોહિતે બીજા વર્ષમાં વૈકલ્પિક વિષય તરીકે સી++ પસંદ કર્યું. તે ધીમે ધીમે તેમાં સેટ થતો ગયો. આ વિષય પસંદ કરવાનો બીજો લાભ એ હતો કે કમ્પ્યૂટરની લેબ નવા મકાનમાં હતી જેમાં એરકન્ડિશનિંગની પણ સુવિધા હતા. આ કારણે ત્યાં ઉંઘવાની પણ મજા આવે તેમ હતી. એકંદરે એમ કહી શકાય કે મોહિતનો તે નિર્ણય તેના જીવનમાં મોટું પરિવર્તન લાવે તેમ હતો.

એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ મોહિતને તાતા સ્ટિલમાં નોકરી મળી ગઈ. તેણે પોતાના જ પ્રોફેશનલ સેક્ટરમાં જોડાવાને બદલે કમ્પ્યૂટર વિભાગમાં નોકરી સ્વીકારી. બીજી તરફ ત્યાં તમામ કામગીરી ઝડપી અને ચોકસાઈપૂર્વક થાય તે માટે બધું જ ઓટોમેટિક કરવાની યોજના પર કામ ચાલતું હતું. કર્મચારીઓને ભય હતો કે બધું જ ઓટોમેટિક થઈ જશે તો તેમની નોકરી જોખમાશે. અહીંયા નવ મહિનાની નોકરી દરમિયાન મોહિતે ઘણું બધું શીખી લીધું હતું. ત્યારપછી મોહિતે એટીએન્ડટી પેકલેબ્સમાં નોકરી કરી. 1998ની ક્રિસમસની પૂર્વ સંધ્યાએ મોહિત પોતાની પહેલી અમેરિકા યાત્રાએ નીકળી પડ્યો.

એટીએન્ડટી બાદ મોહિતે અમેરિકાના માર્કેટમાં તે સમયે નવો નવો પ્રવેશ કરનારી વર્જિન મોબાઈલ કંપનીમાં જોડાઈ જવાનું યોગ્ય માન્યું. અહીંયા એટીએન્ડટી કરતા વિપરિત સ્થિતિ હતી. અહીંયા સુવિધાઓ ઓછી અને સમસ્યાઓ વધારે હતી. વર્જિન મોબાઈલની અમેરિકાની પ્રારંભિક ટીમ ખૂબ જ નાની હતી અને મોહિત તેના સંચાલનમાં પરોવાયેલો હતો. આ દરમિયાન તેણે સિસ્ટમ સ્કેલિંગમાં પોતાની જાતને પરોવી દીધી. આ દરમિયાન તેને જે અનુભવ મળ્યો તે તેને ઈનમોબીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયો.

2007માં મોહિતની મુલાકાત નવીન તિવારી, અમિત ગુપ્તા અને અભય સિંઘલ સાથે થઈ. તે સમયે આ ત્રિપૂટીએ મોબાઈલ ફોનના વિકસતા માર્કેટમાં એક નવું સાહસ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે એમખોજ નામની એક કંપનીની શરૂઆત કરી. આ દરમિયાન તેમણે એપ્લિકેશન માર્કેટને વધતું જોયું તો જાહેરાતના ક્ષેત્રને પોતાનો મુખ્ય આધાર બનાવી દીધો.

આ દરમિયાન ભારતીય બજારને ટાર્ગેટ કરવા માટે તેમણે મુંબઈનો માર્ગ પસંદ કર્યો. મોહિત જણાવે છે કે, તમે જ્યારે કોઈ બાબત વિશે વિચારવા બેસો છો ત્યારે અન્ય લોકો સુધી તમારા વિચારો પહોંચાડવા ખૂબ જ મુશ્કેલ હોય છે. અમેરિકાથી મુંબઈ આવીને પોતાની ઓફિસ શરૂ કરવા પાછળ મોહિતે માત્ર પંદર જ દિવસ લીધા. ટૂંક સમયમાં જ આ ટીમ બેંગલુરું આવી ગઈ જ્યાં સ્ટાર્ટઅપ્સ માટે પૂરતી તક અને વાતાવરણ હતા.

મોહિતે ઈનમોબી માટે પહેલાં સર્વરનું કોડિંગ કર્યું અને ત્યારથી તે ઉદ્યોગસાહસિકતામાં ટોચના સ્થાને છે. તે જટિલ સંરચનાઓ દ્વારા તૈયાર થતી મોટી બ્લૂ પ્રિન્ટ બનાવવામાં સક્ષમ હતો. તેમ છતાં તે પોતાને એક સામાન્ય વ્યક્તિ જ ગણાવતો હતો. તેણે જણાવ્યું કે, શરૂઆતના સમયમાં પાયાગત બાબતો જ મહત્વની સાબિત થાય છે.

image


ઈનમોબી સાથે જોડાયેલા વિવિધ પદ પર કર્મચારીની નિયુક્તિ કરવાની આવે છે ત્યારે મોહિત કહે છે, “હું દરેકને વ્યક્તિગત રીતે મળું છું. આ માટે આઠથી નવ તબક્કાની અત્યંત કઠિન પ્રક્રિયા રાખવામાં આવી છે.” તે ઘણી વખત મજાક કરતા કહે છે કે આ કંપનીમાં હું સહસ્થાપક ન હોત તો કર્મચારી તરીકે આવવામાં અને તેના આ તબક્કા પસાર કરવાનું મારા માટે મુશ્કેલ સાબિત થઈ ગયું હોત.

વર્તમાન સમયમાં સોફ્ટવેર એન્જિનિયર્સ મેનેજર્સ બની રહ્યા છે તે અંગે મોહિત જણાવે છે, “એમબીએ કરવું ક્યારેય મારી પ્રાથમિકતા રહી નહોતી. હું હંમેશા ટેક્નિકલ બાબતોનો વિકાસ કરવામાં વધારે રસ દાખવતો હતો. મને જ્યારે એમ લાગશે કે એમબીએની મારે જરૂર છે ત્યારે હું તેમને નોકરીએ રાખવા માટે વિચારીશ અને તેના માટે હું સક્ષમ પણ છું. મારી પાસે એવા લોકો છે જે છેલ્લાં બાર વર્ષથી કોડિંગ કરે છે અને આજે પણ તેઓ થાક્યા નથી. મારા મતે એક સારો સોફ્ટવેર એન્જિનિયર કોઈ સેલિબ્રિટી કરતા ઉતરતો નથી. કોડિંગને જે પસંદ કરતો હશે તેવા એન્જિનિયરને હું મારું સર્વસ્વ અર્પણ કરવામાં પણ ખચકાટ નહીં અનુભવું.”

ઈનમોબી ઉપરાંત મોહિત કેન્સર સેવાઓ સાથે પણ જોડાયેલો છે. આ બધું જ 2012માં તે સમયે બન્યું જ્યારે તેને તેની માતાને ચોથા સ્ટેજનું કેન્સર થયાની જાણ થઈ. મારી માતા કહેતી હતી ત્યારે અમે અમારી જાતને સાક્ષર હોવા છતાં અભણ અનુભવી રહ્યા હતા. આ વિશે માહિતી હોવા છતાં હું મારા પરિવારના સભ્યોને નિયમિત મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ શક્યો નહોતો.

મોડે મોડે પણ અમને ખ્યાલ આવી જતા અમે તેનું સચોટ નિદાન કરાવ્યું અને તે બિમારીમાંથી બહાર આવી ગઈ. તે સમય અમારા પરિવાર માટે ખૂબ જ કપરો હતો. હવે મોહિત નિયમિત રીતે લોકોને મદદ કરે છે. આ ઉપરાંત ઈનમોબી કેન્સર હોસ્પિટલ માટે પોતાના સ્તરે ભંડોળ પણ ભેગુ કરી રહ્યો છે.

ભવિષ્યના આયોજનો અંગે મોહિત જણાવે છે કે, તે ઈનમોબીને દુનિયાની સૌથી મોટી ટેકનિકલ કંપની બનાવવા માગે છે અને તેના માટે તે કોઈ તક જતી નહીં કરે.