'લેડી તેંદુલકર' મિતાલી રાજઃ ભારતની સૌથી સફળ મહિલા ક્રિકેટરના સંઘર્ષથી સફળતા સુધીની સફર...

વન-ડે ક્રિકેટમાં 5,000 રન કરનાર મિતાલી ભારતની પ્રથમ અને દુનિયાની બીજી મહિલા ક્રિકેટર છે

0

તે છોકરીના પિતા એરફોર્સમાં અધિકારી હતાં. મિલિટરીના કોઈ પણ પાંખમાં કામ કરતાં ઓફિસરના ઘરમાં શિસ્ત હોય તે સ્વાભાવિક છે. છોકરીની માતા અને તેનો ભાઈ પણ શિસ્તબદ્ધ હતા. પણ છોકરી ઘરમાં બધાથી વિપરીત હતી. આળસ તેની ઓળખ હતી. શાળાએ પહોંચવાનો સમય સાડા આઠનો હતો અને છોકરીને સવારે આઠ વાગે પથારીમાંથી ઊભી કરવા તેની માતાને કાલાવાલા કરવા પડતાં હતાં. પિતા સમજી ગયા કે દિકરી ભણવામાં કશું ઉકાળી શકે તેમ નથી. પણ તેમણે જોયું કે ક્રિકેટની મેચ હોય ત્યારે આખો દિવસ ટીવી સામે બેસી રહેતી હતી. એટલું જ નહીં ભારતીય ટીમ વિદેશમાં પ્રવાસે હોય અને વહેલી સવારે મેચ શરૂ થવાની હોય તો એ દિવસે દિકરી ઘરમાં સૌથી પહેલાં જાગી જતી હતી. એટલે તેના પિતાજીએ દિકરીને ક્રિકેટર બનાવવાનું વિચાર્યું.

તેઓ તેને ક્રિકેટ એકેડેમીમાં લઈ ગયા. અહીં તેનો ભાઈ દરરોજ પ્રેક્ટિસ કરતા હતો. પછી ભાઈની સાથે બહેને પણ ક્રિકેટનું બેટ હાથમાં પકડી પ્રેક્ટિસ શરૂ કરી દીધી. દરરોજ પિતાજી પોતાના સ્કૂટર પર ભાઈ-બહેન બંનેને ક્રિકેટ એકેડમીમાં મૂકવા જતાં હતાં. ભાઈ સચિનની જેમ ક્રિકેટના મેદાન પર બોલરોના છક્કાં છોડાવી દેવા ઇચ્છો હતો, પણ ભાઈ કરતાં બહેન સવાયી સાબિત થઈ. ક્રિકેટને પોતાનું જીવન બનાવી દેનાર આ છોકરીએ પોતાની પ્રતિભા અને મહેનતના બળે નાની વયે ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું, દેશને ઘણી ઐતિહાસિક જીત અપાવી અને મહિલા ક્રિકેટર તરીકે અનેક વિક્રમો પોતાના નામે કર્યા. અત્યારે આ છોકરી 'લેડી તેંદુલકર' તરીકે ઓળખાય છે. વાત છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને સુપરસ્ટાર ક્રિકેટર મિતાલી રાજની. મિતાલી રાજ ભારતની અત્યાર સુધીની સૌથી સફળ મહિલા ક્રિકેટર છે અને તેમની ગણના દુનિયાની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટરમાં થાય છે. તેનો જન્મ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો અને તેનું કુટુંબ મૂળે તમિલનાડુનું દ્રવિડ બ્રાહ્મણ છે.

સંઘર્ષ

જ્યારે મિતાલીએ ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે ભારતમાં સચિન તેંડુલકરનો જાદુ છવાઈ ગયો હતો. દરેક પિતા પોતાના પુત્રને સચિન બનાવવાનું સ્વપ્ન સેવતા હતા, તો દરેક યુવાન સચિનની જેમ રમવાનો પ્રયાસ કરતો હતો. સચિને ભારતીય ક્રિકેટની લોકપ્રિયતાને ટોચ પર પહોંચાડી દીધી હતી. પણ આ ગાળામાં મહિલા ક્રિકેટને નગણ્ય પ્રોત્સાહન મળતું હતું. છોકરી તો બેડમિન્ટન રમે, હોકી રમે, પણ ક્રિકેટ ? જ્યારે મિતાલી ક્રિકેટ મેચ રમવા ટ્રેનમાં સફર કરતી ત્યારે લોકો તેને હોકીની ખેલાડી જ ગણતા હતા.

વળી મિતાલીને છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરવી પડતી હતી. આ સમયે છોકરાઓ તેની સાથે ભેદભાવ રાખતાં હતાં. મિતાલી એ દિવસોને યાદ કરતાં કહે છે, 

"છોકરી છે, ધીમેથી બોલ ફેંકજે. વાગી જશે...આવું વારંવાર મને સાંભળવા મળતું હતું. વળી મને ફિલ્ડિંગમાં નજીક જ ઊભી રાખવામાં આવતી હતી." 

આ તમામ વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે મિતાલીએ હતાશ થઈને ક્રિકેટર બનવાનું સ્વપ્ન છોડી દીધું નહીં, પણ તમામ પ્રતિકૂળ સંજોગોમાંથી માર્ગ કાઢ્યો.

વિક્રમી શરૂઆત

મિતાલી ફક્ત 14 વર્ષની હતી, ત્યારે તેને ભારતીય મહિલા ટીમ માટે 'સ્ટેન્ડબાય ખિલાડી' તરીકે સ્થાન મળ્યું હતું. ધીમે ધીમે ભારતીય પસંદગીકારોને પોતાની પ્રતિભાથી પરિચિત કરાવ્યાં અને 16 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 26 જૂન, 1999નો દિવસ મિતાલીના જીવન માટે યાદગાર છે. એ જ દિવસે મિતાલીએ મિલ્ટન કિનેસના કેમ્પબેલ પાર્કમાં આયર્લેન્ડ સામે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી હતી. ભારત તરફથી રેશમા ગાંધી સાથે તે ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરી હતી અને પહેલી જ મેચમાં સદી મારવાનો રેકોર્ડ કર્યો હતો. તેણે અણનમ 114 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમનો 161 રનથી વિજય થયો હતો. ભારતીય મહિલા ટીમને આ મેચમાં એક સ્ટાર ખેલાડી મળી હતી. પછી મિતાલીએ પાછું વળીને જોયું નથી. આગળ જઈને મિતાલી મહિલા વન-ડે ક્રિકેટ ફોર્મેટમાં 5,000 રન કરનાર ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર બની. વળી અત્યાર સુધી આવી સિદ્ધિ મિતાલી અગાઉ દુનિયાની ફક્ત એક જ મહિલા ક્રિકેટર ઇંગ્લેન્ડની શેર્લોટ એડવર્ડે મેળવી હતી. મિતાલીએ અત્યાર સુધી 164 વન-ડે મેચ રમીને 49.54 રનની સરેરાશ, 5 સદી અને 40 અર્ધસદી સાથે કુલ 5301 રન બનાવ્યાં છે.

મિતાલીએ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ વર્ષ 2002માં કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં તેની શરૂઆત નિરાશાજનક રહી હતી. લખનૌમાં 14થી 17 જાન્યુઆરી વચ્ચે રમાયેલી આ ટેસ્ટ મેચમાં મિતાલી પહેલાં જ દાવમાં શૂન્ય પર આઉટ થઈ ગઈ હતી. પણ આગળ જઈને તે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી. મિતાલીએ અત્યાર સુધી 10 ટેસ્ટ મેચ રમીને 51 રનની સરેરાશ, 1 સદી અને 4 અર્ધસદી સાથે કુલ 663 રન બનાવ્યાં છે.

પિતા પ્રેરક, માતા સંકટમોચક

મિતાલી પોતાની સફળતાનો શ્રેય પિતા દોરઈ રાજને આપે છે. તેમના કહેવા મુજબ, તેમના પિતા સચિનની જેમ મિતાલી પણ નાની ઉંમરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવે તેવું ઇચ્છતાં હતાં. દોરાઈ રાજે પોતાની પુત્રીને ક્રિકેટર બનાવવા ઘણી મહેનત કરી હતી. મિતાલી કહે છે કે,

"પિતાના કારણે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. જ્યારે હું સારો સ્કોર કરતી હતી ત્યારે મારા પિતા મને ફોન કરીને અભિનંદન આપતાં અને વધુ સારું રમવા પ્રેરિત કરતા હતા."

મિતાલી માટે પિતા પ્રેરક છે, તો માતા સંકટમોચક છે. મિતાલીની માતાને ક્રિકેટમાં બહુ ટપ્પી પડતી નથી એટલે કે સમજણ પડતી નથી. પણ માતાનું શાણપણ મિતાલીને ઘણી વખત ઉપયોગી બન્યું છે. મિતાલી જીવનના મોટા નિર્ણયો લેવા માતાની સલાહ જ લે છે. મિતાલી કહે છે કે,

"જ્યારે હું હતાશા કે નિરાશા અનુભવું છું, ત્યારે મારી મમ્મીને જ ફોન કરું છું. ભણતર અને શાણપણ બંને તેનામાં છે."

ટીકાકારો હોવા જરૂરી

જ્યારે વર્ષ 2013માં મિતાલીના નેતૃત્વમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 'સુપર સિક્સ' માટે ક્વોલીફાઈ કરી શકી નહોતી, ત્યારે મિતાલાની પિતા દોરઈ રાજ અતિ નારાજ થયા હતા. તેમણે મિતાલી પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવાની માંગણી કરી હતી. કેટલાંક ટીકાકારોએ તો મિતાલીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની સલાહ આપી દીધી હતી. મિતાલીનું કહેવું છે, 

"એક મોટી ખેલાડીની આસપાસ ટીકાકારો હોવા જરૂરી છે. ટીકાકારો ન હોય તો ખેલાડી બેદરકાર થઈ જાય છે. જોકે વિના કારણે ટીકા કરનાર લોકો પણ હોય છે. તમે દરેકને ખુશ કરી શકતા નથી."

સફળતાના સૂત્રો

મિતાલીની દ્રષ્ટિએ સફળતા મેળવવા ધૈર્ય, ખંત, સાતત્યતા અને આત્મવિશ્વાસ સૌથી મહત્ત્વપૂર્ણ ગુણો છે. તેઓ કહે છે,

"કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કર્યા વિના સફળતા મળતી નથી. સફળતા મેળવવા તમારે પ્રાથમિકતા નક્કી કરવી પડે છે. ઘણાં લોકો પોતાની પ્રાથમિકતા નક્કી કરી શકતા નથી. તમારે પ્રાથમિકતા નક્કી કરીને લક્ષ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. "
સચિન તેંદુલકર સાથે સરખામણી પર

મિતાલી રાજને ‘લેડી તેંદુલકર’ કહેવાય છે. સચિન તેંડુલકર સાથે સરખામણી થવાથી મિતાલી ખુશ થાય છે. તેઓ કહે છે, 

"ક્રિકેટમાં તેંદુલકરનું યોગદાન બહુ મોટું છે. તેઓ મહાન ખેલાડી છે. આવા મહાન ખેલાડી સાથે સરખામણી થવાથી મને આનંદ થાય છે. પણ લોકો મને મારા નામથી ઓળખે અને મારી સિદ્ધિઓને જાણે તેવું હું ઇચ્છું છું."

સૌથી મનપસંદ પુરુષ અને મહિલા ક્રિકેટર

મિતાલીના સૌથી મનપસંદ પુરુષ ક્રિકેટર સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડ છે, તો મનપસંદ મહિલા ક્રિકેટર નીલુ ડેવિડ છે. નીલુ ડેવિડ લેફ્ટ આર્મ સ્પિનર છે અને ભારત માટે ઘણાં વર્ષ ક્રિકેટ રમ્યાં છે.

સૌથી મોટું સ્વપ્ન

મિતાલાના જીવનનું સૌથી મોટું સ્વપ્ન ભારતીય મહિલા ટીમને વર્લ્ડ કપ જીતાડવાનું છે.

સૌથી મોટી ખુશી

ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં વિજય મેળવવો. મિતાલીના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડની મજબૂત મહિલા ટીમને પરાજય આપ્યો હતો, જેને તે પોતાની કેપ્ટનશિપમાં સૌથી મોટી સફળતા ગણે છે. મિતાલી જણાવે છે કે તે કેપ્ટન હતી અને તેમની ટીમમાં 11માંથી 8 ખેલાડી હતા, જે પહેલી વખત ટેસ્ટ મેચ રમતા હતા. ઇંગ્લેન્ડની ટીમ મજબૂત હતી અને ઓસ્ટ્રેલિયાને હરાવીને એશિઝ સીરિઝ પર કબ્જો જમાવી દીધો હતો. પણ અમે ઇંગ્લેન્ડને હરાવી મોટી સફળતા હાંસલ કરી હતી.

જો ક્રિકેટર ન હોત તો...

બહુ ઓછા લોકો જાણે છે કે મિતાલીએ ક્રિકેટનું બેટ પકડ્યું તે અગાઉ ભરતનાટ્યમ શીખતી હતી. તે ક્લાસિકલ ડાન્સર બનવા ઇચ્છતી હતી. તેણે નાની ઉંમરે જ સ્ટેજ પર ડાન્સ-પરફોર્મન્સ આપવાનું શરૂ કર્યું હતું. પણ ક્રિકેટના રંગ રંગાયા પછી નૃત્યનું આકર્ષણ ધીમે ધીમે ઓછું થઈ ગયું. એક દિવસ તેમની ગુરુએ ક્રિકેટ કે ભરતનાટ્યમ –બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું હતું. ત્યારે મિતાલીએ ભરતનાટયમને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો. પણ મિતાલી આજે પણ કહે છે કે જો તે ક્રિકેટર ન હોત તો ભરતનાટ્યમની ક્લાસિકલ ડાન્સર હોત.

મહિલા ક્રિકેટમાં રાજકારણ

મિતાલી નિર્ભિકપણે કહે છે કે ભારતીય મહિલા ક્રિકેટમાં પણ રાજકારણ ચાલે છે. જે રીતે અન્ય ક્ષેત્રોમાં રાજકારણ રમાય છે તે જ રીતે મહિલા ક્રિકેટમાં રાજકારણ રમાય છે. મીડિયા મહિલા ક્રિકેટમાં વધુ રસ લેતું નથી એટલે તેની માહિતી બહાર આવતી નથી. મિતાલીએ ચોંકાવી દેનાર ખુલાસો પણ કર્યો છે કે ગંદા રાજકારણને લીધે ઘણી સારી મહિલા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી. મિતાલીના જણાવ્યા મુજબ, જે ખેલાડી માનસિક રીતે મજબૂત હોય છે, તે રાજકારણનો શિકાર થતા નથી, પણ જેઓ નબળાં હોય છે તેઓ તેનો શિકાર થઈ જાય છે. તે સલાહ આપે છે કે દરેક વ્યક્તિએ ખાસ કરીને ખેલાડીઓએ માનસિક રીતે પોતાને સક્ષમ બનાવવા જોઈએ, જેથી રાજકારણની તેમના પર કોઈ અસર ન થાય.

સફળતા એટલે

મિતાલીની નજરે આકરાં સંજોગોમાં સ્થિર અને શાંત રહીને લક્ષ્ય હાંસલ કરવામાં જ સફળતા છે. ખેલાડી તરીકે તેનું માનવું છે કે મુશ્કેલ સંજોગોમાં ટીમને ઉગારવી જ સફળતા છે. તેઓ કહે છે,

"કેપ્ટન તરીકે મારું પ્રદર્શન ખરાબ હોય અને ત્યારે હું મારા અન્ય ખેલાડીઓને પ્રોત્સાહન કરીને સારું પ્રદર્શન કરાવી શકું છું. આ જ કેપ્ટન તરીકે મારી સૌથી મોટી સફળતા છે."

અત્યાર સુધીની સૌથી મોટી સફળતા

'સાતત્યતા' જ મારી સૌથી મોટી સફળતા છે. મિતાલીએ વન-ફોર્મેટમાં 49 રનની સરેરાશથી 5,000થી વધારે બનાવ્યાં છે એ 'સાતત્યતા'નું જ પરિણામ છે.

નિરાશાજનક દિવસ

વન-ડે અને ટી-20 ફોર્મેટમાં સારી ટીમ હોવા છતાં વિશ્વકપમાંથી ફેંકાઈ જવાનો દિવસ સૌથી ખરાબ દિવસ હતો.

સૌથી ખરાબ સમય

મિતાલીના કહેવા મુજબ, તે 2007માં સતત 7 ઇનિંગ્સમાં નિષ્ફળ રહી હતી અને 30 રન પણ કરી શકી નહોતી. આ સમયે તે બહુ નિરાશ થઈ હતી. આવો જ ગાળો 2012માં આવ્યો હતો અને તે ઓસ્ટ્રેલિયા સામે સતત 5 ઇનિંગ્સમાં નિષ્ફળ રહી હતી.

નિરાશામાં ધૈર્ય

મિતાલી માને છે કે નકારાત્મકતા દરેક જગ્યાએ હોય છે. દરેક સ્થિતિમાં ધૈર્ય અને શાંતિ જાળવવી જરૂરી છે. મિતાલીના કહેવા મુજબ, તે ધૈર્ય અને શાંતિ રાખવા શક્ય તમામ પ્રયાસ કરે છે અને એટલે નિરાશા દૂર થાય છે.

જીવનનો સૌથી મોટો ડર

મિતાલીને સૌથી મોટો ડર એ છે કે તે લાપરવાહ કે બેદરકાર ન થઈ જાય, કારણ કે તેનાથી તે સાતત્યતા ગુમાવશે. એક અન્ય ડર છે કે ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ, ઝનૂન ખતમ ન થઈ જાય. આ ડર ભગાવવા મિતાલી એક જુદી રીત અપનાવે છે. જ્યારે ક્રિકેટની સિઝન હોતી નથી, ત્યારે તે ક્રિકેટના બેટનો સ્પર્શ કરતી નથી. આ રીતે તે કેટલા સમય સુધી બેટથી દૂર રહી શકે છે એ જુએ છે. પણ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ એવો છે કે તે લાંબો સમય મેદાનથી દૂર રહી શકતી નથી.

મિતાલી વિશે અન્ય કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારીઓ

મિતાલી રાજનો જન્મ 3 ડિસેમ્બર, 1982ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો.

કુટુંબે હૈદરાબાદ સ્થળાંતર કરતાં મિતાલી હૈદરાબાદમાં મોટી થઈ.

પિતા અગાઉ એરફોર્મમાં અધિકારી હતા, પછી બેંક અધિકારી બન્યાં.

મિતાલીની કારકિર્દી માટે માતાએ નોકરી છોડી દીધી અને ઘરપરિવારની જવાબદારી સંભાળી.

બાળપણથી જ મિતાલી પોતાના ભાઈ અને બીજા છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરતી હતી.

મિતાલીએ 14 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં 'સ્ટેન્ડબાય' ખેલાડી તરીકે પ્રવેશ મેળવ્યો હતો.

16 વર્ષની વયે મિતાલીએ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. 26 જૂન, 1999ના રોજ મિલ્ટન કિનેસના કેમ્પબેલ પાર્કમાં આયર્લેન્ડ સામેની મેચમાં મિતાલી રાજે રેશમા ગાંધી સાથે દાવની શરૂઆત કરી હતી. આ મેચમાં મિતાલીએ અણનમ 114 રન બનાવ્યા હતા. રેશમાએ પણ 104 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ભારતીય ટીમે આ મેચ 161 રનથી જીતી ગઈ હતી.

મિતાલી મહિલા ક્રિકેટમાં વન-ડે ફોર્મેટમાં 5000 રન બનાવનાર પ્રથમ ભારતીય મહિલા છે. અત્યાર સુધી વન-ડે ક્રિકેટમાં 5000 રન ફક્ત બે જ મહિલા ક્રિકેટરે બનાવ્યાં છે. મિતાલી અગાઉ સીએમ એડવર્ડ્સે આવી સિદ્ધિ મેળવી હતી.

મિતાલી પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 2002માં રમી હતી. 14થી 17 જાન્યુઆરી વચ્ચે લખનૌમાં રમાયેલી મેચમાં મિતાલી શૂન્ય પર આઉટ થઈ ગઈ હતી. પણ આગળ જઈને મહિલા ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બની.

2010, 2011 અને 2012 એટલે સતત ત્રણ વર્ષ મિતાલીએ આઈસીસી વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

મિતાલીએ કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કરીને ભારતને ઘણી મેચમાં ઐતિહાસિક વિજય અપાવ્યો છે.

મિતાલી ભારતની સફળ બેટ્સમેન હોવાની સાથે સફળ કેપ્ટન પણ છે.

મિતાલીએ ટેસ્ટ, વન-ડે અને ટી-20 એટલે કે ત્રણે ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરી છે.

ભારત સરકારે મિતાલીની તેમની સફળતા અને ક્રિકેટમાં યોગદાન માટે "અર્જુન પુરસ્કાર" અને "પહ્મશ્રી" એનાયત કર્યો છે.

મિતાલી મહિલાઓની તાકાતની પ્રતિક છે અને તેમની સફળતાની ગાથા અનેક યુવતીઓ માટે પ્રેરણારૂપ છે.

અત્યાર સુધીના આંકડા પર એક નજર

(3 મે, 2016 સુધી)

મિતાલી 164 વન-ડે મેચ રમી છે. તેમાં 149 ઇનિંગ્સમાં 49 રનની સરેરાશથી 5301 રન બનાવ્યાં છે.

તે 42 વખત અણનમ રહી છે, જે વિશ્વવિક્રમ છે. મિતાલીએ વન-ડે ફોર્મેટમાં 5 સદી ફટકારી છે.

મિતાલી 51 ટી-20 મેચ રમી છે અને 34.6 રનની સરેરાશથી 1488 રન બનાવ્યાં છે.

મિતાલી 10 ટેસ્ટ મેચ રમી છે અને 51 રનની સરેરાશથી 16 દાવમાં 663 રન બનાવ્યાં છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 214 છે.

લેખક- અરવિદ યાદવ, મેનેજિંગ એડિટર, યોરસ્ટોરી ઇન્ડિયન લેન્ગવેજીસ


વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

સંઘર્ષની સુંદર ગઝલનું નામ છે રણજીત રજવાડા

બાળપણમાં માતા સાથે રસ્તા પર બંગડીઓ વેચનાર કેવી રીતે બન્યા IAS ઓફિસર...

એક રેસ્ટોરાંમાં કચરા-પોતા કરનારે બનાવ્યું સરવણા ભવન, આજે છે 80 રેસ્ટોરાંના માલિક

Dr Arvind Yadav is Managing Editor (Indian Languages) in YourStory. He is a prolific writer and television editor. He is an avid traveler and also a crusader for freedom of press. In last 19 years he has travelled across India and covered important political and social activities. From 1999 to 2014 he has covered all assembly and Parliamentary elections in South India. Apart from double Masters Degree he did his doctorate in Modern Hindi criticism. He is also armed with PG Diploma in Media Laws and Psychological Counseling . Dr Yadav has work experience from AajTak/Headlines Today, IBN 7 to TV9 news network. He was instrumental in establishing India’s first end to end HD news channel – Sakshi TV.

Related Stories

Stories by ARVIND YADAV