'સાબરમતી પ્રેરણા યાત્રા' થકી યુવાનો કરશે વિવિધ સામાજિક પ્રોજેક્ટ્સની શરૂઆત 

2

આપણા દેશમાં એવાં કેટલાંયે હીરોઝ હશે કે જેઓ તેમની રોજબરોજની દુનિયામાં સફળતાના નવા મુકામો હાંસલ કરે છે. બધાથી અલગ કંઇક એવા હટકે કામ કરે છે કે જેનાથી આપણને સૌને પ્રેરણા મળે. બસ, આપણા દેશના એ ગ્રામીણ હીરોઝના એ કામ, સફળતા, સિદ્ધિઓ આપણા સુધી પહોંચે તેવા પૂરતા માધ્યમો આપણી પાસે નથી. પણ નીતિન ટેલર કે ગામે ગામ વસતા લોકોની અપાર સિદ્ધિઓને દુનિયા સમક્ષ લાવ્યા છે. અને તેની એક અનોખી પહેલ કે જે સમાજમાં ખુશી ફેલાવવાના ધ્યેય સાથે તો કામ કરે જ છે પણ સાથે સાથે ગ્રામીણ ગુજરાતના 'અનસંગ હીરોઝ' (જેમની ખ્યાતિ આપણા સુધી નથી પહોંચી તેવા ગ્રામીણ હીરોઝ)ને સમગ્ર દેશ-દુનિયાથી વાકેક કરાવે છે.

ગુજરાતના ભરૂચમાં નર્મદા નદીને કિનારે જન્મેલા અને ઉછરેલા નીતિન ટેલર 'સર્વ હેપ્પીનેસ ફાઉન્ડેશન'ના CEO અને ફાઉન્ડર છે. જેમ તેમની સંસ્થાનું નામ છે તે રીતે સમાજમાં હેપ્પીનેસ તો તે ફેલાવે છે. પરંતુ એક એવી વાત જે તેમણે અન્ય સોશિયલ આન્ત્રપ્રેન્યોર્સથી અલગ પાડે છે એ છે કે તે ગ્રામીણ લોકો અને શહેરના લોકો વચ્ચે એક મહત્ત્વપૂર્ણ કડી બને છે. તેઓ ભરૂચ અને નર્મદા જીલ્લાના ખૂબ ઓછા જાણીતાં પણ કુદરતની નજીક હોય તેવા સ્થળોની મુલાકાત તો કરાવે છે પણ તેની પાછળનો આશય હોય છે વિવિધ સંસ્કૃતિનું આદાન-પ્રદાન અને સાથે જ ગ્રામીણ લોકોની સિદ્ધિઓને ગામની બહાર શહેર અને દેશ-દુનિયા સુધી લઇ જવાનો આશય.

યુવાનોને પ્રેરણા પૂરી પાડવા તેમજ ગુજરાતના ભરૂચ-નર્મદા જિલ્લાઓને પ્રમોટ કરવાના આશયથી 2014માં નર્મદા પ્રેરણા યાત્રાની શરૂઆત કરવામાં આવી. જેમાં અત્યાર સુધીમાં યોજાયેલી 4 યાત્રાઓમાં દેશના 15 રાજ્યોમાંથી ગ્રામ્ય તેમજ શહેરી 100 જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. વર્ષ 2015માં જ્યારે ડૉ. APJ અબ્દુલ કલામ ગુજરાત આવ્યા ત્યારે તેમને આ પ્રેરણા યાત્રાની જાણ થતા ઘણી ખુશી વ્યક્ત કરી હતી અને યાત્રાની ગ્રામીણ એડીશનનું લોન્ચિંગ તેમની સિગ્નેચર દ્વારા કરવામાં આવ્યું. 

આ અંગે ટેલર જણાવે છે,

"'સર્વ હેપ્પીનેસ ફાઉન્ડેશન'ની 'નર્મદા પ્રેરણા યાત્રા' દ્વારા અમે એવા પ્રયાસો હાથ ધરીએ છીએ જેનાથી યુવાનોને નાના પાયેથી ધંધો કરવાની પ્રેરણા મળે. યાત્રામાં ભાગ લેનાર ચેન્જમેકર્સ પોતપોતાના ગામમાં ડેરી ટેકનોલોજી, ખેતી, ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં પોતાના બિઝનેસની શરૂઆત કરે તેવા પ્રયાસો કરીએ છીએ. અમને એ વાતનો ગર્વ છે કે અમારી આ પહેલ માટે ગુજરાત સરકારના 'સેન્ટર ફોર આંત્રપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ (CED) સાથે જોડાયેલા છીએ અને તેમની સાથે રહીને ભરૂચ-નર્મદા જીલ્લાના લોકોમાં ઉદ્યોગસાહસિકતાને લગતી પ્રવૃત્તિઓ વધે તે પ્રકારે કામ કરીએ છીએ."

નર્મદા પ્રેરણા યાત્રાની સફળતા પછી નીતિન ટેલરે આ યાત્રાનું ગુજરાતના બીજા સ્થળોએ આયોજન કરવાનું નક્કી કર્યું. જેના ભાગરૂપે તારીખ 28 થી 31 જુલાઇ દરમિયાન અમદાવાદ ખાતે સાબરમતી પ્રેરણા યાત્રાનું આયોજન કરાયું. જેમાં મહારાષ્ટ્ર, આસામ અને ગુજરાતમાંથી 9 યુવાનો યુવતીઓ જોડાયા. આ યાત્રાની શરૂઆત સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમથી કરવામાં આવી. જેનું ઉદઘાટન પદ્મશ્રી ઈશ્વરદાદાના પુત્ર અને સફાઈ વિદ્યાલય સંસ્થાના ટ્રસ્ટી જયેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું. 4 દિવસ દરમિયાન સાબરમતી વિસ્તારમાં આવેલી સામાજીક સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી ત્યાં થતી કામગીરી સમજવામાં આવી હતી. જેમાં સફાઈ વિદ્યાલય, માનવ સાધના, ગાંધી આશ્રમ, ગ્રામશ્રી ટ્રસ્ટ, કલમખુશ, માનવ સાધના કમ્યૂનિટી સેંટર ,સુઘદ ગામ સ્થિત પર્યાવરણ સફાઈ સંસ્થા ( ESI ) વિશેષ હતા.

આ યાત્રા દરમિયાન ગુજરાત અને દેશના આદર્શ ગામ એવા સાબરકાંઠા જીલ્લાના પૂંસરી ગામની પણ મુલાકાત લેવામાં આવી. ઘણી યુવા વયમાં બનેલા ગામના સરપંચ હિમાંશુભાઇ પટેલે ગામની મુલાકાત કરાવી, ત્યાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ સુવિધાઓ અંગે માહિતી પણ આપી.

યાત્રા દરમિયાન લીલાપુર ગામની પણ મુલાકાત લેવામાં આવી. અને ત્યા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ઍ પી જે અબ્દુલ કલામની યાદમાં ચાલુ કરવામાં આવેલ કલામ લાઇબ્રરીની રૂરલ મોબાઇલ લાઇબ્રરીનું ઉદઘાટન કરવામા આવ્યું. આ લાઇબ્રરીનો મુખ્ય ઉદેશ્ય દેશના ગ્રામ્ય વિસ્તારના દરેક બાળક સુધી પુસ્તકો પહોંચાડવાનો છે.

યાત્રા દરમિયાન વાત્રક નદીના કિનારે આવેલ થતી મધુ તુલસીની ખેતી અંગે સમાજ લેવા રાજ શાહની મુલાકાત લેવામાં આવી. તેમણે મુંબઇમાં સારા પગારની નોકરી છોડી પોતાના વતન આવી, સ્થાનિક યુવાનોની મદદથી સ્ટિવિયાની ખેતી કરી એમાંથી સ્વાસ્થયને મદદરૂપ થાય વિવિધ પ્રોડ્કટસ બનાવી છે.

યાત્રાનું સમાપન સુઘડ ગામ સ્થિત પર્યાવરણ સફાઈ સંસ્થા (ESI ) ખાતે કરવામા આવ્યું. યાત્રામાંથી પ્રેરણા લઈ જોડાયેલ યુવા આ યાત્રા પછી વિવિધ સામાજીક પ્રૉજેક્ટ્સ ચાલુ કરશે.

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories