દિલ્હીના રસ્તા પર ચા બનાવનાર છે 24 પુસ્તકોના લેખક!

0

જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પણ લક્ષ્મણ રાવે લખવાની આદતને ક્યારેય છોડી નહીં. દિલ્હીના હિન્દી ભવનની બહાર જ ચા બનાવનાર લક્ષ્મણ રાવે હિન્દીમાં 24 પુસ્તકો લખ્યા છે, તેઓ જાતે જ આ પુસ્તકો પ્રકાશિત કરે છે અને સાઇકલ દ્વારા લોકો સુધી પહોંચાડે છે!

સામાન્ય રીતે વ્યક્તિનો પરિચય તેના કામથી થતો હોય છે, પરંતુ એવું જરૂરી નથી કે વ્યક્તિ જે કાર્ય કરતો હોય તે જ તેનો પરિચય હોય. આવી જ કંઇક અલગ પ્રકારની ઓળખ લક્ષ્મણ રાવની પણ છે. તેઓ પોતાના પરિવારના પેટ માટે દિલ્હીના એક રસ્તાના કિનારા પર ચા બનાવીને લોકોને પીવડાવે છે, પરંતુ તેમની મૂળ ઓળખ તો 'લેખક' તરીકે છે. લક્ષ્મણ રાવ અત્યાર સુધી 24 પુસ્તકો લખી ચૂક્યા છે. જેમાંથી 12 પુસ્તકો પ્રકાશિત પણ થઇ ગયા છે અને બાકીના પ્રકાશિત થવાની પ્રક્રિયામાં છે. તેમના લખેલા ઉપન્યાસ ‘રામદાસ’ માટે તેમને દિલ્હી સરકાર દ્વારા ઇન્દ્રપ્રસ્થ સાહિત્ય ભારતી પુરસ્કાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે. જ્યારે પણ સમય મળે છે ત્યારે 62 વર્ષના લક્ષ્મણ રાવ કંઇકને કંઇક લખવાની શરૂઆત કરી દે છે અને લેખન યુવાઅવસ્થાથી જ તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. તેમનું પ્રથમ પુસ્તક વર્ષ 1979માં પ્રકાશિત થયું હતું. તેમને ઓળખનાર દરેક વ્યક્તિ તેમને ‘લેખકજી’ કહીને જ ઉદ્દેશે છે. લોકોના મુખેથી આ શબ્દ સાંભળીને જ લક્ષ્મણ રાવની છાતી ફૂલી જાય છે.

એક ઓળખ કામથી, એક ઓળખ શોખથી!

વધુ પડતા લોકોની નજરમાં લક્ષ્મણ ચાની કિટલી ચલાવનાર એક સામાન્ય વ્યક્તિ છે. જે ફૂટપાથ પર પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. લેખનનું કામ એ લક્ષ્મણનું જુનૂન તો છે જ, પરંતુ પોતાના પરિવારના પેટ ભરવા માટે તેમનુ આ કામ પૂરતું નથી. આ માટે તેઓ રસ્તા પર માત્ર એક રૂપિયામાં એક કપ ચા વેચે છે. તેઓ છેલ્લા 25 વર્ષોથી ચા બનાવીને વેચવાનું કામ કરે છે, ચા બનાવવાના કામ પહેલા તેઓ એક વાસણ ઘસનાર, મજૂરી અને ઘરના નોકર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

જીવનના કપરા દિવસોમાં પણ લક્ષ્મણે પોતાના અંદરના લેખકના જુનૂનને ક્યારે પણ મરવા નથી દીધો. વાસ્તવમાં તેમનું જીવન દેશના કલાકારોનો એક અરીસો રજૂ કરે છે. રાવની ગરીબી અને એકલતાની વાત હકીકતમાં આપણાં દેશના કલાકારોની સ્થિતિ દર્શાવે છે. આ ઉપરાંત અંગ્રેજીમાં લખનાર અમીર અને પ્રસિદ્ધ લેખકો અને હિન્દી કે અન્ય પ્રાદેશિક ભાષાના લેખકો વચ્ચેના અંતરને દુનિયાની સામે મૂકે છે.

પોતાના પુસ્તકો પોતે જ વાંચકો સુધી લઇ જાય છે!

મહત્વની વાત તો એ છે કે લક્ષ્મણ દ્વારા લખાયેલા પુસ્તકો જ્યારે લોકો વાંચે છે ત્યારે તેમને ઘણો સંતોષ થાય છે. પોતાના દ્વારા લખાયેલા પુસ્તકો લોકો સુધી પહોંચે તે માટે લક્ષ્મણ રાવ પોતે રોજ પોતાની સાઇકલ પર એક છેડેથી બીજા છેડા પર આવેલી શૈક્ષણિક સંસ્થાઓ અને પુસ્તકાલય સુધી થાક્યા વગર પહોંચી જાય છે. તેમની પાસેથી પુસ્તકો ખરીદતા વધુ પડતા લોકોમાંથી ભાગ્યે જ કોઇને એ વાતની ખબર હશે કે આ પુસ્તકોનો લેખક લક્ષ્મ રાવ પોતે જ છે.

લક્ષ્મણ કહે છે, 

"મને જોઇને કોઇ પણ એમ ના કહી શકે કે હું પુસ્તકો લખું છું. મારી ભંગાર જેવી સાઇકલ, ફાટેલા ધૂળવાળા કપડાં અને થેલાને જોઇને લોકો મને પણ પુસ્તકોનો ફેરિયાવાળો જ સમજે છે. જ્યાં સુધી મને કોઇ પુસ્તકોના લેખક અંગે ના પૂછે ત્યાં સુધી હું પણ તેમને જણાવતો નથી કે આ પુસ્તક મેં પોતે લખી છે."

જ્યારે કોઇ ઉત્સુક વાંચકને તેમની સાચી ઓળખાણ વિશે ખબર પડે તો તે વાંચક આશ્ચર્ય પામે છે અને તેમને ખુરશીમાં બેસાડી ચા ચોક્કસ પીવડાવે છે.

પોતાના પુસ્તકોને પ્રકાશિત કરવાનો ખર્ચ પણ જાતે કરે છે! 

વ્યક્તિને આગળ વધવા માટે એક ઝટકાની જરૂરિયાત હોય છે. તેવી જ રીતે લક્ષ્મણ રાવને પણ એક ઝટકો લાગ્યો હતો. જ્યારે તેમના દ્વારા લખાયેલ એક પુસ્તક 'પાડુલિપી'ને એક પ્રકાશકે ઉપરછલ્લી નજર કરીને તેમની રીજેક્ટ કરી દીધું અને તેમનું ખૂબ જ અપમાન કરીને તેમને ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યા હતા, ત્યારે તેમને બહુ મોટો આઘાત લાગ્યો હતો. તે પ્રકાશક ઉપરાંત તેમણે અનેક સાહિત્ય સમાજના ઠેકેદારોના પણ દરવાજા ખખડાવ્યા પરંતુ લોકો તેમના પહેરવેશ પર ધ્યાન આપીને તેમનું અપમાન કરી દેતા. લક્ષ્મણે હાર માન્યા વગર તે જ ક્ષણે જ નક્કી કરી લીધું કે તેઓ પોતાના પુસ્તક પોતાની જાતે જ પ્રકાશિત કરશે. તેઓ પોતના પુસ્તકની 1000 કોપી છપાવે છે. જેના માટે તેમને 25 હજારની આસપાસ ખર્ચ આવે છે.

લક્ષ્મણ રાવ જણાવે છે,

"મને મારા એક પુસ્તકના વેચાણમાંથી જે નફો થાય છે તે નફો હું બીજું પુસ્તક પ્રકાશિત કરવામાં ખર્ચું છું." 

પરંતુ પ્રકાશિત કરવાના કામમાં લક્ષ્મણ ઘણા ગંભીર છે. તે આવનાર સમયમાં પોતાના 13 નવા પુસ્તકોને પ્રકાશિત કરવાની મક્કમતા ધરાવે છે. ISBN પ્રાપ્ત કરવા ઉપરાંત તેમણે ‘ભારતીય સાહિત્ય કલા પ્રકાશન’ના નામે એક પ્રકાશનગૃહઈ નોંધણી પણ કરાવી છે.

સમાજમાં લોકો લેખક તરીકે તેમનો સ્વીકાર કરે તે માટે લક્ષ્મણ રાવે ગ્રેજ્યુએશન કરવાનું પણ વિચાર્યું અને ઘરે બેસીને શિક્ષણ પ્રાપ્ત કર્યું. તે સમયે તેઓ દિવસે મજૂરી કરતા અને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના સહારે તેઓ ભણતા હતાં. અંતે 42 વર્ષની ઉંમરે તેઓ ગ્રેજ્યુએશન કરવામાં સફળ રહ્યાં. પરંતુ લોકોને તેમની બી.એ.ની ડિગ્રીમાં કોઇ રસ ના હતો. લક્ષ્મણ જણાવે છે, 

"જ્યારે લોકોને ખબર પડે કે રસ્તા પર ચા વેચનાર વ્યક્તિ પુસ્તકો વાંચી અને લખી શકે છે ત્યારે લોકોને વિશ્વાસ જ નહોતો આવતો. તેઓ કહેતા હતા કે તમે એક લેખક છો તો પછી રસ્તા પર કેમ બેસો છો!"

'હિન્દી ભવન'ની બહાર જ ચા બનાવે છે લક્ષ્મણ રાવ!

સૌથી મહત્વની વાત તો એ છે કે હિન્દી ભાષામાં 20 પુસ્તકોના લેખક લક્ષ્મણ રાવ ભારતમાં હિન્દી સાહિત્યના સૌથી મોટા ભંડાર હિન્દી ભવનની બહાર રસ્તાના કિનારે ચા વેચી રહ્યાં છે. લોકોની દ્રષ્ટિએ તેઓ લગભગ એક અછૂત લેખક છે, જેને હિન્દી ભવનનો એક વિશિષ્ટ આરક્ષિત વર્ગ સ્વીકારવા તૈયાર નથી, જોકે તેઓ પણ આ વાતાવરણનો હિસ્સો બનવા માગતા નથી.

લક્ષ્મણ વિષ્ણુ દિગંબર માર્ગથી પોતાના બિસ્તરા સાથે દિલ્હીના બીજા છેડા પર આવેલ રોહીણી અને વસંતકુંજ સ્કૂલ્સ સુધી પોતાની સાઇકલ દ્વારા જ ચક્કર લગાવે છે. તેમના નાનકડા થેલામાં ચા બનાવવાના સામાનની સાથે સાથે તેમના પુસ્તકો પણ સમાવી લેવામાં આવે છે. જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે તેમને એક દિવાલનો સહારો લઇને સાઇકલ અને દિવાલ વચ્ચે એક છત તૈયાર કરવી પડે છે. જેની નીચે તેઓ પોતાના પુસ્તકો સાચવી શકે છે.

તેઓ રોજ સવારે પોતાના બે દીકરામાંથી કોઇ એકને ચાની કિટલીની જવાબદારી સોંપીને થેલો ભરીને પુસ્તકો લઇને સાઇકલ પર નીકળી જાય છે. તેઓ બપોર પછી જ પાછા ફરતા હોય છે. તેમની યાદી પ્રમાણે અત્યાર સુધી તેઓ 800 સ્કૂલ્સમાં ફેરા કરી ચૂક્યા છે. જેમાંથી 400 સ્કૂલ્સે તેમના લખેલા પુસ્તકો પોતાની લાઇબ્રેરીમાં રાખવાની સંમતિ આપી છે. જ્યારે બાકીની 400 સ્કૂલ્સે તેમના લખેલા પુસ્તકોમાં કોઇ રસ બતાવ્યો નહીં. તેઓ જણાવે છે,

"જ્યારે મને કોઇ શિક્ષક બહાર નીકળી જવાનું કહે છે ત્યારે હું તેમની વાતનું ખરાબ નથી લગાડતો. તેને એક ખરાબ દિવસ સમજીને થોડા દિવસ પછી ફરીથી તેમને મળવા જતો રહું છું. જ્યાં સુધી તેઓ મારા પુસ્તકો પર એક નજર ના નાંખે ત્યાં સુધી હું પ્રયાસો કરતો રહું છું."

લક્ષ્મણ રોજની સ્કૂલયાત્રા ગમે તેવી સિઝન હોય પરંતુ સાઇકલ પર જ કરે છે કારણ કે રિક્ષા કે બસમાં જવું તેમને પરવડે તેમ નથી. પુસ્તકો લખવા અને તેને પ્રકાશિત કરવામાં તેમને ઘણો ખર્ચ લાગે છે પરંતુ આ અંગે તેઓ કંઇક અલગ જ વિચારે છે. તેઓ કહે છે,

"પૈસા બનાવવા અને કમાવવામાં મને કોઇ રસ નથી. એક એવી અમીર વ્યક્તિ જેને પુસ્તકો પ્રત્યે પ્રેમ જ નથી તેની તુલનામાં મને ગરીબ લેખક બનીને જીવવામાં વધારે રસ છે."

શું કહે છે લેખકની રહેણીકરણી?

લક્ષ્મણ એક ભાડાના રૂમમાં તેમની પત્ની રેખા અને પોતાના બે દિકરા હિતેશ અને પરેશની સાથે રહે છે, અને ત્યાં જ તેઓ રાત્રે લખવાનું કામ પણ કરે છે. તેઓ તેમના બંન્ને દિકરાને ખૂબ જ ભણાવવા માંગે છે. તેમના લખવાના જુનૂનના કારણે કેટલાંક લોકો તેમને શરૂઆતમાં પાગલ માણસ સમજતા હતાં. તેમની પત્ની પણ તેમના આ લખવાના જુનૂનને લઇને ઘણી દ્વિધામાં રહેતી હતી. વિષ્ણુ દિગંબર માર્ગ પર અન્ય દુકાનદારો અને ચાવાળાઓની નજરમાં આજે પણ લક્ષ્મણને લઇને ઘણી શંકાઓ તેમને છે. લક્ષ્મણ કહે છે, 

"મારા પ્રત્યે લોકોનું વલણ ખૂબ જ સાવચેતીભર્યું હોય છે. તેમને ખબર છે કે હું તેમના જેવો સામાન્ય ચાવાળો નથી અને ના કોઇ પ્રસિદ્ધ અને ધનવાન લેખક છું."

મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેનાર લક્ષ્મણના અન્ય ત્રણ ભાઇઓ પણ છે, જેઓ આજે પણ ત્યાં રહે છે. તેમની આર્થિક સ્થિતિ લક્ષ્મણ કરતા ઘણી સારી છે. જેમાંથી એક કોલેજમાં લેક્ચરર છે, તો બીજો ભાઈ એકાઉન્ટન્ટની નોકરી કરે છે, જ્યારે ત્રીજો ભાઈ પરિવારની વારસાની ખેતી કરે છે. તેઓ કહે છે, 

"હું માત્ર 40 રૂપિયા લઇને ઘરેથી ભાગી આવ્યો હતો. મારે દુનિયા જોવી હતી. પુસ્તકો વાંચવા હતા અને પુસ્તકો લખવા હતાં."

ઘરેથી ભાગ્યા બાદ લક્ષ્મણ સૌથી પહેલા ભોપાલ પહોંચ્યા અને ત્યાં તેઓ એક ઘરના નોકર તરીકે કામ કરતા હતાં. જેના બદલામાં તેમને રહેવાનું, ખાવાનું અને સૌથી મહત્વની વસ્તુ શિક્ષણ મળતું હતું. તેઓ જણાવે છે, "તેમણે મને સ્કૂલે જવાની આઝાદી આપી, ત્યાં કામ કરતા કરતાં જ મેં મેટ્રિકની પરિક્ષા પાસ કરી." તેઓ 1975માં દિલ્હી આવ્યા અને રોજગારી માટે જે કામ મળતું તે કરી લેતા. ઘણા વર્ષો સુધી તેઓએ નિર્માણાધીન સાઇટસ પર મજૂર તરીકે તથા રસ્તા પર આવેલા ઢાબામાં વાસણ ઘસવાનું કામ કર્યું. 1980માં તેમણે ચા બનાવીને વેચવાનું કામ શરૂ કર્યું. પરંતુ આજે પણ તેમની દુનિયા પુસ્તકોની ચારે બાજુ જ ફરતી રહે છે. તેઓ કહે છે,

"હું મારો રવિવારનો દિવસ દરિયાગંજની ગલીઓમાં પુસ્તકો વાંચવામાં અને તેની શોધ કરવામાં જ પસાર કરું છું."

વિષ્ણુ દિગંબર માર્ગ પર આવેલ ઓફિસમાં કામ કરતા અનેક લોકોએ લક્ષ્મણના પુસ્તકો વાંચ્યા છે. જેથી તેઓ જ્યારે પણ દિવસ દરમિયાન સમય મળે ત્યારે લક્ષ્મણ સાથે ચા પીવા આવી જાય છે અને ચાની સાથે સાથે તેમના પુસ્તકો અંગે ચર્ચા પણ કરે છે.

ત્યાં નજીકની એક ઓફિસમાં કામ કરતા સંજીવ શર્મા કહે છે, "મારી ઓફિસ સફદરજંગ એંક્લેવમાં છે અને હું મારું સ્કૂટર લઇને ખાસ લક્ષ્મણની દુકાનમાં આવું છું. હું અહીંયા માત્ર ચા પીવા જ નહીં, પરંતુ લક્ષ્મણ જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી વ્યક્તિ સાથે સમય પસાર કરવાના ઇરાદાથી આવું છું. જ્યારે હું અહિંયાથી પાછો ઘરે જઉં છું ત્યારે મારી પાસે જ્ઞાનનો ખજાનો હોય છે. અમને લક્ષ્મણના પુસ્તકો વાંચવાની એક બીમારી થઇ ગઇ છે. ખાસ કરીને તેમના દ્વારા લખવામાં આવેલ ઉપન્યાસ નર્મદા અને રામદાસ તો ખૂબ જ મજેદાર પુસ્તકો છે."

લક્ષ્મણના વધુ પડતા પુસ્તકો એક જ વ્યક્તિ પર આધારિત હોય છે અને તે લગભગ એક જ સંઘર્ષની આસપાસ લખાયેલા છે. તે જણાવે છે, 

"મારા પુસ્તકો મારા જીવન પર આધારિત નથી. પરંતુ મારી આસપાસ હું જે જોઇ રહ્યો છું તેને એક અરીસાના રૂપમાં પુસ્તકમાં રજૂ કરું છું."


લેખક- નિશાંત ગોયેલ

અનુવાદક - YS ટીમ ગુજરાતી

Related Stories