CAનું કામ છોડીને રાજીવ કમલે શરૂ કરી ખેતી, કમાય છે વાર્ષિક 50 લાખ!

1

સીએનો અભ્યાસ પૂર્ણ કરી, તે જ પ્રોફેશનમાં કામ કરી, આજે બધું છોડીને રાજીવ ખેતીના કામમાં લાગી ગયા છે. આજે તેઓ રાંચીના ઓરમાંજી બ્લોકમાં ખેતી કરે છે અને તે પણ લીઝ પર! 

રાજીવને લાગ્યું કે જે ખેડૂતો થકી આપણને અનાજ મળે છે, તેમને નજરઅંદાજ કેવી રીતે કરી શકાય! એવામાં તેમણે નિર્ણય કર્યો કે તેઓ ખેડૂતોને તેમની જિંદગીનું મોલ્ય સમજાવવાનું કામ કરશે! 

રાજીવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પણ જોડાયા અને સમાજના સારા કામોની સાથે સાથે પર્યાવરણ બચાવવાની રેલીઓમાં પણ ભાગ લેતા રહ્યાં. 

જે લોકો કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરે છે તેમાંના ઘણાં લોકોનું સપનું હોય છે કે તેઓ સીએ બને પરંતુ આ પરીક્ષા એટલી અઘરી અને લાંબી હોય છે કે હર કોઈ આ પરીક્ષા પાસ નથી કરી શકતું. આ પરીક્ષાને પાસ કરવા ઘણી મહેનતની જરૂર હોય છે, પણ ઝારખંડમાં રહેતા સીએ રાજીવ કમલે ટ્રેન્ડ જ બદલી નાંખ્યો. સીએનો અભ્યાસ પૂરો કર્યા બાદ, આ પ્રોફેશનને છોડીને ખેતીના કામમાં લાગી ગયા. આજે તેઓ રાંચીના ઓરમાંજી બ્લોકમાં ખેતી કરી રહ્યાં છે અને એ પણ લીઝ પર. આજે તેઓ ખેતીથી વાર્ષિક લગભગ 50 લાખ રૂપિયા જેવું કમાઈ રહ્યાં છે.

તેમના કહેવા પ્રમાણે ખેતીએ તેમની જિંદગી બદલી નાખી. તેઓ આ અંગે વધુમાં જણાવે છે,

"હું રાંચીમાં રહું છું અને દરરોજ અહીંથી લગભગ 28 કિલોમીટર દૂર મારા ખેતર સુધી જઉં છું. સીએ કર્યા બાદ જ્યારે નોકરી કરવાનો વારો આવ્યો ત્યારે મને લાગ્યું કે ચાર દીવાલોની વચ્ચે કેદ થઈને મારે નથી રહેવું. મને પ્રકૃતિથી પ્રેમ છે અને તેના થકી આપણી જિંદગીને બધું મળ્યું છે અને એટલે ખેતી કરી રહ્યો છું."

2013નું વર્ષ રાજીવ માટે ઘણું બદલાવનું વર્ષ રહ્યું. એ વર્ષે રાજીવ પોતાની 3 વર્ષની દીકરીની સાથે બિહારના ગોપાલગંજ સ્થિત પોતાના ગામ ગયા તો જોયું કે તેમની દીકરી ગ્રામજનો સાથે હળીમળી ગઈ છે અને ઘણી ખુશ છે. પરંતુ તેમને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેમની દીકરીને એક ખેડૂત ખોળામાં લેવા માગતા હતાં. પણ તેમની દીકરી ખેડૂતના ખોળામાં જવા રાજી ન હતી કારણ કે ખેડૂતના કપડાં પર માટી લાગેલી હતી. દીકરીના આ વર્તનથી રાજીવને ચિંતા થવા લાગી. તેમને લાગ્યું કે જે ખેડૂતો આપણને અનાજ પૂરું પાડે છે તેમને આમ નજરઅંદાજ ન કરી શકાય. તેમને થયું કે હવે તેઓ આ ખેડૂતોની જિંદગીનું મૂલ્ય સમજાવવાનું કામ કરશે. 

રાજીવનો જન્મ બિહારના સીવાન જિલ્લાના ગોપાલગંજમાં થયો. તેઓ પોતાના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતાં. તેમના પિતા બિહાર સરકારના સિંચાઈ વિભાગમાં એન્જિનિયર હતાં. બિહારમાં શરૂઆતનો અભ્યાસ કર્યા બાદ રાજીવને ઝારખંડ મોકલી અપાયા. તેઓ હજારીબાગની એક સરકારી હોસ્ટેલમાં રહેતા. ત્યારબાદ આગળના અભ્યાસ માટે તેઓ રાંચી આવી ગયા. 

1996માં 12મું ધોરણ કર્યા બાદ તેઓ આઈઆઈટીના કોચિંગમાં જોડાયા પરંતુ પરીક્ષા પાસ ન કરી શક્યા. ત્યારબાદ તેમણે રાંચીમાં જ બી.કૉમ.માં પ્રવેશ મેળવ્યો. એ જ વર્ષે તેઓ સીએના અભ્યાસમાં પણ પોતાનું નામ નોંધાવ્યું. 

હાલ રાજીવ અંકુર રૂરલ એન્ડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ સોસાઈટી નામે એક NGO ચલાવે છે જેના થકી તેઓ ખેડૂતો અને ગ્રામજનોની મદદ કરે છે. 

2003માં સીએની પરીક્ષા પાસ કરીને રાજીવે રાંચીમાં જ 5000 રૂપિયાના માસિક ભાડે એક રૂમ ભાડે લીધો અને સીએની પ્રેક્ટિસ કરવા લાગ્યા. તેઓ દર મહીને 40 હજાર રૂપિયાની આસપાસ કમાઈ લેતા. 2009માં તેમણે પ્લાસ્ટિક એન્જિનિયર રશ્મી સહાય સાથે લગ્ન કરી લીધા. અને ત્યારબાદ તેમની દીકરીના વર્તનને જોઇને તેમણે ખેતી કરવાનો નિર્ણય લઇ લીધો. તેઓ ખેતીથી જોડાયેલી તમામ જાણકારીઓ મેળવવામાં લાગી ગયા. તેઓ ઘણી યુનિવર્સિટીના કૃષિ વિભાગમાં ગયા અને ત્યાંના પ્રોફેસરોથી મદદ અને સલાહ માગી. તેઓ સ્થાનિક ખેડૂતો પાસે ગયા અને ખેતી વિષે શીખ્યા.  

રાજીવે રાંચીથી 28 કિલોમીટર દૂર એક ગામના ખેડૂતની દસ એકર જમીન લીઝ પર લીધી. શરત એ હતી કે તેમના નફાના ૩૩% એ ખેડૂતને આપશે. રાજીવે એ વર્ષે લગભગ 2.50 લાખ રૂપિયા ખેતી પર ખર્ચી નાખ્યા. તેમણે ઓર્ગેનિક રીતે લગભગ 7 એકર જમીનમાં તડબૂચ અને કોળાની ખેતી કરી. ઘણી મહેનત બાદ જાન્યુઆરી મહિનાના અંતે તેમનો પાક તૈયાર થઇ ગયો અને લગભગ 19 લાખ રૂપિયામાં વેચાઈ ગયો. તેમાંથી તેમને આશરે 7-8 લાખનો ફાયદો થયો જેનાથી રાજીવનું મનોબળ વધુ મજબૂત થયું અને તેઓ ખેતીમાં નવા નવા પ્રયોગ કરવા લાગ્યા. તેમના ખેતરમાં આજે 45 ખેડૂતો કામ કરે છે.

તે જ ગામની 13 એકર જમીન તેમણે લીઝ પર લીધી અને ત્યાં પણ ખેતી કરવા લાગ્યા. 2016ના અંતમાં તેમણે ફરીથી 40-45 લાખનો કારોબાર કર્યો. તેમણે હાલમાં જ કુચૂ ગામમાં 3 એકર જમીન લીઝ પર લીધી જ્યાં તેઓ શાકભાજી ઉગાડે છે. રાજીવનું લક્ષ્ય વાર્ષિક 1 કરોડ ટર્નઓવર કરવાનો છે. જોકે પૂર અને દુકાળ જેવી પરિસ્થિતિની તેમને ચિંતા તો રહે છે કારણ કે તેનાથી ખેતીને ઘણું નુકસાન પહોંચે છે અને અચાનક જ તમામ મહેનત પર પાણી ફરી જાય છે. રાજીવના આ કામમાં તેમના બે ભાઈ દેવરાજ અને શિવકુમાર પણ મદદ કરે છે.


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ... 

Related Stories