17 વર્ષની ઉંમરે 12 વર્ષની ઝળહળતી કારકીર્દી, મળો બાળકવિ ડૉ.આદિત્ય જૈનને...

0

આદિત્યએ માત્ર 5 વર્ષની ઉંમરે કાવ્યપઠન શરૂ કર્યું હતું!

કવિ આદિત્ય જૈનને બે વખત રાષ્ટ્રપતિ દ્વારા સન્માન આપવામાં આવ્યું છે

અત્યાર સુધી આદિત્ય 6 પુસ્તકો લખી ચૂક્યો છે અને બે પુસ્તકો ટૂંક સમયમાં બજારમાં આવશે

કાવ્યપઠનનાં માધ્યમથી લોકજાગૃતિનું કામ કરે છે!

પોલિથિન મુક્ત ભારત, રક્તદાન, પાણી બચાવો, પલ્સ પોલિયો અને બેટી બચાવો અભિયાન અંગે પણ આદિત્ય કામ કરી રહ્યો છે!

જેવી રીતે સૂર્ય અંધકારને દૂર કરીને સંસારને પ્રકાશ આપે છે તેવી જ રીતે જ્ઞાનરૂપી સાગર પણ અજ્ઞાનતાની વેરાન ભૂમિ ઉપર પાણીનાં ઝરણાઓ વહાવે છે. આ સંસારમાં એવા ઘણા લોકોએ જન્મ લીધો છે કે જેમણે અન્ય લોકોને માર્ગ ચિંધ્યો અને તેમને આગળ વધવા માટેનો રસ્તો ખોલી આપ્યો છે.

પ્રતિભા અને જ્ઞાન ઉંમર માટે લાચાર નથી હોતા. તેમને અનુભવને આધારે પણ આંકવામાં આવતાં નથી. ઘણી વખત ખૂબ જ નાની ઉંમરનાં બાળકો પણ આપણને મોટી વસ્તુઓ શીખવાડી દે છે. કે જેમના ઉપર કોઈનું ધ્યાન નથી ગયું હોતું. તેથી પ્રતિભાને ઉંમરના ત્રાજવેથી તોલવી તે ખૂબ જ ખોટું ગણાશે.

ડૉ.આદિત્ય જૈન કોટા (રાજસ્થાન)ના એક આવો જ એક બાળકવિ છે કે જે માત્ર 17 વર્ષની ઉંમરનો છે કે જે પોતાની પ્રતિભાને કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે. આજે દેશ-વિદેશમાં તેના અસંખ્ય ચાહકો છે. આદિત્ય પોતાની કવિતાઓ થકી સમાજમાં ચેતના અને પરિવર્તન લાવવાની દિશામાં પણ કાર્યરત છે. સાથે જ તે પોતાનાં લેખનનાં માધ્યમથી હિન્દીના પ્રચાર અને પ્રસારનું પણ કામ કરે છે.

આદિત્યનો જન્મ 1998માં થયો હતો. જ્યારે તે માત્ર પાંચ વર્ષનો હતો ત્યારે તેણે રતલામના શિલ્પ ઉત્સવ દરમિયાન લગભગ 15 હજાર લોકોની હાજરીમાં પોતાના દ્વારા લખવામાં આવેલી કવિતાનું પઠન કર્યું હતું. ત્યારથી માંડીને અત્યાર સુધી તે અનેક વખત કાવ્યપઠન કરી ચૂક્યો છે અને તેના પ્રશંસકોની સંખ્યા સતત વધતી જાય છે.

આદિત્યએ યોર સ્ટોરીને જણાવ્યું,

"નાનપણમાં જ્યારે હું શાળામાં બાળગીત વાંચતો હતો ત્યારે તેમાં લખેલા શબ્દોને બદલીને મારી રીતે ગીત બનાવી દેતો હતો. તેને હું મારા ક્લાસમાં સંભળાવતો હતો. મારા શિક્ષકોએ આ અંગેની ફરીયાદ મારા પિતાને કરી પરંતુ મારા પિતાએ મારા આચાર્યને કહ્યું કે આદિત્ય જે કરે છે તે તેને કરવા દો. પિતાની આ વાતે મારી અંદર રહેલી કલાને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું. ત્યાર બાદ મેં વિવિધ પ્લેટફોર્મ ઉપર મારી લખેલી કવિતાનું પઠન કરવાની શરૂઆત કરી દીધી."

આદિત્ય જણાવે છે કે આ કામમાં તેને તેના પરિવારનો સતત સહકાર મળતો આવ્યો છે. તમામ લોકોએ તેને ખૂબ જ પ્રોત્સાહિત કર્યો છે. અત્યાર સુધી આદિત્ય 6 પુસ્તકો લખી ચૂક્યો છે. અને બે પુસ્તકો ટૂંક સમયમાં બજારમાં મૂકાશે. આ તમામ કાવ્યસંગ્રહો છે.

બાળકવિ ડૉ.આદિત્ય જૈનની પ્રતિભાની નોંધ લેતા તેને વિશ્વ પુરસ્કારોથી પણ સન્માનવામાં આવ્યો છે. આદિત્યને બે વખત રાષ્ટ્રપતિ સન્માનથી પણ બિરદાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝ, મિરેકલ્સ વર્લ્ડ રેકોર્ડ્ઝ, અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ્ઝ, યુનિક વર્લ્ડ રેકોર્ડ્ઝ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝ ઉપરાંત 15 કરતાં પણ વધારે વર્લ્ડ રેકોર્ડમાં આદિત્યનાં નામનો સમાવેશ દુનિયાના સૌથી નાના કવિ અને સાહિત્યકાર તરીકે કરવામાં આવ્યો છે. જેના આધારે 2014માં લંડનની વર્લ્ડ રેકોર્ડ્ઝ યુનિવર્સિટીએ તેને ડૉક્ટર્સની માનદ પદવી એનાયત કરી છે.

આદિત્ય ઇચ્છે છે કે તે પોતાની રચનાત્મકતા અને પ્રતિભાનો લાભ દેશને પણ આપે. તે પોતાની કવિતાના માધ્યમથી ઘણા લોકજાગૃતિના કાર્યક્રમો પણ ચલાવે છે. જેમ કે પોલિથિન મુક્ત ભારત, રક્તદાન, જળસંચય, પલ્સ પોલિયો વગેરે. હાલમાં તે બેટી બચાવો અભિયાનનું સંચાલન કરી રહ્યો છે. જ્યાં પણ કાવ્યપઠન કરવા જાય ત્યાં દીકરીઓ અંગેની કવિતા અચૂક સંભળાવે છે. પોતાની કવિતાના માધ્યમથી તે લોકોને સંદેશ આપે છે. આદિત્યનું માનવું છે કે જો તે પોતાની કવિતા મારફતે લોકોને પ્રેરણા આપી શકશે તો તે દેશ માટે લાભકારી ગણાશે અને તેની મહેનત સફળ થશે.

આદિત્ય માને છે કે દેશ આપણું ગૌરવ છે અને દરેક યુવાને દેશ માટે કંઇકને કંઇક કરવું જોઇએ. તેમજ દેશની પ્રગતિમાં યોગદાન આપવું જોઇએ. આ ઉપરાંત આદિત્ય માને છે કે આજકાલ યુવાનો અંગ્રેજીની પાછળ ભાગે છે. તેના કારણે આપણી મુખ્ય ભાષા હિન્દી પાછળ રહી ગઈ છે. આદિત્યનું માનવું છે કે યુવાનોને અંગ્રેજીનું જ્ઞાન હોય તે સારી વાત છે પરંતુ હિન્દી પાછળ ન રહી જવી જોઇએ. તે પોતાની કવિતાઓ મારફતે હિન્દીનો પ્રચાર-પ્રસાર પણ કરવા માગે છે. તે હિન્દીની લોકપ્રિયતાને વધુ આગળ ધપાવવા માગે છે.

આદિત્યને 300 કરતાં વધારે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના પુરસ્કારોથી સન્માનવામાં આવ્યો છે. તે 20 કરતાં વધારે રાજ્યોમાં 1200 કરતાં વધારે કાર્યક્રમો તથા રાષ્ટ્રપતિ ભવન, રાજભવન, મુખ્યપ્રધાન નિવાસસ્થાને વિવિધ પ્રસંગે કાવ્યપઠન કરી ચૂક્યો છે. તે મુખ્યત્વે વીરરસનો કવિ છે અને દેશની સાંપ્રત સ્થિતિ અંગે લખે છે.

લેખક- આશુતોષ કંટવાલ

અનુવાદક- અંશુ જોશી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

પરિવારમાં સૌને ગાતા જોઈ નાનપણથી જ ગાવાનો શોખ જાગ્યો, આજે બોલિવૂડની સફળ પ્લેબેક સિંગર બની ગુજરાતની ઐશ્વર્યા!

13 વર્ષની નૃત્યાંગનાએ કથકમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, અટક્યા વગર 25 મિનીટમાં 2150 વખત ફરી ગોળ!

 બાળકોની ‘વાનર સેના’એ ઇન્દોરમાં સીટી વગાડીને ખુલ્લામાં શૌચ કરવાની પ્રવૃત્તિ અટકાવી, ૪ ગામોને કર્યાં ખુલ્લામાં શૌચની સમસ્યાથી મુક્ત