‘મુક્કા માર’ અભિયાન - છેડતી કરનારાઓને પાઠ ભણાવવા છોકરીઓ થઇ સજ્જ

‘મુક્કા માર’ અભિયાન - છેડતી કરનારાઓને પાઠ ભણાવવા છોકરીઓ થઇ સજ્જ

Tuesday May 10, 2016,

5 min Read

‘મુક્કા માર’ એ કોઈ લડાઈ ઝઘડા માટે કે કોઈને ઉશ્કેરવા માટે નથી, પણ એક અભિયાન છે. આ અભિયાન સરેઆમ જાહેરમાં છેડતી કરનારા રોમિયોથી છોકરીઓને બચાવવા માટે શરૂ કરાયું છે. તેના કારણે જ ક્યારેક તમે વર્સોવા બિચ પર લટાર મારતા હોવ અને સફેદ રેતીમાં તમને છોકરીઓ કુંગ-ફુની તાલિમ લેતી નજરે પડે તો નવાઈ પામવાની જરૂર નથી. સ્લમ વિસ્તારમાં રહેતી આ છોકરીઓ ‘મુક્કા માર’ અભિયાન હેઠળ મફતમાં તાલિમ લે છે. ખાસ વાત એ છે કે, આ અભિયાનની શરૂઆત કરી છે જાહેરાત અને ફિલ્મોથી પોતાની કારકિર્દી શરૂ કરનાર ઈશિતા શર્મા અને કુંગ ફુ ટ્રેનર એકેલ્ઝાન્ડર ફર્નાન્ડિઝે.

image


‘મુક્કા માર’ અભિયાન શરૂ કર્યા પહેલાં દિલ દોસ્તી એક્સ્ટ્રા જેવી ફિલ્મો અને ડાન્સ ઈન્ડિયા ડાન્સ ટીવી શોને હોસ્ટ કરનાર ઈશિતા શર્માએ પર્ફોર્મિંગ આર્ટ્સને પ્રોત્સાહન આપવા આમદ નામની એક સંસ્થા ખોલી હતી. ત્યાં ડાન્સ, માર્શલ આર્ટ અને યોગની તાલિમ આપવામાં આવે છે. ઈશિતાએ યોરસ્ટોરીને જણાવ્યું,

"કેટલાક મહિના પહેલાં મેં નિર્ભયા પર ડોક્યુમેન્ટ્રી જોઈ હતી. તેને જોઈને હું આંતરિક રીતે હચમચી ગઈ અને એ વિચારવા માટે મજબૂર થઈ ગઈ કે એવું શું કરું જેના દ્વારા જે નિર્ભયા સાથે થયું તે અન્ય છોકરીઓ સાથે ન થાય."

આ દરમિયાન તેણે પોતાની સાથે બનેલી એક ઘટના અચાનક યાદ આવી ગઈ. ઈશિતા જણાવે છે,

"એક વખત હું મારી કાર લઈને જઈ રહી હતી ત્યારે છ છોકરીઓ ત્રણ બાઈકો પર સવાર થઈને મને પરેશાન કરી રહ્યા હતા. મેં કંટાળીને તે લોકોને મોટા અવાજે ધમકાવ્યા અને તેઓ ભાગી ગયા."
image


આ વાતને ઘણો સમય પસાર થઈ ગયો હતો તેથી તેને સમગ્ર ઘટના પણ યાદ નહોતી. તેને એક વાત યાદ આવી હતી કે તે માર્શલ આર્ટની સ્ટૂડન્ડ હતી અને દરેક પંચ સાથે એક અવાજ કાઢવાનો હતો. તે લગભગ આઠ મહિનાથી તાલિમ લઈ રહી હતી. ઈશિતાએ નક્કી કર્યું કે તે છોકરીઓને માર્શલ આર્ટની ટ્રેનિંગ આપશે. ઈશિતાનું માનવું છે કે બળાત્કાર અને છેડતી પાછળ એક મોટું કારણ સમાજમાં નિરક્ષરતા અને છોકરીઓની સાથે સાથે તેમના પરિવારો પણ જાગ્રત ન હોવાનું છે. ત્યારે તેણે મુંબઈમાં લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ તાઈચે, માર્શલ આર્ટ એન્ડ હિલિંગ રિસર્ચ સેન્ટટર ચલાવતા એકેલ્ઝાન્ડર ફર્નાન્ડિઝ સમક્ષ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો. તેમને આ વિચાર પસંદ આવ્યો અને તેઓ ઈશિતાના આ આઈડિયા પર કામ કરવા તૈયાર થઈ ગયા.

image


'મુક્કા માર' અભિયાન શરૂ કરનાર ઈશિતા માટે તે ક્યારેય સરળ નહોતું. આ માટે તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી જેને ઘણા લોકોએ પસંદ કરી પણ તેના માટે કોઈ આગળ ન આવ્યું. ઈશિતાએ નક્કી કર્યું હતું કે તે પોતાના અભિયાનને ફેસબુકમાંથી બહાર લાવીને વાસ્તવિક સ્વરૂપ આપશે. તેણે વર્સોવાના સ્લમ વિસ્તારમાં જઈને લોકોને મળીને સમજાવવા લાગી કે છોકરીઓની સુરક્ષા માટે માર્શલ આર્ટ શીખવી કેટલી જરૂરી છે. ઈશિતાની આ વાત સ્લમ વિસ્તારના લોકોને વધારે પસંદ ન પડી. તેઓ એમ જણાવતા હતા કે, તેઓ પોતાની છોકરીઓની સ્લમ વિસ્તારની બહાર મોકલવા જ નથી માગતા કારણ કે ત્યાંનું વાતાવરણ ખરાબ છે.

image


ઈશિતા જણાવે છે કે સ્લમ વિસ્તારમાં રહેનારા લોકો સારું કામ કરતા હતા કે તેઓ પોતાના બાળકોને સ્કૂલ મોકલતા હતા. ઈશિતા તે સ્કૂલમાં ગઈ જ્યાં સ્લમ વિસ્તારની છોકરીઓ અભ્યાસ માટે આવતી હતી. ઈશિતાએ ત્યાં જઈને શિક્ષકોને વિશ્વાસમાં લીધા અને તેમને કહ્યું કે તેઓ છોકરીઓના માતા-પિતા સાથે આ મુદ્દે વાત કરે. ઈશિતાની આ યુક્તિ કામ કરી ગઈ અને કેટલીક છોકરીઓના માતા-પિતા પોતાની દીકરીઓને આ તાલિમમાં મોકલવા માટે તૈયાર થઈ ગયા.

image


આ રીતે ઈશિતાએ એલેક્ઝાન્ડર ફર્નાન્ડિસ સાથે જોડાઈને ફેબ્રુઆરીથી મુક્કા માર અભિયાનની શરૂઆત કરી. તેના માટે તેણે વર્સોવા બીચ પાસે નાના નાની ચોક પાસે આવેલા સ્લમ વિસ્તારને પસંદ કર્યો. અહીંયા છોકરીઓને માર્શલ આર્ટ કુંગ ફુની મફતમાં તાલિમ આપવામાં આવે છે. ઈશિતા આ અભિયાનને પોતાની સંસ્થા આમદ દ્વારા ચલાવે છે. તેના માટે તેમણે એલેક્ઝાન્ડર ફર્નાન્ડિસ સાથે પોતાના ચાર ટ્રેઈનર્સ પણ રાખ્યા છે. મુક્કા મારની આ તાલિમ દર શનિવાર અને રવિવારે સાંજે 5-30 કલાકથી 7 કલાક સુધી હોય છે. ઈશિતાએ 10-15 છોકરીઓની આ અભિયાનની શરૂઆત કરી હતી જે આજે વધીને 50-60 થઈ ગઈ છે. હાલમાં તો 75 છોકરીઓ કુંગ ફુની તાલિમ લઈ રહી છે. ટ્રેનિંગ લઈ રહેલી છોકરીઓની ઉંમર પાંચ થી પંદર વર્ષની છે. આ છોકરીઓને બે ગ્રૂપમાં કુંગ ફુની તાલિમ આપવામાં આવે છે.

image


ઈશિતા જણાવે છે કે, આ તાલિમ માટે તેમણે વર્સોવા વિસ્તારને એટલા માટે પસંદ કર્યો કે તે સ્લમ વિસ્તારની અત્યંત નજીક છે. તેની ઈચ્છા હતી કે અહીંયા સુધી આવવામાં કોઈપણ છોકરીને ખર્ચ ન કરવો પડે અને જ્યારે પણ કુંગ ફુની તાલિમ શરૂ થાય કે તેઓ તરત જ આવી જાય. ઈશિતા જણાવે છે કે, શરૂઆતમાં આ છોકરીઓને શિખવવામાં ઘણી મુશ્કેલીઓ આવી કારણકે આ છોકરીઓ યોગ્ય રીતે પંચ પણ મારી નહોતી શકતી અને ઘણા પ્રયાસો બાદ તેમની મહેનત રંગ લાવી છે.

image


પોતાની મુશ્કેલીઓ અંગે ઈશિતા જણાવે છે કે, તે સ્લમની જે છોકરીઓને કુંગ ફુની તાલિમ આપે છે તેમના માતા પિતાને સમજાવવા મુશ્કેલ હોય છે કે છોકરીઓ માટે કેમ સેલ્ફ ડિફેન્સની તાલિમ અત્યંત જરૂરી છે. આ એક એવો વિસ્તાર છે જ્યાં નાની છોકરીઓ પણ રમવા માટે બહાર નથી આવતી, કારણ કે તેમની સાથે છેડતી સામાન્ય ઘટના છે. તેમ છતાં છોકરીઓના માતા-પિતા ઈચ્છા છે કે તેઓ કુંગફુ કરતા છોકરીઓને ડાન્સ અથવા ગાયન શીખવે. તેના કારણે ઘણી છોકરીઓએ ત્રણ ચાર વખત આવ્યા બાદ તાલિમમાં આવવાનું બંધ કરી દીધું હતું.

image


પોતાની ભવિષ્યની યોજના અંગે ઈશિતા જણાવે છે કે, તેને જો આર્થિક મદદ મળે તો તે મુંબઈના દરેક ભાગમાં માર્શલ આર્ટની તાલિમ આપવા તૈયાર છે. વર્સોવાનું સેન્ટર ચલાવવા માટે જે ખર્ચ થાય છે તે ઈશિતા પોતાની સંસ્થા આમદ દ્વારા કરે છે. હવે તે ઈચ્છે છે કે વર્સોવામાં જે છોકરીઓને તે કુંગફુની તાલિમ આપી રહી છે તે બીજા જગ્યાએ જઈને અન્ય છોકરીઓને આવી તાલિમ આપે.

લેખક- ગીતા બિશ્ત

અનુવાદક- મેઘા નિલય શાહ

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે: ઘરેલું હિંસાનો ભોગ બનેલી 3800 મહિલાઓને મળ્યું 'સમાધાન'

જન્મ બાદ જેને ઝેર આપવામાં આવ્યું, તે કૃતિએ જ 29 બાળલગ્નો રદ કરાવ્યાં!

'બેટી ભણાવો' અભિયાનને સફળ બનાવવા દિવસ રાત એક કરતી વડોદરાની નિશિતા