'જપ માળા'ના મણકા બન્યા સફળ બિઝનેસ પ્લાન, ફેશન ડિઝાઇનર મહિલાનો અનોખો કીમિયો

'જપ માળા'ના મણકા બન્યા સફળ બિઝનેસ પ્લાન, ફેશન ડિઝાઇનર મહિલાનો અનોખો કીમિયો

Friday March 11, 2016,

3 min Read

કાશીના ગામમાં મોદીના સ્ટાર્ટઅપ ઇન્ડિયાને સાકાર કરી રહેલી ફેશન ડિઝાઇનર, મહિલાઓને બનાવી રહી છે આત્મનિર્ભર!

શિપ્રાએ જપ માળાના કારોબારને આપી નવી ઓળખ!

નજીવી મૂડી સાથે શરૂ થએલો બિઝનેસ આજે કરોડોના ટર્નઓવર સુધી પહોંચ્યો! વિદેશોમાં ઓનલાઇન થાય છે જપમાળાનો બિઝનેસ


દુનિયા બદલાઇ રહી છે. પરિવર્તનની એક ધારા બનારસના નરોત્તમપુર ગામમાં પણ વહી રહી છે. કાલ સુધી સાડીના પાલવ પાછળ સંતાઇને રહેનારી મહિલાઓ આજે સફળતા અને મહિલા સશક્તિકરણની નવી ઊંચાઈઓ સર કરી રહી છે. આ મહિલાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં લાગી ગઇ છે. આ મહિલાઓની મહેનત અને કઇંક જુદુ કરવાની જીદે તેમને આ મુકામ સુધી પહોંચાડ્યા છે.

image


નરોત્તમપુરની આખી વાર્તા તમને જણાવીએ એની પહેલા તમારી મુલાકાત એ સ્ત્રી સાથે કરાવીએ જે ગામડાની મહિલાઓ માટે 'એન્જલ' બનીને આવી. ફેશન ડિઝાઇનર શિપ્રા શાંડિલ્ય ખૂબ જ જાણીતું નામ છે. ઘણા વર્ષો સુધી દિલ્હી અને નોએડા જેવા શહેરોમાં ધાક જમાવ્યા પછી હવે શિપ્રાએ બનારસની મહિલાને સ્વાવલંબી બનાવવાનું મિશન શરૂ કર્યું છે. શિપ્રા બનારસના એક ડઝન કરતા પણ વધારે ગામોની મહિલાઓ સાથે કામ કરી રહ્યા છે.

image


ભૂલાઇ રહેલી ઓળખને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ!

શિપ્રાએ બનારસમાં દાયકાઓથી બની રહેલી જપ માળાઓને ફેશન સાથે જોડીને મસમોટો બિઝનેસ શરૂ કર્યો છે. શિપ્રા છેલ્લા 3 વર્ષથી આ કામમાં લાગેલા છે. યોરસ્ટોરી સાથે વાત કરતા શિપ્રાએ જણાવ્યું,

"શરૂઆતથી જ મારા મનમાં કઇંક જુદુ કરવાની ઈચ્છા હતી. ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યા પછી હું એ મહિલાઓ માટે કામ કરવા ઇચ્છતી હતી જેઓને આગળ વધવાના અવસર મળ્યા નથી. એટલા માટે જ હું ગામડાની મહિલાઓ સાથે કામ કરી રહી છું. આજે મારી સાથે જુદા જુદા 12 ગામડાઓની 100થી વધુ મહિલાઓ કામ કરી રહી છે. મારી સાથે કામ કરી રહેલી મહિલાઓની મહેનતના પરીણામે આ કારોબાર આજે કરોડો સુધી પહોંચી ગયો છે."

દેશ વિદેશમાં જપ માળાઓની વધી રહેલી ડિમાન્ડને જોતા શિપ્રાએ malaindia.com નામની એક વેબસાઇટ પણ શરૂ કરી છે. સાથે સાથે સંખ્યાબંધ ઓનલાઇન માર્કેટિંગ કંપનીઓ સાથે પણ શિપ્રાની કંપનીએ વેચાણ કરાર કર્યા છે. તેમની પ્રોડક્ટ રેન્જમાં રૂદ્રાક્ષ, ચંદન, તુલસી અને મુખદાર રૂદ્રાક્ષ અને જુદા જુદા રત્નોની માળા ઘણી લોકપ્રિય છે.

image


શિપ્રા વધુમાં કહે છે, 

"આવનારા સમયમાં હું મારા બિઝનેસને વધુ મોટું સ્વરૂપ આપવા અંગે વિચારી રહી છું જેથી કરીને મારી સાથે સંકળાયેલી મહિલાઓને વધુમાં વધુ લાભ મળે. પીએમ મોદીના સ્ટાર્ટઅપ કાર્યક્રમથી મને નવી ઉર્જા મળી છે."

ગામડાની મહિલાઓને પોતાની સાથે જોડી લીધી!

બનારસ સાથે જોડાયેલા ગાજીપુરની મૂળ વતની શિપ્રા માટે ગામડાની મહિલાઓને પોતાની સાથે જોડવાનું કામ સરળ નહોતું. મોટા શહેરોમાં વર્ષો સુધી કામ કર્યા પછી શિપ્રા ગામડાઓ પ્રત્યે આકર્ષાઇ અને પોતાની જાતને ગામડાની માટી સાથે મળવાથી રોકી ન શકી. આ ગામડાની મહિલાઓ ફૂલોની ખેતી કરતી અને નવરાશની પળોમાં મોતીઓની માળા બનાવતી. પરંતુ ગામડાની આ મહિલાઓને મહેનત પ્રમાણે વળતર મળતુ નહોતુ. શિપ્રાએ ગામડાની મહિલાઓમાં રહેલા ટેલેન્ટને પારખી તેમને વ્યવસ્થિત ટ્રેઈનિંગ આપી અને પરિણામો તમારી સામે છે.

શરૂઆતમાં અમુક જ મહિલાઓ શિપ્રા સાથે જોડાઇ પરંતુ ધીમે ધીમે મહિલાઓની સંખ્યા વધતી ગઇ અને આજે શિપ્રા સાથે મળીને આ મહિલાઓ દર મહિને 8થી 10 લાખ રૂપિયાનો વૈપાર કરે છે. દેશના ઘણા બધા શહેરોમાં શિપ્રાની જપ માળાઓની ઘણી બધી માગ છે.

બદલાઇ ગઇ ગામની તસવીર અને મહિલાઓનું જીવન!

રોજગાર મળવાને કારણે નરોત્તમપુર ગામમાં રહેતી મહિલાઓની આર્થિક સ્થિતિ પણ બદલાઇ ગઇ. ગામની મહિલા શહનાઝ બેગમ કહે છે, 

"જ્યારથી મેડમનો સાથ મળ્યો છે આમારી જિંદગી બદલાઇ ગઇ છે. અગાઉ જેમ તેમ ગુજરાન ચાલતું હતું જ્યારે હવે તો અમે બે પૈસાની બચત પણ કરી શકીએ છીએ."

Website

લેખક- આશુતોષસિંઘ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

આવી જ અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

ઉર્દુના કારણે એક ગામની કિસ્મત બદલાઈ ગઈ, અત્યાર સુધી 100 લોકોને મળી સરકારી નોકરી

25 વર્ષની એક યુવતીએ ગ્રામીણ કળાને રાષ્ટ્રીય સ્તરે ચમકાવી દીધી 

"હાથમાં ઝાડું લીધા વગર પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શકો છો!" અભિષેક મારવાહે તૈયાર કરી વિશેષ 'કાર સ્વચ્છબિન'