સેલિબ્રિટી શેફ અમૃતા રાયચંદના જીવનનો હીરો છે તેની માતા! વાંચવા જેવી જીવનસફર!

0

મારી માતા. હું ક્યાંથી શરૂઆત કરું. તેની વાત, મારી વાત કે અમારી વાત...

મેં ક્યારેય મારી માતાની વાત કોઈને કરી નથી, કારણ કે હું ક્યારેય નહોતી ઈચ્છતી કે લોકો અમારી સામે દયાની નજરે જૂએ કારણ કે અમે આત્મનિર્ભર પરિવાર હતો. ઘણી વખત હું મારી જાત અંગે વિચારું તો એમ લાગે છે કે હું મારા માતાની માતા બનીને આવી છું, તેમ છતાં હું આજે જે છું તે કદાચ તેના વગર ન બની શકી હોત. મને વિશ્વાસ છે કે મોટાભાગના સંતાનો આવું જ વિચારતા હશે. મને વિશ્વાસ છે કે મોટાભાગની માતાઓ પણ તેના સંતાનો અંગે આ જ વિચાર ધરાવતી હશે, છતાં અમારી વાત થોડી અલગ છે કારણ કે તે અમારી અંગત ટ્રેજેડી અને મારી માતાના સાહસ પર આધારિત છે. તેની હિંમતે જ અમને તેમાંથી બહાર કાઢ્યા. તે ખરેખર અમારા માટે હીરો છે. 

મારી માતા બિહારમાં આવેલા નાનકડા શહેરા હઝારિબાગ(અત્યારે ઝારખંડમાં)ના સરદાર પરિવારમાંથી આવે છે. મારા નાના અને તેમનો પરિવાર પહેલાં લાહોરમાં રહેતો હતો અને ભાગલા બાદ તેઓ અહીંયા આવીને સ્થાયી થયા હતા. 20 વર્ષની ઉંમરે મારી માતાના લગ્ન એક વ્યક્તિ સાથે કરાવવામાં આવ્યા જેને તેમણે લગ્નના દિવસે જ જોઈ હતી. સદનસિબે તે વ્યક્તિ રત્ન સમાન હતી, સુશિક્ષિત, વારાણસીની બીએચયુ ખાતેથી એન્જિનિયર થયેલી અને જમશેદપુર ખાતે તાતાની કંપની ટિસ્કોમાં કામ કરતી હતી. મારી માતાનું જીવન રાતોરાત બદલાઈ ગયું. એકાએક તે જમશેદપુરની હાઈ સોસાયટી સાથે તાલમેલ સાધવા લાગી. મારા પિતાને એમ લાગ્યું કે, મારી માતામાં ક્ષમતા છે અને તેને ઉજાગર કરવાની જરૂર છે. તેના પરિવારે તેને જે નથી આપ્યું તે હવે તેને આપવાની જરૂર છે. તે હિન્દી મીડિયમ કોલેજમાં ભણી હોવાથી પંજાબી અને હિન્દી ખૂબ જ સારી રીતે બોલી, લખી અને વાંચી શકતી હતી, પણ અંગ્રેજી... આ તેના માટે મુશ્કેલ હતું.

મારા પિતાએ તેને અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી કરાવી. તેમણે તેને કૂકિંગ ક્લાસમાં પણ મોકલી (તેને સારું રાંધતા આવડતું હોવા છતાં) કારણકે તેઓ ઈચ્છતા હતા કે મારી માતાને વેસ્ટર્ન સ્ટાઈલની રસોઈ આવડે. તેમણે તેને વાહન ચલાવતા પણ શીખવ્યું હતું (જે તે સમયે સ્ત્રીઓ માટે સ્વપ્ન સમાન હતું). તેઓ તેને ફરવા લઈ જતાં, ફિલ્મો બતાવતા, અંગ્રેજી ફિલ્મો બતાવતા અને તેઓ વાઈન અને ડાઈન માટે પણ જતા. તેમના હાઈ સોસાયટી ક્લાસમાં લોકો મારા પિતાના વખાણ કરતા અને તેમના મિત્રો અને બોસ મારી માતા થોડી સંકુચિત હોવા છતાં તેને સ્વીકારી લેતા. તેમણે મારી માતાને લગ્નના 10 વર્ષમાં સુંદર જીવન આપ્યું હતું. તે ઉપરાંત બે પુત્ર અને એક પુત્રી પણ આપ્યા હતા. મને એમ લાગ્યા કરતું હતું કે તેઓ મારી માતાને આવનારા કપરાં કાળ માટે તૈયાર કરી રહ્યા હતા જેમાં તે એકાએક આવી જવાની હતી.

મારા પિતાએ જમશેદપુરથી જતાં પહેલાં કોલકાતામાં એક સુંદર ફ્લેટ લીધો હતો (કરુણ ઘટના બની તેના ત્રણ વર્ષ પહેલાં). તેઓ મારી માતાને આ ફ્લેટ આપીને સરપ્રાઈઝ આપવા માગતા હતા જેની ચુકવણી તેઓ દર મહિને પોતાના પગારમાંથી કરવાના હતા. મારી માતા 32 વર્ષની હતી જ્યારે મારા પિતા હૃદયરોગ થયાના અઠવાડિયામાં મૃત્યુ પામ્યા.

તેઓ તેમની પાછળ મારી માતાને ત્રણ સંતાનો સાથે છોડી ગયા. તેમના ગયા બાદ ઈન્સ્યોરન્સની થોડી રકમ અને તેમની કંપનીએ આપેલી પ્રોવિડંડ ફંડની રકમ હતી. તેની પાસે પોતાનું ઘર કે કમાવાનું સાધન નહોતું અને આ સંજોગોમાં તેની પાસે બે જ રસ્તા હતા કે તે પોતાના પિતાના ઘરે પરત જાય અથવા તો પોતાના સાસરિયાં જોડે રહે. તેણે આ વિકલ્પો પસંદ કરવામાં કોઈ ઉતાવળ કરી નહીં. તેને મારા પિતાના અંતિમ શબ્દો યાદ હતા, તેમણે કહ્યું હતું કે, મારા સંતાનોને એવી જિંદગી આપજે જેના આપણે સ્વપ્ન જોયા છે.

તમામ હિંમત ભેગી કરીને મારી માતા મારા પિતાના જૂના બોસ પાસે ગઈ જેથી તેમની મદદથી નોકરી મેળવી શકાય. મારા પિતાને લોકો ખૂબ જ ચાહતા હતા અને માન આપતા હતા અને તેઓ જાણતા હતા કે કેવી રીતે મારા પિતાએ તેને ટ્રેઈન કરી હતી. તેમણે તેને તાતા હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટરની નોકરી આપી જે તે સમયે ખૂબ જ સારી ગણાતી હતી. અહીંયાથી તેના જીવનની સાચી મુશ્કેલીઓ, પડકારો અને સંઘર્ષ શરૂ થયા.

નોકરી શરૂ કર્યાના ત્રણ વર્ષ બાદ તેના જીવનમાં બીજો આઘાત આવ્યો. તેને બાયપોલર ડિપ્રેશનની રોગી જાહેર કરવામાં આવી અને તે સમયે છ વર્ષની હું તેની માતા બની ગઈ. મારી માતા નોકરી કરવા નહોતી માગતી છતાં તે કાચી ઉંમરે પણ હું સમજી શકતી હતી કે તેની સ્થિતિ શું છે અને તેનું નોકરી જવું અમારા માટે કેટલું જરૂરી છે. આ કારણે મેં મહાકાય જવાબદારી ઉપાડી અને કોઈપણ ભોગે સવારે તેને ઘરની બહાર કામ કરવા લઈ જતી.

મારી માતા બપોરે રિસેસના સમયે ઘરે પાછી આવતી, અમારા ત્રણેય માટે ભોજન બનાવતી અને ભોજન કર્યા બાદ પાછી નોકરી જતી. (મારો મોટો ભાઈ બોર્ડિંગ સ્કૂલમાં હતો.) હું તેને રસોઈ કરતા જોઈ રહેતી. આઠ વર્ષની ઉંમરે મેં પહેલી વખત સંપૂર્ણ ભોજન બનાવ્યું જેથી તેને થોડી મદદ કરી શકાય. મારો ભાઈ તેને ડાન્સિંગ અને અન્ય બાબતો દ્વારા ઉત્સાહિત રાખવાનો પ્રયાસ કરતો. હું પણ તેની સાડી પહેરતી અને તેની જેમ મેકઅપ કરતી. હું અને મારો ભાઈ સતત તેનો મૂડ સારો રાખવા મથતા રહેતા. એક તબક્કે અમને લાગ્યું કે, અમે તેનામાં વિશ્વાસ જગાડ્યો છે કે તે પોતાના સંતાનો માટે જીવે. મારો ભાઈ તેના માટે મોટા સાથ અને આધાર સમાન હતો. તે હંમેશા તેના પાછા આવવાની રાહ જોતી. તે પાછો આવતો ત્યારે અમારો પરિવાર પૂરો થતો.

અમારી જિંદગી ચાલતી હતી, અમે શક્ય એટલું સારું શિક્ષણ મેળવીને મોટા થતાં ગયા. મારા ભાઈઓને એમ લાગ્યું કે હવે મારી માતાએ કામ કરવાની જરૂર નથી. અમે તમામથી મુક્ત થઈને 1995માં મુંબઈ આવી ગયા જ્યાં અમારા જીવનને નવી દિશા મળી. મેં મોડેલિંગ શરૂ કર્યું અને મારા ભાઈઓ નોકરી કરતા હતા. તેમણે મારી માતાને આરામ કરવા જણાવ્યું. તેમ છતાં તે જિબ્રાલ્ટરના ખડકની જેમ અમને દરેક તબક્કે મદદ કરતી રહેતી. અમે જ્યારે કામ પરથી ફરત આવીએ ત્યારે તે સરસ ભોજન તૈયાર રાખતી અને અમે ઘરે ન હોઈએ ત્યારે ઘરને યોગ્ય રીતે ચલાવાનું કામ કરતી. તેણે મારા નાના ભાઈ માટે સારી કન્યા અને મારા માટે યોગ્ય પતિ પસંદ કર્યો હતો. મુંબઈમાં અમારી કોઈ ઓળખાણ ન હોવા છતાં તેણે ઝપડથી ખૂબ જ મિત્રો બનાવી લીધા હતા.

આજે અમે જે પણ છીએ તે તેના કારણે છીએ. મારા પરિવાર અને પતિ સાથે હું જે રીતે ગોઠવાયેલી છું તેમાં તેના સાથ અને માર્ગદર્શનનો ફાળો છે. આજે હું જાણીતા સેલિબ્રિટિ શેફ છું અને મારી માતાની કુકિંગ સ્કિલ મને વારસામાં મળી છે.

હાલમાં અમારી માતા પાર્કિન્સન્સ ડિસિઝથી પીડાય છે. તેના જેવી વ્યક્તિને આવો રોગ થાય તે ખરેખર આશ્ચર્યજનક છે. તે હંમેશા અમારા પરિવારના દરેક પ્રસંગો, લગ્નો અને કાર્યક્રમોને જીવંત કરી દેતી. આજે તેને આ હાલતમાં જોઈને ભગવાન સામે સવાલ થઈ જાય છે. તેણે આખી જિંદગી પોતાની જાતને માતા તરીકે સિદ્ધ કરવામાં ખર્ચ કરી નાખી. તેણે હંમેશા અમારા સંતાનો માટે જ વિચાર કર્યો હતો અને ક્યારેય બીજા લગ્ન કરવા અંગે વિચાર્યું નહોતું. તેણે ક્યારેય સરળ રસ્તો પસંદ નહોતો કર્યો.

આજે હું એટલું કહી શકું કે, મારી માતાએ અમારા માટે જે બલિદાન આપ્યા છે તેના માટે અમે તેના ઋણી છીએ. તેણે જે રીતે સખત મહેનત કરીને અમારો ઉછેર કર્યો અને સારી જિંદગી આપી તે બદલ આભાર માનીએ છીએ. તેણે જે આપ્યું તે બદલ તેનો આભાર માનીએ છીએ.

અતિથી લેખિકા- અમૃતા રાયચંદ

ભાવાનુવાદ- રવિ ઈલા ભટ્ટ

સંઘર્ષમય સફર અને પ્રેરણા આપતી અન્ય સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

કપરી પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર, તેનો ડટીને મુકાબલો કરીને ચમત્કાર સર્જતા 'કાજુના રાજા' રાજમોહન પિલ્લઇ

છેલ્લા 23 વર્ષોથી પથારીવશ જીવન જીવતાં વડોદરાનાં સુનીલ દેસાઈએ શરૂ કરી 'કેરટેકર' સંસ્થા, વૃદ્ધોની સેવાના આશયની સાથે અનેકને રોજગારી

બાળપણમાં માતા સાથે રસ્તા પર બંગડીઓ વેચનાર કેવી રીતે બન્યા IAS ઓફિસર...

Related Stories