કન્યા ભૃણ હત્યા વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યાં છે કોલેજના એક પ્રોફેસર

1

દેશ ભલે 21મી સદીમાં પહોંચી ગયો હોય અને તેને ઉભરી રહેલી આર્થિક મહાશક્તિનાં રૂપે જોવામાં આવતો હોય પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આજે પણ અહીં છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદ રાખવામાં આવે છે. ઘણાં રાજ્યોમાં છોકરીઓનો જન્મદર ચિંતાજનક હદે નીચે ઉતરી ગયો છે. તેમાં પણ હરિયાણા એવું રાજ્ય છે કે જેને આર્થિક રીતે સમૃદ્ધ માનવામાં આવે છે પરંતુ કન્યા ભૃણ હત્યા, પરદા પ્રથા, અને ઘરેલૂ હિંસા જેવા મુદ્દા અંગે ખૂબ જ બદનામ પણ છે. હરિયાણાના જજ્જર જિલ્લામાં રહેનારાં ડૉ.સંતોષ દહિયા આ તમામ સામાજિક દૂષણો દૂર કરવા અને મહિલાઓ અને છોકરીઓને સમાજમાં સન્માન અપાવવા માટે કામે લાગ્યાં છે.

ડૉ.સંતોષ દહિયા આહલાવત મૂળ જજ્જર જિલ્લાનાં બિધલ ગામનાં રહેવાસી છે. ગ્રામીણ પૃષ્ઠ ભૂમિમાં રહી ચૂકેલાં ડૉ.સંતોષના જણાવ્યા અનુસાર પહેલાંની જેમ આજે પણ હરિયાણામાં છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદ રાખવામાં આવે છે. ઘરમાં કોઈ બહારનો પુરુષ આવે તો છોકરીને કહેવામાં આવે છે કે તે તેની સામે ન આવે કારણ કે સમાજમાં મહિલા અને છોકરીનો અર્થ આબરુ થાય છે. અને આબરુનો અર્થ એ થાય છે કે કોઈ તેને જોઈ ન લે. ડૉ.સંતોષ જણાવે છે કે તેઓ એક શિક્ષિત અને સંપન્ન પરિવારનાં છે. તેમનાં નાનાજી સ્વતંત્ર સેનાની હતા. તેમના પિતાજી લશ્કરમાં અને ભાઈ નૌકાદળમાં હતા. તેમ છતાં પણ તેમની સાથે ભદભાવ થયો હતો. બાળપણથી જ તેમની સાથે થતાં આ ભેદભાવને કારણે તેમનું મન કચવાતું હતું. તે બાળપણથી જોતી હતી કે ઘરનું તમામ કામ મહિલાઓ કરે છે. માણસો ખાલી હળવાફૂલ કામ કરે છે અને ત્યાર બાદ તેઓ આમતેમ આંટા મારીને પોતાનો સમય બરબાદ કરે છે. બાળપણથી જ તેમને એ વાતની સખત નફરત હતી કે કોઈ પણ પુરુષ સામે માથું નીચું રાખો અને તેની સામે મોં ના ખોલો. એક ઘટનાને યાદ કરતાં સંતોષ જણાવે છે કે એક વખત જ્યારે હું 7મા ધોરણમાં ભણતી હતી ત્યારે એક માણસ કે જે સંબંધમાં મારો ભાઈ થાય છે તે દારૂનાં નશામાં તેની પત્નીને લાકડીથી મારતો હતો. મહોલ્લાના લોકો તેને કહેતા હતા કે તે તેની પત્નીને મારે તેમ છતાં પણ તેઓ કોઈ તેને રોકતા નહોતા. મને ખૂબ જ ગુસ્સો આવ્યો મેં મારા સંબંધના ભાઈના હાથમાંથી લાકડી ઝૂંટવી લીધી અને તેને ધોઈ નાખ્યો. આ જોઈને આસપાસમાં ઊભેલા લોકો મારી જ ટીકા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે છોકરી થઈને તારી આટલી હિંમત. પરંતુ મારી માતાએ મને કહ્યું કે બેટા તે જે કર્યું તે સારું કર્યું છે. છોકરીઓ જ્યાં સુધી મજબૂત નહીં બને ત્યાં સુધી તેમના ઉપર આવા અત્યાચારો ચાલ્યા જ કરશે. આવી જ રીતે અન્ય એક ઘટનાને યાદ કરતાં સંતોષે જણાવ્યું,

"વર્ષ 1987માં એક વોલિબોલ ટૂર્નામેન્ટમાં મને શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી ત્યારબાદ છોકરાને ઇનામમાં રૂ. 500 અને મને રૂ. 200 આપવામાં આવ્યા. તે જોઈને મને ખરાબ લાગ્યું મને થયું કે તે પણ શ્રેષ્ઠ ખેલાડી બન્યો છે અને હું પણ તો પછી આ ઇનામમાં ભેદભાવ શા માટે. જો તેમની પાસે પૈસા નહોતા તો અમને બંનેને 100 રૂપિયા આપી દેવા હતા. મારા કહેવાનો અર્થ એ હતો કે વાત પૈસાની નથી વાત બરોબરીની હતી. વાત સન્માનની હતી કારણ કે અમને બંનેને મહિલા અને પુરુષ વર્ગમાંથી શ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યા હતા."

ડૉ.સંતોષ કુલ 8 વખત વોલિબોલ ચેમ્પિયન અને 4 વખત સ્વિમિંગ ચેમ્પિયન રહી ચૂક્યાં છે. તેમજ ક્રોસ કન્ટ્રી રેસમાં તેમનો ભારત માટે 8મો રેન્ક આવ્યો છે. રમતગમત સાથે ભણવામાં પણ હોંશિયાર સંતોષે કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. આટલું બધું કર્યાં પછી પણ સંતોષનું મન તો તે જ ગામમાં હતું કે જ્યાં તેઓ જન્મ્યાં અને જે મહિલાઓ તેમજ વડીલો સાથે તેઓ બેસતાં હતાં. તેઓ ઘણી વખત તેમને કહેતી હતી કે બેટા, મહિલાઓની વાત કોઈ સાંભળતું રહેતું હતું અને સંતોષનાં મનમાં પણ તે જ વાતનો ખટકો રહેતો હતો કે તેઓ તેમના માટે કશું નથી કરી શકતાં. ત્યારે સંતોષે નક્કી કર્યું કે તેઓ જીવનમાં મહિલાઓ માટે જ કામ કરશે. સંતોષ છેલ્લાં 12-13 વર્ષથી બેટી બચાઓ અભિયાનમાં જોડાયેલાં છે. તેના માટે તેમણે સહી ઝુંબેશ ચલાવી છે. તેઓ ગામેગામ જઈને કન્યા ભૃણ હત્યા વિરુદ્ધ લોકોની સહી લે છે. અને સોગંદ લેવડાવે છે કે તેઓ છોકરીઓની ગર્ભમાં હત્યા નહીં કરે. અત્યાર સુધી તેઓ 50 હજાર સહી લઈ ચૂક્યાં છે અને લગભગ 1 લાખ લોકોને સોગંદ લેવડાવી ચૂક્યાં છે. આ ઉપરાંત તેઓ શાળા, કોલેજ અને ગામની પંચાયતમાં જઈને લોકોને બેટી બચાવો અભિયાન વિશે સમજાવે છે કે સમાજ માટે દીકરીઓની કેટલી જરૂર છે. પોતાના આ અભિયાન અંતર્ગત તેમણે 15 ઓગસ્ટ 2015ના રોજ હિસારના મુજાદપુર ગામને દત્તક લીધું છે. અહીં 1 હજાર છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા માત્ર 273ની છે. અહીં તેઓ આશા વર્કર અને આંગણવાડી મારફતે જાગરૂકતા અભિયાન ચલાવી રહી છે. સાથે જ અહીં 7 ગામની પંચાયતના લોકોને તેમણે સામેલ કર્યા છે. તેમણે આ અભિયાનમાં દરેક વર્ગના લોકોને સામેલ કરીને 11-11 લોકોની એક ટીમ બનાવી છે. તેમના આ પ્રયાસોને જોતાં સરકારે તેમને કુરુક્ષેત્ર અને જજ્જરમાં બેટી બચાઓ આંદોલન માટે રોલ મોડલ તરીકે પસંદ કર્યાં છે.

ડૉ.સંતોષ માત્ર કન્યા ભૃણ હત્યાના વિરોધમાં કામ કરે છે તેટલું જ નહીં પરંતુ તેઓ ઇચ્છે છે કે છોકરીઓએ ઓછામાં ઓછું 12મા ધોરણ સુધી જરૂરથી ભણવું જોઇએ. આ ઉપરાંત તેઓ ઘરેલૂ હિંસા અંગે પણ કામ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કાયદાની મદદ વિના તેઓ હજારો કેસોનો નિકાલ કરી ચૂક્યાં છે. ડૉ.સંતોષ મહિલાઓ અંગે કેટલી ગંભીરતાથી કામ કરે છે તેનો અંદાજ એ વાત ઉપરથી જ લગાવી શકાય કે તેઓ સર્વ મહાખાપ પંચાયતનાં પહેલાં મહિલા અધ્યક્ષ તરીકે ચૂંટાયાં છે. લાજ કે પરદા પ્રથા હરિયાણાનો સંવેદનશીલ મુદ્દો છે. ડૉ.સંતોષે જ્યારે આ પ્રથાનો વિરોધ કર્યો તો સમાજની સાથેસાથે ખાપ પંચાયતના કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેમ છતાં પણ તેમણે પરદા પ્રથા વિરુદ્ધ પોતાનું અભિયાન ચાલુ રાખ્યું હતું. ડૉ.સંતોષ જણાવે છે,

"આઝાદી મળ્યાના લગભગ 70 વર્ષ થયાં છે અને આજે પણ મહિલાઓને જો પરદામાં કેદ રાખીશું તો તેમનો વિકાસ કેવી રીતે થશે. આ વાતને ધ્યાનમાં રાખીને મેં પરદા મુક્ત હરિયાણા વિશે કામ કરવાનું શરૂ કર્યું. હું આ અભિયાન મારફતે તેવા લોકોને સોગંદ લેવડાવવાનું પસંદ કરું છું કે જેઓ મહિલાને પરદામાં જોવાનું પસંદ કરે છે."

ડૉ.સંતોષને આશા છે કે તેમનું આ અભિયાન ભલે ધીમું હોય પરંતુ સમાજમાં બાળવિવાહ જેવાં દૂષણનો પણ આવી જ રીતે અંત આવશે. તેઓ કહે છે કે આજે જો સાઇના નહેવાલ કે મેરી કોમ જેવી મહિલાઓને પરદામાં રહેવા માટે કહેવામાં આવે તો શું તેઓ દેશનું નામ ઉજાળી શકશે. તેના કારણે જ તેમનાં આ અભિયાનને ન્યૂ યોર્ક ટાઇમ્સનાં અખબારે પણ ચમકાવ્યું હતું. ડૉ.સંતોષ ભલે વર્ષોથી મહિલાઓનાં ઉત્થાન માટે કામ કરતાં હોય પરંતુ ત્રણ વર્ષ પહેલાં તેમણે પોતાનાં સંગઠન અખિલ ભારતીય મહિલા શક્તિ મંચનો પાયો નાખ્યો હતો. તેના મારફતે તેઓ મહિલાઓને લગતાં પ્રશ્નો જેમ કે બેટી બચાઓ અભિયાન, ઘરેલૂ હિંસા, છોકરીઓની સલામતી, શિક્ષણ અને અધિકાર ઉપર કામ કરે છે. ડૉ.સંતોષનું માનવું છે કે આપણને આ જીવન મળ્યું છે તેમાં આપણે લોકો માટે સારાં કામો કરવાં જોઇએ. જો આપણે ડરીને રહીશું તો એક ડગલું પણ નહીં માંડી શકીએ.

લેખક- ગીતા બિશ્ત

અનુવાદક- મનીષા જોશી

આવી જ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

કેવી રીતે ડિપ્રેશને પૂનમને સમાજ માટે સારું કરવાની શીખ આપી, જરૂર વાંચો

રસ્તાઓ પર 3D ઝેબ્રા ક્રોસિંગ બનાવીને અકસ્માત ઘટાડવામાં લાગી છે અમદાવાદની મા-દીકરીની આ જોડી

વ્હીલચેરની નિરાશાથી રેમ્પ વૉકની ખુશી સુધી, આ છે રૂચિકા શર્માની સફળતાનું સૌથી રસપ્રદ પાસું