શોપિંગ માટે સ્થાનિક બજારની જાણકારી ન મળતા આ યુવા જોડીએ તૈયાર કર્યું Streetbazaar.in!

1

ખરીદી એક એવો અનુભવ છે કે જેમાં લગભગ તમામ લોકોને આનંદ આવે છે. મોટાભાગના લોકોને શોપિંગ કરવું પસંદ છે. પરંતુ મહિલાઓને તો તેમની આસપાસનાં બજારોની પણ સંપૂર્ણ જાણકારી હોય છે. તેવામાં ખરીદીનો આવો જ અનુભવ તમને ઘરેબેઠા મળે તો કેટલું સારું થાય. તેના કારણે તમારો સમય તો બચશે જ સાથેસાથે ભીડ, આવવા-જવાની ઝંઝટ અને ટ્રાફિકની સમસ્યાથી પણ છૂટકારો મળી જશે. સ્ટ્રીટબાઝાર ડૉટ ઇન આવી જ એક ઈ-કોમર્સ સાઇટ છે કે જ્યાં મહિલાઓને એથનિક ડ્રેસિસ સરળતાથી મળી શકે છે. આ પોર્ટલનો ઉદ્દેશ ભારતીય ફેશનને પ્રખ્યાત બનાવવાનો છે. તેમજ સાથે જ સ્થાનિક દુકાનદારોને એક ઓનલાઇન મંચ પણ આપવાનો છે.

ઓક્ટોબર, 2014માં ઇન્દોર ખાતે સ્ટ્રીટબાઝાર ડૉટ ઇનની શરૂઆત થઈ હતી. અહીં એથનિકની સાથે સ્ટાઇલિશ અને બોલિવૂડ સ્ટાઇલના ડ્રેસની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. શરૂઆતમાં સ્ટ્રીટબાઝાર ઉપર સ્ટાઇલિશ બેગ જ વેચવામાં આવતી હતી. પરંતુ ફેબ્રુઆરી, 2015માં તેમણે પોતાનાં કામનું વિસ્તરણ કરતાં વિવિધ સ્ટાઇલના ડ્રેસને પણ પોતાના કલેક્શનનો હિસ્સો બનાવી દીધો. માત્ર દસ મહિનામાં તેમના પોર્ટલ ઉપર દસ હજાર રજિસ્ટર્ડ કસ્ટમર બની ગયા. 26 વર્ષીય નીરજ વાણી અને 24 વર્ષીય સુરભિ વાણીએ સ્ટ્રીટબાઝારની શરૂઆત કરી હતી. નીરજ જણાવે છે કે એક વખત કામથી અમે પૂણે ગયા હતાં. ત્યાં નવરાશના સમયમાં અમે ખરીદી કરવાનું વિચાર્યું. ત્યાં ફરતાં અમને ઘણા મોલ મળ્યા પરંતુ કોઈ સારાં સ્થાનિક બજારો ન મળ્યાં. કદાચ અમને તે શહેરની વધારે માહિતી ન હોવાને કારણે અમે તે શોધી નહોતા શક્યા. પરંતુ તેના કારણે અમારા મનમાં એક વિચાર આવ્યો કે શા માટે લોકો સમક્ષ એક સસ્તાં અને સારાં બજારની રજૂઆત ન કરવામાં આવે? કે જ્યાંથી લોકો એથનિક ડ્રેસ સસ્તી કિંમતે ખરીદી શકે. સુરભિ આગળ જણાવે છે,

"અમે રિસર્ચ કર્યું તો અમને ખ્યાલ આવ્યો કે અન્ય પોર્ટલ ઉપર પણ એથનિક વેર મળે છે પરંતુ તેમાંના કેટલાકની ગુણવત્તા સારી નથી હોતી તો વળી, કેટલાકની કિંમત વધારે જોવા મળે છે. તે પછી અમે વિચાર્યું કે અમે ગ્રાહકોને સ્ટાઇલિશ એથનિક ડ્રેસ સસ્તાં દરે ઉપલબ્ધ કરાવીશું. જેમ કે કેઝ્યુઅલ કુર્તી અમારે ત્યાં માત્ર રૂ. 300માં મળી શકે છે જ્યારે ડિઝાઇનર લહેંગા અમારે ત્યાં માત્ર રૂ. 7000માં પ્રાપ્ય છે."

સ્ટ્રીટબાઝાર દેશભરના સ્થાનિક વેચાણકારો સાથે સંપર્ક કરે છે. તેમને પોતાની સાથે જોડે છે. નીરજ જણાવે છે કે ભારતમાં એથનિક વેરનું બજાર રૂ. 7 હજાર કરોડનું છે. તેમજ આ ક્ષેત્રમાં વધારે સ્પર્ધા પણ નથી. ઘણી ઈ-કોમર્સની સાઇટ્સ આ બાબતે સારું કામ કરી રહી છે. સુરભિ જણાવે છે,

"અમારો ઉદ્દેશ્ય ગ્રાહકોને એક સરળ તેમજ યુઝર ફ્રેન્ડલી શોપિંગ અનુભવ કરાવવાનો છે."

નીરજે ઇન્દોરની આઈપીએસ કોલેજમાંથી એન્જિનિયરિંગની પદવી મેળવી છે. ત્યારબાદ દિલ્હી આઈઆઈટીમાંથી આંત્રપ્રિન્યોરશિપમાં ડિપ્લોમા કર્યું હતું. જ્યારે સુરભિ પણ એમબીએની સ્નાતક છે. નીરજ જણાવે છે,

"જ્યારે અમે નોકરી છોડીને સ્ટ્રીટબાઝાર શરૂ કરવાનું વિચાર્યું તો અમારા મિત્રોએ અમને સમજાવ્યા અને ના પાડી. શરૂઆતમાં કેટલાક લોકો અમારા ઉપર હસતા પણ હતા કે અમે કેવો મૂર્ખામી ભરેલો નિર્ણય લીધો છે. પરંતુ અમે ટકી રહ્યા અને ઇમાનદારીથી અમારું કામ કરતાં રહ્યા." 

આજે સ્ટ્રીટબાઝારમાં બેગ્સ, કપડાં, ફેશન જ્વેલરી પણ મળે છે અને તે પણ ઓછી કિંમતે. સ્ટ્રીટબાઝારના વેપારીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે જેથી કરીને તેના વેપારનું વિસ્તરણ પણ વધી રહ્યું છે. સુરભિ જણાવે છે,

"અમારી યુએસપી ઓરિજિનલ લોકલ ફેશન છે. પરંતુ લોકોની વધતી માગને જોઈને અમે બોલિવૂડ ફેશનને પણ સામેલ કરી દીધી છે. જેમાં ગાઉન્સ મુખ્ય છે. તેની કિંમત રૂ. 2899થી રૂ. 5799 વચ્ચેની છે."

આગળ નીરજ જણાવે છે,

"અમે અમારા કામના માધ્યમથી તમામ લોકોને ફાયદો પહોંચાડવા માગીએ છીએ. અને તે જ ઉદ્દેશ્ય સાથે અમે આગળ વધી રહ્યા છીએ."

લેખક- મુક્તિ

અનુવાદક- મનીષા જોશી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

હવે નવા કલાકારોએ ફિલ્મોમાં તક મેળવવા ધક્કા નહીં ખાવા પડે! એક વેબસાઈટ થકી જ આપી શકાશે ઑડિશન!

આ 'ચુંબક'ની ચમક જ એવી છે કે તમે આકર્ષાયા વગર રહી જ નહીં શકો!

'બિઈંગ જૂલિયટ' મહિલાઓને દર્દમાં પણ આપે છે સ્મિત!